Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલાને દરગાહ પર બોલાવીને શારીરિક અડપલાં કર્યાં, મારી નાંખવાની ધમકી આપી: વેરાવળની...

    મહિલાને દરગાહ પર બોલાવીને શારીરિક અડપલાં કર્યાં, મારી નાંખવાની ધમકી આપી: વેરાવળની કોર્ટે મૌલાનાની જામીન અરજી ફગાવી

    આરોપી મૌલાનાની ઓળખ જાવિદ ગુલામ ચૌહાણ તરીકે થઇ છે. તેની સામે પ્રભાસ પાટણ પોલીસ મથકે મહિલાની છેડતી અને ધમકીના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    વેરાવળની સેશન્સ કોર્ટે મહિલાની છેડતીના આરોપસર નોંધાયેલા કેસ મામલે એક મૌલાનાની આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી છે. મૌલાના સામે મહિલાને દરગાહ ખાતે બોલાવીને એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરવાના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. 

    આરોપી મૌલાનાની ઓળખ જાવિદ ગુલામ ચૌહાણ તરીકે થઇ છે. તેની સામે પ્રભાસ પાટણ પોલીસ મથકે મહિલાની છેડતી અને ધમકીના આરોપસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે વેરાવળની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરીને રક્ષણ માંગ્યું હતું. 

    મૌલાનાની જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર પક્ષેથી જણાવવામાં આવ્યું હતું કે, તેણે બે મહિના પહેલાં પીડિત મહિલાને કૌશર દરગાહ ખાતે એક ખાલી રૂમમાં બોલાવીને એકલતાનો લાભ લઈને બદઇરાદે સ્પર્શ કરીને, બાથમાં ભીડીને, એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કર્યાં હતાં. જેનો વિડીયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને જેમાં પણ આ કૃત્ય જોવા મળે છે. આ ઉપરાંત, તેણે કોઈને કહેવા પર પીડિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. 

    - Advertisement -

    આરોપી પુરાવા નષ્ટ કરી શકે: પબ્લિક પ્રોસિક્યુટર

    સરકાર પક્ષેથી કહેવામાં આવ્યું કે, હાલ ગુનાની તપાસ ચાલી રહી છે અને આરોપીની પૂછપરછની પણ જરૂર છે. ઉપરાંત તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા નષ્ટ કરે તેવી પણ શક્યતા છે, જેથી તેને જામીન આપવામાં ન આવે. આ સિવાય, કોર્ટમાં પીડિત મહિલા પણ હાજર રહી હતી અને તેણે પોતાની સાથે શારીરિક છેડતી થઇ હોવાનું કહીને મૌલાનાને જામીન ન આપવા માટે કોર્ટને રજૂઆત કરી હતી. 

    બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, દિન-પ્રતિદિન મહિલાઓ સામે શારીરિક અડપલાં અને જબરદસ્તીની ઘટનાઓ ઘટી રહી છે અને આ કેસમાં એક મૌલાના જેવા ઈસમ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી છે, જે ઘૃણાસ્પદ બાબત છે અને આ ગુનામાં આરોપીને જામીન આપવાથી સમાજ પર પણ માઠી અસર થઇ શકે તેમ છે. ઉપરાંત, કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે તેની શક્યતા પણ નકારી શકાય નહીં. 

    વેરાવળની સેશન્સ કોર્ટે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને મૌલાનાની આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં