છેલ્લા 10 દિવસથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને હવે રાહત મળતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે તેમને યોગ્ય ભોજન પણ મોકલી શકાશે. અત્યાર સુધી તેમને ડ્રાયફ્રુટ, મલ્ટી વિટામિન દવાઓ, મમરા વગેરે જેવી ચીજો જ મોકલી શકાતી હતી. પરંતુ હવે નવી પાઈપ ઇન્સ્ટોલ થયા પછી તેમને પૂરતું ભોજન પણ આપવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત રેસ્ક્યૂ ટીમ પણ સતત શ્રમિકોના સંપર્કમાં રહી શકે છે. ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો સાથે અધિકારીઓને વૉકીટૉકીથી વાત પણ કરી છે. એ પણ જાણવા મળી રહ્યું છે કે ટનલમાં ફસાયેલા શ્રમિકોનો પહેલો વિડીયો પણ સામે આવ્યો છે. ઇન્ડોસ્કોપિક ફલેક્સી કેમેરો શ્રમિકો સુધી પહોંચ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં તે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
12 નવેમ્બરથી એટલે કે દિવાળીના દિવસથી ઉત્તરકાશીની ટનલમાં 41 શ્રમિકો ફસાયેલા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રતિબદ્ધ છે. PM મોદી સતત CM ધામીને કોલ કરીને તાજેતરના અપડેટ્સ મેળવી રહ્યા છે. સાથે જ PMOની ટીમની આગેવાની હેઠળ રેસ્ક્યૂ ઓપરેશન પણ સતત આગળ વધી રહ્યું છે. હવે રેસ્ક્યૂ ટીમને એક મોટી સફળતા મળી છે. ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી ઇન્ડોસ્કોપિક ફલેક્સી કેમેરો પહોંચ્યો છે. જેની મદદથી શ્રમિકોનો એક વિડીયો પણ સામે આવ્યો છે. ટનલમાં ફસાયાના 10મા દિવસે શ્રમિકોને જોઈ શકાયા છે. સાથે અધિકારીઓએ શ્રમિકો સાથે વૉકીટૉકીની મદદથી વાતચીત પણ કરી છે. એ ઉપરાંત એક મહત્વના સમાચાર એ પણ છે કે નવો પાઈપ ઇન્સ્ટોલ કર્યા બાદ હવે શ્રમિકોને પૂરતું ભોજન પણ મોકલવામાં આવી રહ્યું છે.
શ્રમિકો સુધી પહોંચાડાયું હતું ભોજન, કેમેરાની મદદથી જાણી સ્થતિ
આ પહેલાં સોમવારે (20 નવેમ્બર) રાત્રે પાઈપ ઇન્સ્ટોલ થયા બાદ શ્રમિકો સુધી પૌષ્ટિક ભોજન પણ પહોંચાડવામાં આવ્યું હતું. શ્રમિકોને પ્રથમવાર દાળ, ખિચડી મોકલવામાં આવી હતી. ખિચડી અને દાળને બોટલમાં ભરીને 24 બોટલો શ્રમિકો સુધી પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત નારંગી, સફરજન અને લીંબુનું જ્યુસ પણ મોકલવામાં આવ્યું છે. 6 ઈંચ પહોળી પાઈપમાંથી આ ભોજન શ્રમિકો સુધી પહોંચ્યું છે. એ પછી રેસ્ક્યૂ ટીમે શ્રમિકોની અંદરની સ્થતિ જાણવા માટે પાઈપની મદદથી એક કેમેરો મોકલ્યો હતો. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. અંદરની સ્થિતિ તે વિડીયોમાં કેદ થઈ છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | First visuals of the trapped workers emerge as the rescue team tries to establish contact with them. The endoscopic flexi camera reached the trapped workers. pic.twitter.com/5VBzSicR6A
— ANI (@ANI) November 21, 2023
શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના રેસ્ક્યૂ ઓપરેશન સાથે જોડાયેલા કર્નલ દિપક પાટીલે જણાવ્યું હતું કે, “અમે ટનલમાં ફસાયેલા લોકો માટે ભોજન, મોબાઈલ અને ચાર્જર મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, “અમે અંદર વાઈફાઈ કનેક્શન લગાવવા માટેના પણ પ્રયાસો કરી રહ્યા છીએ. DRDOના રોબોટ્સ પણ આ માટે કામ કરી રહ્યા છે.”