Sunday, September 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ: એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડની જીત લગભગ નિશ્ચિત,...

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ: એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડની જીત લગભગ નિશ્ચિત, જાણો કોને કેટલા મતો મળી શકે

    ભાજપ પાસે બહુમતી સાંસદો હોવાના કારણે તેમજ પ્રાદેશિક પક્ષોનું પણ સમર્થન હોવાના કારણે જગદીપ ધનખડને 744માંથી 500થી પણ વધુ મતો મળે તેવી સંભાવના.

    - Advertisement -

    દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. સંસદ ભવન ખાતે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે બાદ તરત મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી સાંજ સુધીમાં વિજેતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ ઉમેદવાર છે, જ્યારે વિપક્ષે કોંગ્રેસના માર્ગારેટ આલ્વાને ઉતાર્યાં છે. આંકડાઓને જોતાં જગદીપ ધનખડ વિજેતા બને તેની સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે. 

    ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદનાં બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરશે. આ ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 788 જેટલી છે. જેથી જે ઉમેદવારને 394 કરતાં વધુ મતો મળે તેની જીત નિશ્ચિત થશે. જોકે, કુલ 788માંથી રાજ્યસભાની 8 બેઠકો ખાલી છે, તેમજ ટીએમસીના 36 સાંસદો મતદાન ન કરવાના હોવાથી સાંજ સુધીમાં 744 સાંસદો મતદાન કરશે તેવું અનુમાન છે. 

    આંકડાઓનું ગણિત જોઈએ તો જગદીપ ધનખડ આગળ છે. કારણ કે બંને ગૃહ થઈને માત્ર ભાજપના જ 395 સાંસદો છે. આ ઉપરાંત, વાયએસઆર કોંગ્રેસ,  બહુજન સમાજવાદી પાર્ટી, શિવસેના (એકનાથ શિંદે), બીજુ જનતા દળ, તેલુગુ દેશમ, અકાલી દળ વગેરે પાર્ટીઓએ પણ જગદીપ ધનખડને સમર્થન કરવાની ઘોષણા કરી છે. જેના કારણે તેમને મળતા મતોની સંખ્યા પાંચસોથી પણ વધુ જવાની સંભાવના છે. 

    - Advertisement -

    માર્ગરેટ આલ્વાને 200ની આસપાસ મતો મળી શકે છે. તેમને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, એનસીપી વગેરે પાર્ટીઓનું સમર્થન છે. ઉપરાંત, આમ આદમી પાર્ટી, શિવસેનાના ઉદ્ધવ જૂથના 9 સાંસદો અને ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદો પણ તેમના સમર્થનમાં મતદાન કરશે.

    મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે મતદાનથી દોર રહેવાનો નિર્ણય કરીને વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં સંસદીય દળના નેતા સુદીપ બંદોપાધ્યાયે સાંસદ શિશિર અધિકારીને લખેલો પત્ર સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે પાર્ટીના લોકસભા અને રાજ્યસભા સાંસદોએ ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. 

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે કોઈ પણ ઉમેદવારને 788માંથી 395 મતોની જરૂર પડે છે. હાલ એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડ પાસે 500થી વધુ મતોનું સમર્થન છે. કારણ કે 395 મતો એકલી ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. ઉપરાંત, પ્રાદેશિક પક્ષો પણ તેમને સમર્થન કરી રહ્યા છે. બીજી તરફ, રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ ક્રોસ વોટિંગ થાય તો આ આંકડો હજુ પણ વધી શકે છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 18 જુલાઈના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઘણા સાંસદો, ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂ વિપક્ષના યશવંત સિન્હા સામે જંગી બહુમતીએ વિજેતા બન્યાં હતાં. જે બાદ ગત 25 જુલાઈના રોજ શપથ ગ્રહણ કરી દેશનાં 15મા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. 

    ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. જે બાદ 11 ઓગસ્ટ નવા ઉપરાષ્ટ્રપતિ શપથગ્રહણ કરશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં