Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતહિંમતનગરના અંતરિયાળ વિસ્તારોમાં વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર, અમીન ઇબ્રાહિમ અને મહેબૂબ મુસ્તાક પકડાયા:...

    હિંમતનગરના અંતરિયાળ વિસ્તારોમાં વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર, અમીન ઇબ્રાહિમ અને મહેબૂબ મુસ્તાક પકડાયા: રાયફલથી અબોલ પ્રાણીઓને મારતા હતા, પોલીસ-વનવિભાગે સળિયા પાછળ ધકેલ્યા

    પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી હતી, જે બાદ તેમને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

    - Advertisement -

    થોડા સમયથી સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં કેટલાક લોકો રાયફલ જેવા હથિયારોથી રાતના અંધારામાં અબોલ જીવનો શિકાર કરતા લોકોને અટકાવતા જોવા મળે છે. આ વિડીયો હિંમતનગરના પશ્ચિમ ઉત્તર ગ્રામ્ય વિસ્તારોનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર આ શિકારનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. તેવામાં હવે હિંમતનગરના આંતરિયાળ વિસ્તારોમાં વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર કરતા બે શખ્સોને વનવિભાગે ઝડપી પાડ્યા છે, જેમની ઓળખ અમીન ઇબ્રાહિમ અને મહેબૂબ મુસ્તાક તરીકે થઇ છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર હિંમતનગરના વિજાપુર રોડથી હિંમતનગર ઇલોલ દાવડ તરફ જવાના રસ્તે કેટલોક વિસ્તાર કોતરો અને જંગલી ઝાડીઝાંખરાવાળો છે. છેલ્લા ઘણા લાંબા સમયથી 15-20 લોકોના ટોળા અહીં આવી આધુનિક રાઈફલો જેવા હથિયારો વાપરીને અબોલ વન્ય જીવોનો શિકાર કરતા રહે છે. ગુજરાત વન વિભાગ દ્વારા શિકાર કરવા પર પ્રતિબંધ હોવા છતાં આરોપીઓ દ્વારા શિકાર કરાતો હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે.

    રાયફલના ફાયરિંગનો અવાજ સાંભળી સ્થાનિકો દોડી ગયા

    હિંમતનગરના આંતરિક વિસ્તારોમાં વન્યજીવોનો ગેરકાયદેસર શિકાર કરવાનો વાયરલ થયેલો આ વિડીયો ગત શુક્રવારની રાતનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શુક્રવારની મોડી રાત્રે જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કંબોયા ગામની સીમમાં 15-20 લોકોનું ટોળું રાયફલથી ફાયરિંગ કરી શિકાર કરી રહ્યું હતું. આ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળીને ગામના કેટલાક લોકો અવાજની દિશા તરફ ધસી ગયા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગ્રામજનોએ ઘટનાસ્થળે જઈને જોતા શિકાર કરી રહેલા લોકો પાસે 5થી 6 બાર બોરથી વધુની ક્ષમતા ધરાવતી રાઈફલો મળી આવી હતી. તેમજ તેમના હાથમાં રાઈફલથી મારવામાં આવેલા સસલાના મૃતદેહો હતા. જેને લઈને ગામના લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. આ દરમિયાન સ્થાનિકો સાથે બોલાચાલી થયા બાદ શિકાર કરતા લોકો પરત ફરી ગયા હતા. જોકે અહેવાલોમાં તેમ પણ જણાવ્યું છે કે જે ગ્રામજનોએ શિકારીઓને શિકાર કરતા અટકાવ્યા તેમને આ શિકારીઓએ રાયયફલ બતાવી બે દિવસમાં આખા ગામને જોઈ લેવાની ધમકી આપી હતી.

    - Advertisement -

    આ મામલે ઑપઇન્ડિયાની ટીમે હિંમતનગર જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં PSI એ.બી. શાહે ઘટના વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “સ્થાનિક વન વિભાગ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. ઘટના ધ્યાનમાં આવ્યા બાદ અમિન ઈબ્રાહિમ રાજપૂરા અને મહેબૂબ મુસ્તાક મોમિન નામના આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે. સાથે જ તેમની જડતી લેતા આરોપીઓ પાસેથી રાયફલ પણ મળી આવી છે.” રાયફલ 12 બોરથી વધુની છે કે કેમ તે સવાલ પર શાહે જણાવ્યું હતું કે, “જમા કરવામાં આવેલું હથિયાર એ કોઈ ગેરકાયદેસર હથિયાર નથી પરંતુ એક એર રાયફલ છે. જોકે આ પ્રકારની રાયફલોથી શિકાર કરવું તે ચોક્કસ ગુનાહિત પ્રવૃત્તિ છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ચોક્કસ ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”

    આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે: ફોરેસ્ટ રેંજ ઓફિસર જી.એ પટેલ

    આ મામલે વધુ માહિતી મેળવવા અમે સ્થાનિક ફોરેસ્ટ રેંજ ઓફિસર જી.એ પટેલનો સંપર્ક પણ કર્યો હતો. ઘટના વિશે વિસ્તૃત માહિતી આપતા તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “સ્થાનિક લોકોએ જયારે ફાયરિંગનો અવાજ સાંભળ્યો ત્યારે તેમને શિકાર થતું હોવાનું જણાયું હતું. જે બાદ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ બનાવેલા વીડિયોના આધારે વનવિભાગ અને પોલીસની ટીમોએ આરોપીઓની શોધખોળ કરી, જે બાદ ગઈકાલે તેઓ પકડમાં આવી ગયા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી હતી, જે બાદ તેમને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. વન વિભાગે આરોપી અમિન ઈબ્રાહિમ રાજપૂરા અને મહેબૂબ મુસ્તાક મોમિન પર ધારાધોરણ મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.”

    તસ્વીર સાભાર- હિંમતનગર વન વિભાગ

    શિકારીઓ કેવા પ્રકારના હથિયાર દ્વારા શિકાર કરી રહ્યા હતા તે સવાલ પર વન અધિકારી જણાવે છે કે, “આરોપીઓના હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ છે, આરોપીઓની સંપૂર્ણ કસ્ટડી મળ્યા બાદ વન વિભાગ દ્વારા તેમની પૂછપરછ અને ઊંડી તપાસ બાદ જ ખ્યાલ આવશે કે તેઓ કેવા પ્રકારના હથિયારનો ઉપયોગ શિકાર માટે કરી રહ્યા હતા.” અહેવાલોમાં કરવામાં આવેલા દાવાઓ મુજબ રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર થયો હોવાની વાત જી.એ પટેલે નકારી કાઢી હતી. જોકે, એકાદ મહિના અગાઉ ખેડૂતો દ્વારા પાકને નુકસાન પહોંચાડતા જંગલી જાનવરો માટે મૂકેલ કરન્ટમાં થયેલા મોરના મૃત્યુ બાદ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો.

    આ ઉપરાંત ઑપઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતા જોગ સંદેશ આપતા કહ્યું હતું કે, “આ પ્રકારના ગુના આચરવા તે ગંભીર પરિણામો લાવી શકે છે. આ પ્રકારના ગુનેગારોને આર્થિક દંડ સાથે જેલમાં જવાની નોબત પણ આવી શકે છે. જાહેર જનતાએ વન અને વન્ય જીવો પ્રત્યે પ્રેમ દાખવીને તેનું જતન કરવું જોઈએ. વન વિભાગ આ પ્રકારના કૃત્યો પર ચાંપતી નજર રાખે છે, ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તેની તકેદારીઓ પણ રાખવામાં આવશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં