Monday, June 27, 2022
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટધામીનો ધમાકો: પહેલીવાર હાર્યા પછી પણ પેટાચૂંટણીમાં રેકોર્ડ માર્જીનથી અભૂતપૂર્વ જીત મેળવી...

  ધામીનો ધમાકો: પહેલીવાર હાર્યા પછી પણ પેટાચૂંટણીમાં રેકોર્ડ માર્જીનથી અભૂતપૂર્વ જીત મેળવી મોદી-શાહનો વિશ્વાસ જાળવ્યો

  ઉત્તરાખંડની ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તો મોટી બહુમતિથી જીત્યું હતું પરંતુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હારી ગયા હતા. થોડા દિવસ અગાઉ થયેલી પેટાચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ધામીએ અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે.

  તાજેતરમાં જ યોજાયેલી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની હાર થઇ હતી. જોકે, તેમ છતાં પાર્ટીએ તેમની ઉપર જ વિશ્વાસ મૂકી મુખ્યમંત્રી તરીકે રિપીટ કર્યા હતા. હવે, પેટાચૂંટણીમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રેકોર્ડ માર્જિનથી જીત મેળવી છે. 

  પુષ્કરસિંહ ધામીએ ચંપાવત બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તેમની સામે કોંગ્રેસે નિર્મલા ગહતોડીને ઉતાર્યાં હતાં. જોકે, પુષ્કરસિંહ ધામીએ રેકોર્ડબ્રેક માર્જિનથી કોંગ્રેસ ઉમેદવારને હરાવ્યાં છે. પુષ્કરસિંહને 57,268 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 3147 મતો મળ્યા હતા. આમ ધામીએ 54,121 મતોથી વિજય મેળવ્યો છે. ઉત્તરાખંડના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ આટલા મોટા માર્જિનથી જીત મેળવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

  ચૂંટણીમાં જીત બાદ પુષ્કરસિંહ ધામીએ ચંપાવતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “મને સમર્થન આપનાર ચંપાવતની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું.” બીજી તરફ, પરિણામો જાહેર થયા બાદ તેમના સમર્થકોએ ઢોલ-નગારા સાથે ઉજવણી શરૂ કરી દીધી હતી.

  - Advertisement -

  ચંપાવત પેટાચૂંટણી માટે ગત 31 મેના રોજ મતદાન થયું હતું. અહીં 64.14 ટકા મતદાન નોંધાયું હતું. જે બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતથી જ પુષ્કરસિંહ ધામી આગળ ચાલી રહ્યા હતા. આખરે દસ રાઉન્ડની મતગણતરી બાદ તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા અને પુષ્કરસિંહ ધામીએ રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.

  ગત ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તરાખંડમાં પણ ચૂંટણી થઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી તો જીતી હતી પરંતુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પોતાની બેઠક પરથી હારી ગયા હતા. ભાજપે રાજ્યની કુલ 70 માંથી 47 બેઠકો પર જીત મેળવી હતી. જેની સાથે પાર્ટીએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, પરંતુ સીએમ પુષ્કરસિંહ ધામી તેમની ખટીમા બેઠક પરથી હાર્યા હતા.

  પુષ્કરસિંહ ધામીની હાર થતાં રાજકીય વર્તુળોમાં એ ચર્ચા પણ શરૂ થઇ ગઈ હતી કે તેમને મુખ્યમંત્રી તરીકે ફરીથી રિપીટ કરાશે કે કેમ. જોકે આખરે ભાજપના મોવડી મંડળે તેમની ઉપર જ વિશ્વાસ દાખવીને ફરીથી મુખ્યમંત્રી બનાવ્યા હતા. જે બાદ 23 માર્ચે પુષ્કરસિંહ ધામીએ સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

  પુષ્કરસિંહ ધામીના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવી લીધો હતો. એક ટ્વિટમાં ધામીને અભિનંદન પાઠવતા તેમજ ચંપાવતના મતદારોનો ધન્યવાદ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ધામી ઉત્તરાખંડના વિકાસ માટે વધુ મહેનત કરશે.

  બંધારણના નિયમ અનુસાર, કોઈ વ્યક્તિ ચૂંટણી લડ્યા વગર પણ મુખ્યમંત્રી બની શકે છે પરંતુ શપથ લીધાના છ મહિનામાં તેણે ધારાસભ્ય પદ મેળવવું પડે છે. જે માટે પેટાચૂંટણી કરાવવામાં આવે છે.  ચંપાવત બેઠક પરથી ગત મહિને ધારાસભ્ય કૈલાશ ગહતોડીએ રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી જાહેર થઇ હતી અને એ બેઠક પરથી પુષ્કરસિંહ ધામી લડ્યા હતા, જેમાં તેમને જીત મળી છે અને આગામી પાંચ વર્ષ સુધી સીએમ રહેવાનો માર્ગ મોકળો બન્યો છે.

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં