Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદ્વારકા જગત મંદિરમાં VIP ભક્તોએ ભગવાનના દર્શનને બનાવ્યો ડાયરો: નોટોનો વરસાદ કરી...

  દ્વારકા જગત મંદિરમાં VIP ભક્તોએ ભગવાનના દર્શનને બનાવ્યો ડાયરો: નોટોનો વરસાદ કરી નાચવા લાગ્યા, વિડીયો વાયરલ થયા બાદ કડક કાર્યવાહીનો આદેશ

  જગત મંદિરમાં એક તરફ જ્યાં ફોટોગ્રાફીની પણ મનાઈ છે ત્યાં વીઆઈપી દર્શનાર્થીઓનો આ વિડીયો લેવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે પૂજારી જેવા વેશ ધરાવનાર વ્યક્તિએ પણ ભગવાન સન્મુખ ચલણી નોટો ઉડાવી હતી.

  - Advertisement -

  તાજેતરમાં દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશ સમીપે નોટો ઉડાવતા લોકોનો વિડીયો વાયરલ થયો હતો. મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે છતાં આટલી મોટી ચૂક સામે આવતાં ભક્તોમાં નારાજગી જોવા મળી છે. દ્વારકા મંદિરના વાયરલ વિડીયો બાબતે કડક કાર્યવાહીનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

  દ્વારકા મંદિરમાં ભગવાનના દર્શનને વીઆઈપી લોકોએ બનાવ્યો ડાયરો

  દ્વારકાધીશ જગત મંદિરે અન્નકૂટ દર્શન વખતે વીઆઈપી દર્શનાર્થીઓ જાણે ડાયરામાં આવ્યા હોય એમ ભગવાનની સન્મુખ નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ભગવાન દ્વારકાધીશ વિષ્ણુનો અવતાર છે. વિષ્ણુ ભગવાનના પત્ની લક્ષ્મીજી છે. દ્વારકાધીશ સમક્ષ પૈસા ઉડાડવામાં આવતા એક પ્રકારે માતાજીનું સ્પષ્ટ અપમાન ભગવાનની નજર સામે થયું હતું. જેથી કૃષ્ણ ભક્તોમાં નારાજગી વ્યાપી ગઈ છે. દ્વારકા મંદિરના વાયરલ વિડીયો અંગે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. જોકે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

  પુરાતત્વ વિભાગ અંતર્ગત ટ્રસ્ટની દેખભાળથી ચાલતા મંદિરમાં મોબાઈલ, કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. વિડીયો શૂટિંગ તેમજ ફોટોગ્રાફી પર સદંતર પ્રતિબંધ છે અને જો વિડીયોગ્રાફી કરવી હોય તો આર્કોલોજી ડિપાર્ટમેન્ટની ઉપલી કચેરીએથી મંજૂરી લેવાની હોય છે. તાજેતરમાં વિડીયો વાયરલ થયો છે ત્યારે આ નિયમો નેવે મૂકનારા સામે કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.

  - Advertisement -

  પૂજારીએ પણ પૈસા ઉડાવ્યા, વીઆઈપી ભક્તો નાચવા લાગ્યા

  જગત મંદિરમાં એક તરફ જ્યાં ફોટોગ્રાફીની પણ મનાઈ છે ત્યાં વીઆઈપી દર્શનાર્થીઓનો આ વિડીયો લેવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે પૂજારી જેવા વેશ ધરાવનાર વ્યક્તિએ પણ ભગવાન સન્મુખ ચલણી નોટો ઉડાવી હતી. બીજી તરફ વીઆઈપી ભક્તો જાણે સંગીત કાર્યક્રમમાં આવ્યા હોય તેમ નાચવા લાગ્યા હતા. પૈસા ઉડાવનારા લોકોને ત્યાં હાજર પૂજારી દ્વારા પણ અટકાવવામાં આવ્યા ન હતા.   

  ઈન્ચાર્જ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

  દ્વારકા મંદિરના વાયરલ વિડીયો બાબતે ઈન્ચાર્જ કલેક્ટર એસ.ડી. ધાનાણીએ તપાસના આદેશ આપ્યા છે. આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે મંદિરના વહીવટદારોને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશ મંદિરમાંથી અગાઉ પણ વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે ત્યારે સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલ ઉઠ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં