Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાને મોકલ્યો હતો ‘ફેક મિ. બિન’, ઝિમ્બાબ્વેએ ક્રિકેટના મેદાન પર ‘બદલો’ લીધો;...

    પાકિસ્તાને મોકલ્યો હતો ‘ફેક મિ. બિન’, ઝિમ્બાબ્વેએ ક્રિકેટના મેદાન પર ‘બદલો’ લીધો; ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું: જાણીએ શું છે સમગ્ર વિવાદ

    સામાન્ય યુઝરો તો ઠીક પરંતુ બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ આ વિવાદમાં કૂદ્યા હતા, ત્યારબાદ આ વિવાદે વધુ જોર પકડ્યું છે. 

    - Advertisement -

    હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપની લીગ મેચમાં ઝિમ્બાબ્વેએ પાડોશી દેશ પાકિસ્તાનને એક રને પછડાટ આપીને રોમાંચક મેચમાં છેલ્લા બોલે વિજય મેળવ્યો હતો. ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ મેચની જ ચર્ચા ચાલતી રહી તો બીજી તરફ ‘ફેક મિસ્ટર બિન’ પણ ટ્રેન્ડિંગમાં હતો. સામાન્ય યુઝરો તો ઠીક પરંતુ બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ આ વિવાદમાં કૂદ્યા હતા, ત્યારબાદ આ વિવાદે વધુ જોર પકડ્યું છે. 

    વિવાદ આમ તો 6 વર્ષ જૂનો છે. જે બે દિવસ અગાઉ ચર્ચામાં આવ્યો હતો. બન્યું એવું કે પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની મેચ પહેલાં આગલી સાંજે એક ઝિમ્બાબ્વેયન ટ્વિટર યુઝરે ટ્વિટ કરીને પાકિસ્તાન પર ફેક મિસ્ટર બિન મોકલવાનો અને તેમના લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેનો બદલો તેઓ ક્રિકેટના મેદાન ઉપર લેશે. આ ટ્વિટ ખાસ્સું વાયરલ થયું હતું. 

    ટ્વિટ વાયરલ થયા બાદ એક પાકિસ્તાની યુઝરે કૉમેન્ટ કરી તેની પાસે વધુ વિગતો માંગી હતી. ત્યારબાદ તેણે વધુ વિગતો આપતાં સમગ્ર મામલો સમજાવ્યો હતો અને કહ્યું કે, પાકિસ્તાને મિસ્ટર બિનની જગ્યાએ ‘પાક બિન’ મોકલાવ્યો હતો. જેના કારણે આ મુદ્દો ચર્ચામાં છે. 

    - Advertisement -

    વાસ્તવમાં આ ફેક મિસ્ટર બિન કે પાક બિન એ પાકિસ્તાની કોમેડિયન આસિફ મોહમ્મદ છે. જે મિસ્ટર બિનના પ્રખ્યાત પાત્ર જેવો જ દેખાય છે. આ વિશ્વવિખ્યાત પાત્ર આમ તો અમેરિકી કોમેડિયન રોવન એટકિન્સને ભજવ્યું હતું, પરંતુ આસિફ મોહમ્મદ તેના જેવો જ દેખાતો હોવાથી તેને ‘પાક (પાકિસ્તાની) મિસ્ટર બિન’ તરીકે ઓળખવામાં આવે છે. 

    વર્ષ 2016માં પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં મિસ્ટર બિન જેવા જ દેખાતા રોવન એટકિન્સનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, તેનો શૉ સુપર ફ્લૉપ ગયો હતો અને ‘કોમેડી શૉ’ હોવા છતાં લોકોને ખાસ રસ પડ્યો ન હતો. પાકિસ્તાની મિસ્ટર બિનના આ નિરાશાજનક પ્રદર્શનથી ઝિમ્બાબ્વેના દર્શકો ખૂબ નારાજ થયા હતા. 

    ઝિમ્બાબ્વેના ટ્વિટર યુઝર અનુસાર, પાકિસ્તાની બિનના શૉનો 10 ડોલર પ્રતિ ટિકિટ ચાર્જ લેવામાં આવ્યો હતો, પરંતુ લોકોના પૈસા વસૂલ થયા ન હતા. જેના કારણે તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ ઘટનાનો બદલો તેઓ ક્રિકેટના મેદાન ઉપર લેશે. 

    ત્યારબાદ ગઈકાલે રમાયેલી મેચમાં બન્યું પણ એવું કે ઝિમ્બાબ્વે એક રનથી પાકિસ્તાન સામે જીતી ગયું હતું. ત્યારબાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો. દરમ્યાન, ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરતાં મુદ્દો આંતરરાષ્ટ્રીય બની ગયો હતો. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ જવાબ આપ્યો હતો. 

    ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ મેચ બાદ ટ્વિટ કરીને ઝિમ્બાબ્વેની જીતની પ્રશંસા કરી અને ખેલાડીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે લખ્યું, ‘હવે પછી સાચો મિસ્ટર બિન મોકલજો.’ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આ ટ્વિટને 3 લાખ 26 હજાર લાઇક્સ મળી ચૂકી છે અને 51 હજાર વખત રિટ્વિટ થઇ ચૂક્યું છે. 

    આ ટ્વિટ ટ્રેન્ડ થયા બાદ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ વિવાદમાં ઝંપલાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભલે અમારી પાસે સાચો મિસ્ટર બિન ન હોય પરંતુ અમારી પાસે ક્રિકેટ પ્રત્યે ખેલદિલીની ભાવના છે. તેમણે એમ પણ દાવો કર્યો કે પાકિસ્તાની ખેલાડીઓ ફરીથી ફોર્મ મેળવીને જીત મેળવશે. તેમણે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, તેમની ટીમ સારું રમી હતી. 

    અહીં ઉલ્લેખનીય છે કે ચાલુ T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ બે મેચમાંથી બંને હારી ગઈ છે, જેના કારણે તેમના માટે આગળની રાહ મુશ્કેલ જણાઈ રહી છે. પાકિસ્તાને હવે સેમીફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે બીજી ટીમો પર આધાર રાખવો પડશે. પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પછડાટ આપી હતી. બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ હરાવ્યું હતું. હાલ પોઈન્ટ્સ ટેબલમાં કુલ 6 ટીમ પૈકી ભારત પ્રથમ ક્રમે જ્યારે પાકિસ્તાન પાંચમા ક્રમે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં