વડોદરા ખાતે એક વિદ્યાર્થીની સાથે ટ્રકમાં છેડતી થયાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ મહંમદ સલીમ તરીકે થઇ છે. સલીમે વિદ્યાર્થીનીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને મળવા બોલાવી હતી અને પછી ટ્રકમાં લઇ જઈને અડપલાં કર્યાં હતાં. આખરે યુવતીએ બૂમાબૂમ કરી મૂકતાં હાજર લોકોએ તેને છોડાવી હતી.
વડોદરાની વિદ્યાર્થીનીને ટેમ્પોમાં અડપલાં કરવાની આ ઘટના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોતાની પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, તે કોલેજમાં કોર્મસ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે અને પોતાના ગામથી વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપો ખાતે છે અને દરરોજ એસ.ટી.બસમાં અપડાઉન કરે છે. જ્યાં તે કોલેજ કરવાની સાથે જ કોલેજની સામે આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે.
તેના જણાવ્યા અનુસાર, બે વર્ષ અગાઉ તેની મુલાકાત ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતા મહંમદ સલીમ હુસેન સાથે થઈ હતી. આ મુલાકાત તેની એક મિત્ર મારફતે થઇ હોવાનું જાણવા મળ્યું છે. પછીથી બંને વચ્ચે ‘મિત્રતા’ કેળવાતાં બંનેએ ફોન નંબરની આપ-લે પણ કરી હતી અને ત્રણ-ચાર વખત રૂબરુમાં મુલાકાત પણ કરી હતી.
તેવામાં બુધવારે (22 માર્ચ 2023) સલીમે યુવતીને ફોન કરીને મળવા બોલાવી હતી. દાવા અનુસાર, પીડિત વિદ્યાર્થીનીએ મળવાની પાડતાં સલીમે તેને અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સલીમની ધમકીથી ડરી ગયેલી વિદ્યાર્થીની બપોરે 2 વાગ્યાના અરસામાં મકરપુરા એસટી ડેપો પાસે આવેલા ટોયોટાના શો રૂમ પાસે આવી હતી. જ્યાં મહંમદ સલીમ હુસેન પટેલ પહેલેથી ઓરેન્જ કલરના ટેમ્પો કેબિનમાં બેઠો હતો અને તેણે યુવતીને ઇશારો કરી ટેમ્પોમાં બેસાડી હતી. યુવતીના ટેમ્પોમાં બેઠા બાદ સલીમે યુવતી સાથે મરજી વિરૂદ્ઘ શારીરિક અડપલાં કરવાનાં શરૂ કરી દીધાં હતાં.
દરમ્યાન ગભરાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકઠા થઇ ગયા હતા. તેમણે તેને છોડાવીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાંથી યુવતી અને આરોપી બંનેને પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતાં. પછીથી પીડિતાના પરિજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા.
પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી મહંમદ સલીમ સામે IPCની કલમો હેઠળ કેસ દાખલ કરીને ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી લીધી હતી.