Tuesday, September 10, 2024
More
    હોમપેજદેશ‘9 દિવસથી અમે પ્રયાસ કરી રહ્યા હતા’: ટનલ રેસ્ક્યુ ઓપરેશનમાં એજન્સીઓને મોટી...

    ‘9 દિવસથી અમે પ્રયાસ કરી રહ્યા હતા’: ટનલ રેસ્ક્યુ ઓપરેશનમાં એજન્સીઓને મોટી સફળતા, હવે ફસાયેલા શ્રમિકો સુધી પહોંચાડી શકાશે ખોરાક; રોબોટ પણ કામે લાગ્યા

    અત્યાર સુધી ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પૂરતું ભોજન મોકલી શકાતું ન હતું, પરંતુ હવે ઓછામાં ઓછું એ કામ થઈ શકશે. અત્યાર સુધી તેમને ડ્રાયફ્રૂટ, મલ્ટી વિટામિન દવાઓ, મમરા વગેરે જેવી ચીજો જ મોકલી શકાતી હતી.

    - Advertisement -

    ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે છેલ્લા 9 દિવસથી ચાલતા રેસ્ક્યુ ઓપરેશનમાં મોટી સફળતા હાથ લાગી છે. એજન્સીઓ શ્રમિકો સુધી 6 ઇંચ પહોળો પાઈપ પહોંચાડવામાં સફળ રહી છે. જેથી હવે તેના મારફતે તેમને ભોજન-પાણી મોકલવામાં આવશે. NHIDCLના ડિરેક્ટરે આ બાબતની જાણકારી આપી હતી. 

    મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે, “છેલ્લા 9 દિવસથી અમે પ્રયત્નો કરી રહ્યા હતા, અમારી પહેલી પ્રાથમિકતા હતી કે લાઈફલાઈનવાળો એક પાઈપ સ્થાપિત કરી શકીએ. આખરે અમે 6 ઇંચનો પાઇપ ઇન્સ્ટોલ કરી દીધો છે. જે 53 મીટર પેલી તરફ છે અને એ લોકો (જેઓ ફસાયેલા છે) અમને સાંભળી શકે છે. સૌથી પહેલું અમારું કામ તેમની સાથે ફરી સંપર્ક સાધીને ભોજન, પાણી અને દવાઓ મોકલવાનું રહેશે.”

    ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) આ મેગા રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાયેલી મોટી સરકારી એજન્સીઓ પૈકીની એક છે. 

    - Advertisement -

    નોંધવું જોઈએ કે અત્યાર સુધી ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પૂરતું ભોજન મોકલી શકાતું ન હતું, પરંતુ હવે ઓછામાં ઓછું એ કામ થઈ શકશે. અત્યાર સુધી તેમને ડ્રાયફ્રૂટ, મલ્ટી વિટામિન દવાઓ, મમરા વગેરે જેવી ચીજો જ મોકલી શકાતી હતી. આજતકના રિપોર્ટ અનુસાર, હવે શ્રમિકો માટે ભોજન બનાવવામાં આવી રહ્યું છે અને તેને પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પાઈપ મારફતે મોકલવામાં આવશે. જેમાં ખીચડી પણ સામેલ છે. તેમના સ્વાસ્થ્યને કોઇ નુકસાન ન પહોંચે તે માટે ભોજન બાબતે ડૉક્ટરોની પણ સલાહ લેવામાં આવશે.

    આ પહેલાં એજન્સીઓને ડર હતો કે જો પહેલી લાઈફલાઈન (4 ઇંચ પાઇપ) બંધ થઈ જશે તો વધુ તકલીફ પડશે પરંતુ હવે બીજો પાઈપ પણ ઈન્સ્ટોલ થઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશથી ચલાવવામાં આવશે. આ માટે DRDOના એક 20 કિલોનો અને બીજો 50 કિલોનો એમ બે રોબોટ પણ બોલાવવામાં આવ્યા છે, જે સ્થળે પહોંચી ગયા છે. હવે તેમની પણ મદદ લેવામાં આવશે. 

    બીજી તરફ, સોમવારે (20 નવેમ્બર) સવારે ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પણ સ્થળે પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “અમે તમામ વ્યક્તિઓને બહાર કાઢીશું. હમણાં બહુ સરસ રીતે કામ ચાલી રહ્યું છે. અમારી પણ આખી ટીમ અહીં પહોંચી છે અને અમે કોઇ પણ રીતે ઉપાય શોધીને તેમને બહાર કાઢીશું. અહીં ઘણું કામ ચાલી રહ્યું છે. મહત્વનું એ નથી કે માત્ર તેમને બચાવી લેવામાં આવે પરંતુ તેઓ સુરક્ષિત રહે તે પણ જરૂરી છે. આખી દુનિયા મદદે આવી રહી છે. અહીં કામ સિસ્ટમેટિક રીતે ચાલી રહ્યું છે, ભોજન-પાણી પણ પૂરાં પાડવામાં આવી રહ્યાં છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં