બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાનો સિલસિલો ચાલુ થયો છે. છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યારે આ વખતે પણ ભયાનક હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે. હજારો પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાંની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસા આચરી રહ્યા છે. ઘણી જગ્યાએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી. આ વખતે હિંસામાં 72 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પરિસ્થિતિ ગંભીર બનતા આખા દેશમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. હાલ પણ હિંસાનો દોર સતત ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રવિવારે (4 ઑગસ્ટે) ફરીવાર બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. 72 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. જેમાં 14 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે 40 વધુ લોકોને ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પણ તેઓ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. સરકારે હિંસાને ડામવા માટે દેશભરમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. આ સાથે જ ત્રણ દિવસ માટે રજાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત રાજધાની ઢાકામાં દુકાનો અને બેન્કોને પણ બંધ પાળવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.
પોલીસ પ્રશાસન તરફથી ટોળાઓને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. હિંસાને કાબૂમાં લેવા માટે સરકારે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે. તેમ છતાં પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ ચાલતાં હિંસક પ્રદર્શનોને પગલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ રદ કરીને અનામત 56%થી ઘટાડીને 7% કરતાં હિંસા થોડી શાંત થઈ હતી, પરંતુ હવે ફરી બાંગ્લાદેશમાં હિંસા જોવા મળી રહી છે. આ વખતે પ્રદર્શનકારીઓ PM શેખ હસીનાના રાજીનામાંની માંગણી કરી રહ્યા છે.
‘પ્રદર્શનકારીઓ વિદ્યાર્થી નહીં, આતંકી છે’- PM શેખ હસીના
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે PM શેખ હસીનાએ નેશનલ કમિટી ઓન સિક્યુરિટી અફેયર્સની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે પ્રદર્શનો કરી રહ્યા છે, તે વિદ્યાર્થીઓ નહીં, પરંતુ આતંકીઓ છે. તેમણે વધુમાં દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓને રોકવા માટે તેઓ પણ એકઠા થાય. આ બેઠકમાં શેખ હસીનાની સાથે બાંગ્લાદેશની ત્રણેય સેનાના વડા, પોલીસ ચીફ અને ટોપ સિક્યુરિટી ઓફિસરોએ પણ ભાગ લીધો હતો. શેખ હસીના આ જ વર્ષે ફેબ્રુઆરીમાં સતત ચોથી વાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે.
બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ સરકારી નોકરીઓમાં ક્વોટાની પ્રણાલીને ખતમ કરવાની માંગણી સાથે છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનમાં પહેલાં પણ હિંસાના દોર જોવા મળ્યા હતા. હમણાં સુધીમાં બાંગ્લાદેશમાં આ હિંસાથી લગભગ 200 લોકોના મોત થઈ ચૂક્યા હોવાના અહેવાલ છે. આખા આંદોલનના કેન્દ્રમાં રાજધાની ઢાકા રહેલું છે. ઢાકાથી જ આખા આંદોલનને સંચાલિત કરવામાં આવી રહ્યું છે.
શું છે હિંસા પાછળનું કારણ?
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં પ્રદર્શનોના મૂળમાં સરકારી નોકરીના ક્વોટા સિસ્ટમ અને તેને લઈને કોર્ટના આદેશ છે. ગત 5 જૂનના રોજ બાંગ્લાદેશની હાઈકોર્ટે એક આદેશ પસાર કરીને સરકારી નોકરીઓમાં સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના વંશજો માટે 30% ક્વોટાને બહાલી આપી હતી. નોંધવું જોઈએ કે, વર્ષ 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ જ પ્રકારના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીના સરકારે આ 30% ક્વોટા સિસ્ટમ રદ કરી દીધી હતી. પરંતુ કોર્ટે તેને ફરી પુનઃસ્થાપિત કરી દીધી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી અને હવે આગામી સુનાવણી 7 ઑગસ્ટના રોજ થવાની છે.
કોર્ટના આ આદેશ વિરૂદ્ધ છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે. આ વખતે તો પ્રદર્શનકારીઓ PM શેખ હસીનાના રાજીનામાંની પણ માંગણી કરી રહ્યા છે. હાલ પણ હિંસાનો દોર ચાલી રહ્યો છે. પોલીસ સહિતની સુરક્ષાદળોની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.