Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમતદાન મથકમાં તોડફોડ, બેલેટ પેપર સળગાવાયા: પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે પંચાયત...

    મતદાન મથકમાં તોડફોડ, બેલેટ પેપર સળગાવાયા: પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ, હત્યાઓનો સિલસિલો યથાવત

    8 જૂનના રોજ પંચાયત ચૂંટણીનું એલાન થયું ત્યારથી લઈને આજ સુધી 15થી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં સતત ચાલતી હિંસા વચ્ચે આજે પંચાયત ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ગત 8 જૂનના રોજ બંગાળમાં પંચાયત ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી ત્યારથી રાજ્યમાંથી સતત હિંસાના સમાચારો આવતા રહ્યા છે. શુક્રવારે પણ અહીં ચાર લોકોનાં મોત થયાં હતાં. 

    શનિવારે મતદાન હાથ ધરવામાં આવે તે પહેલાં શુક્રવારે બંગાળમાં ચાર લોકો માર્યા ગયા હતા. જેમાં મુર્શિદાબાદમાં 3 અને એક કૂચબિહારમાં હત્યા થઇ હતી. આ તમામ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો હોવાનું કહેવાય છે. મુર્શિદાબાદના બેલડાંગામાં શનિવારે સવારે TMC કાર્યકર્તાની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી તો શુક્રવારે રાત્રે ખારગ્રામમાં એક TMC કાર્યકર્તાને ચાકુ મારવામાં આવ્યું હતું, જેમાં તેનું મોત થયું હતું. શુક્રવારે રાત્રે જ રેજીનગરમાં ક્રૂડ બૉમ્બ વિસ્ફોટમાં કથિત રીતે એક ટીએમસી કાર્યકર્તાનું મોત થયું હતું. જ્યારે સવારે તૂફાનગંજમાં એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી નાંખવામાં આવી. શનિવારે સવારે કૂચબિહારમાં એક CPIM કાર્યકર્તાને ગોળી મારવામાં આવી હોવાની ઘટના પણ સામે આવી હતી. 

    શનિવારે સવારે મતદાન શરૂ થયા બાદ પણ હિંસા ચાલુ રહી હતી. જેમાં કૂચબિહારમાં એક મતદાન મથક પર ટોળાએ હુમલો કરી દીધો હતો અને તોડફોડ કરી હતી. ઉપરાંત મતદાન માટેના બેલેટ પેપરને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં સતત ચાલતી હિંસા વચ્ચે પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કેન્દ્રીય બળની કુલ 485 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે અને આ કંપનીઓના 65 હજાર જવાનો ફરજ પર હાજર છે. મતદાન પહેલાં પોલીસે પણ અલગ-અલગ ઠેકાણે સર્ચ ઓપરેશનો ચલાવ્યાં હતાં, પરંતુ તેમ છતાં હિંસાના સમાચારો આવતા રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, 8 જૂનના રોજ પંચાયત ચૂંટણીનું એલાન થયું ત્યારથી લઈને આજ સુધી 15થી વધુ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. હજુ મતદાન અને પરિણામ બાકી છે તેને જોતાં લોકોમાં ચિંતા છે કે ક્યાંક આ હિંસા વધુ ગંભીર સ્વરૂપ ધારણ ન કરે. 

    ચૂંટણી પંચની માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના 22 જિલ્લાઓની કુલ 63,229 ગ્રામ પંચાયત બેઠકો, પંચાયત સમિતિની 9,730 બેઠકો અને જિલ્લા પરિષદની કુલ 928 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. પરિણામો 11 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ગત ચૂંટણીમાં TMCએ 34 બેઠક પર બિનહરીફ વિજય મેળવ્યો હતો જ્યારે બાકીની 90 ટકા બેઠકો પર જીત મેળવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં