જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો વાગ્યો છે, કારણકે વારાણસી કોર્ટે ગુરુવારે (17 નવેમ્બર 2022) જ્ઞાનવાપી કેસમાં મહત્વનો નિર્ણય આપતા મુસ્લિમ પક્ષની વાંધા અરજી ફગાવી દીધો હતી. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે, જ્ઞાનવાપી સંકુલનો કબજો હિંદુઓને સોંપવા સંબંધિત મામલો જાળવવા યોગ્ય નથી અને તેની સુનાવણી ન થવી જોઈએ. પરંતુ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ કેસની સુનાવણી શક્ય છે. કોર્ટના આ આદેશને જ્ઞાનવાપી કેસમાં હિંદુઓની જીત સાથે જોડવામાં આવી રહ્યો છે.
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો વાગ્યા બાદ હિંદુ પક્ષના વકીલ અનુપમ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ટ્રાયલની જાળવણીને પડકારતી મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી હતી. આગામી સુનાવણી 2 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવશે.”
Uttar Pradesh | Varanasi Court dismisses the plea filed by the Masjid committee challenging the maintainability of the suit in the Gyanvapi Mosque case; the next hearing is on 2nd December: Anupam Dwivedi, Advocate Hindu side pic.twitter.com/AbtVONiDfh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 17, 2022
ફાસ્ટટ્રેક કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા શિવલિંગની પૂજા કરવાનો અધિકાર, જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ અને જ્ઞાનવાપી પરિસરમાં બનેલા ગેરકાયદેસર બાંધકામને હટાવવાના મુદ્દાને સુનાવણી લાયક ઠેરવ્યા છે. વિશ્વ વૈદિક સનાતન સંઘે આ અંગે ફાસ્ટટ્રેક કોર્ટમાં સિવિલ જજ મહેન્દ્ર પાંડેની કોર્ટમાં અરજી કરી હતી.
જ્ઞાનવાપી પરિસરને હિંદુઓને સોંપવા સહિતની ત્રણ માંગણીઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે ત્રણ માંગણીઓ પર સુનાવણી થવાની હતી તેમાં એક કિરણસિંહ વિશેન અને અન્યની અરજી છે. જેમાં જ્ઞાનવાપી પરિસરને હિંદુઓને સોંપવાની માંગ કરવામાં આવી છે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ આનો વિરોધ કર્યો હતો. સમિતિએ કહ્યું હતું કે કિરણ સિંહ વિશેનની આ અરજી મેન્ટેનેબલ નથી.
અરજીમાં હિંદુ પક્ષે વિનંતી કરી હતી કે જ્યોતિર્લિંગની પૂજા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે અને વિવાદિત જગ્યા હિન્દુઓને સોંપવામાં આવે. કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ 2 ડિસેમ્બર 2022 મુકરર કરી છે.
વાદી કિરણસિંહે 24 મે, 2022ના રોજ કેસ દાખલ કર્યો હતો, જેમાં વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, અંજુમન ઈન્તેજામિયા કમિટી તેમજ વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. બાદમાં 25 મે 2022ના રોજ જિલ્લા અદાલતના ન્યાયાધીશ એકે વિશ્વેશે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.
વિશ્વ વૈદિક સનાતન સંઘના કાર્યકારી પ્રમુખ સંતોષ સિંહે આ નિર્ણય પર રાજીપો વ્યક્ત કરતા કહ્યું કે, આ એક મોટી જીત છે. તેમણે કહ્યું કે હવે હિંદુઓની માંગણી સાંભળ્યા બાદ સ્વીકારવામાં આવશે તેવી આશા છે.
અગાઉ મે મહિનામાં, સિવિલ જજ (સિનિયર ડિવિઝન)ની કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન જ્ઞાનવાપી સંરચનાના વજુખાનામાં એક શિવલિંગ મળી આવ્યું હતું.