વલસાડ જિલ્લાના છેવાડાના કોચરવા ગામે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગત 8 મે, 2023ના રોજ સવારના સમયે એક મંદિરની બહાર હત્યા કરી નાંખવામાં આવી હતી. જે મામલે પોલીસે આખરે શૂટરોને ઝડપી પાડ્યા છે. આ બંને યુપીની એક ગેંગના સભ્યો છે, જે ઝારખંડથી પકડાયા હતા, જ્યારે એક હજુ ફરાર છે. હત્યામાં કુલ ત્રણ શૂટરો સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ હત્યા કેસ મામલે પરિવારજનો દ્વારા વલસાડ જિલ્લા પોલીસને અમુક શંકાસ્પદ લોકોનાં નામ આપવામાં આવ્યાં હતાં. જેમાંથી અમુકની ધરપકડ કરીને પૂછપરછ કરતાં બાકીના વિશે જાણવા મળ્યું હતું.
મુખ્ય શાર્પ શૂટરોની જાણકારી મળતાં પોલીસે ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. કડીઓ જોડતાં પોલીસે ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગના આરોપી વૈભવ યાદવ સુધી અને ત્યારબાદ દિનેશ ગૌડ સુધી પહોંચી હતી, બંને ધનબાદથી મળી આવ્યા હતા. જેમના ટ્રાન્સફર વૉરન્ટ મેળવીને વલસાડ લાવવામાં આવ્યા હતા. વલસાડ લાવીને બંનેને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, શૈલેષ પટેલની હત્યા કરાવવા માટે D16 ગેંગને 19 લાખની સોપારી આપવામાં આવી હતી. ત્રણેય શાર્પશૂટરો જાન્યુઆરી, 2023માં દમણ ખાતે રોકાયા હતા અને એક બાઈક લઈને શૈલેષ પટેલની હત્યા માટે રેકી કરી હતી. પરંતુ તે પ્લાન નિષ્ફળ જતાં તેઓ ફરી ઉત્તરપ્રદેશ રવાના થયા હતા. ત્યારબાદ આ બંને શાર્પશૂટરો મે મહિનાની 3જી તારીખે વાપી આવીને પંડોરના ફાર્મ હાઉસ ખાતે રોકાયા હતા અને 8મી મેના રોજ શૈલેષ પટેલની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બંને શાર્પશૂટરો અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો મુજબ વાપી તાલુકા ઉપપ્રમુખ અને કોચરવા ગામના વતની શૈલેષ પટેલ મે મહિનાની 8મી તારીખે નિત્યક્રમ મુજબ પરિવાર સાથે શિવ મંદિરે દર્શનાર્થે ગયા હતા. પરિવારજનો મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. તે સમયે શૈલેષ પટેલ તેમની ગાડીમાં બેઠા હતા તે સમયે બાઈક સવાર ગાડી પાસે આવી તેમના પર ગોળીબાર કરી હત્યા કરી નાંખી હતી. તે સમયે શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી અને તેઓ ગાડીમાં જ લોહીથી લથબથ હાલતમાં ઢળી પડયા હતા.