Tuesday, September 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની હત્યા: બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ ગોળીઓ વરસાવી,...

    વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખની હત્યા: બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ ગોળીઓ વરસાવી, તપાસ શરૂ

    અચાનક એક બાઈક આવીને તેમની કાર પાસે ઉભી રહી અને તેઓ કંઈ પણ સમજે તે પહેલાં બાઈક પર આવેલા ઈસમોએ તેમની પર ગોળીબાર કરી દીધો હતો. 

    - Advertisement -

    વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા કરી નાંખવામાં આવી છે. તેઓ પત્ની સાથે મંદિરે દર્શન માટે ગયા હતા ત્યારે અજાણ્યા બાઈકસવારોએ આવીને ધડાધડ ગોળીઓ ધરબી દીધી હતી. જ્યાંથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ બચાવી શકાયા ન હતા. ઘટનાને લઈને માહોલ ગરમાયો છે, બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરી છે. 

    વાપીના કોચરવા ગામના વતની અને ભાજપ નેતા શૈલેષ પટેલ નિત્યક્રમ મુજબ આજે સોમવાર હોઈ સવારે સાત વાગ્યે પત્ની સાથે નજીકના શિવ મંદિરે દર્શન માટે ગયા હતા. તેઓ કારમાં જ બેઠા હતા જ્યારે પત્ની મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ જ દરમિયાન અચાનક એક બાઈક આવીને તેમની કાર પાસે ઉભી રહી અને તેઓ કંઈ પણ સમજે તે પહેલાં બાઈક પર આવેલા ઈસમોએ તેમની પર ગોળીબાર કરી દીધો હતો. 

    શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી ગઈ હતી અને તેઓ કારમાં જ લોહીથી લથબથ હાલતમાં ઢળી પડ્યા હતા. બીજી તરફ, હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. અમુક રિપોર્ટ્સમાં હુમલાખોરોની સંખ્યા 2 જ્યારે અમુકમાં 4 જણાવવામાં આવી રહી છે. 

    - Advertisement -

    મંદિરેથી દર્શન કરીને પરત ફરેલાં પત્નીએ શૈલેષ પટેલને કારમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈને બૂમાબૂમ કરી દીધી હતી અને આસપાસના સ્થાનિકોને જાણ કરી હતી. જેમણે ભાજપ નેતાને હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરી હતી પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

    બીજી તરફ, ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો તો વિસ્તારમાં વાયુવેગે સમાચાર પ્રસરી જતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પણ દોડી આવ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ ગુનેગારોની જલ્દીથી જલ્દી પકડી લઈને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

    પોલીસે સ્થળતપાસ કરીને અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. જેમાં LCB અને SOGની ટીમો પણ જોતરાઈ છે. હાલ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. 

    અંગત અદાવતમાં હત્યા થઇ હોવાનું અનુમાન

    સ્થાનિક સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યા અનુસાર, હત્યા અંગત અદાવતમાં હોવાનું અનુમાન છે. શૈલેષ પટેલની તેમના ફળિયાના જ અમુક લોકો સાથે છેલ્લા દસેક વર્ષથી બબાલ ચાલતી હતી અને તાજેતરમાં જ મામલાનું સમાધાન કરવાના પણ તેમણે પ્રયાસ કર્યા હતા. જાણવા મળ્યા અનુસાર, ફરિયાદીઓએ શકમંદોનાં નામો પણ પોલીસને સોંપી દીધાં છે. 

    વધુમાં જાણવા મળ્યું કે, શકમંદોની અટકાયત-ધરપકડ કરવામાં ન આવતાં સ્થાનિકો અને ભાજપ નેતાના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં