Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશ: યોગી સરકારે સરવે શરૂ કરતાંની સાથે જ અઢી હજાર મદ્રેસાઓ...

    ઉત્તર પ્રદેશ: યોગી સરકારે સરવે શરૂ કરતાંની સાથે જ અઢી હજાર મદ્રેસાઓ અચાનક છૂ થઇ ગઈ!

    ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની મદ્રેસાઓના સરવેનો આદેશ આપતાં જ કાગળ પર ચાલી રહેલી મદ્રેસાઓ બંધ થવા માંડી છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં આવેલ મદ્રેસાઓનો સરવે કરવાના આદેશ આપ્યા બાદ એક તરફ જ્યાં વિપક્ષો અને મુસ્લિમ નેતાઓ વિરોધ કરી રહ્યા હતા ત્યાં હવે જાણવા મળ્યું છે કે સરવે શરૂ થતાંની સાથે જ રાજ્યમાંથી અઢી હજાર મદ્રેસાઓ ગાયબ થઇ ગઈ છે. આ જાણકારી સ્વયં યુપીના મદ્રેસા શિક્ષણ બોર્ડના ચેરમેને આપી છે. 

    ઉત્તરપ્રદેશના મદ્રેસા શિક્ષણ બોર્ડના ચેરમેન ઈફ્તિખાર અહમદ જાવેદે અમર ઉજાલા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, મોટી સંખ્યામાં મદ્રેસાઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી. જેના નામ પર આવતો રૂપિયો ખોટા લોકોના ખિસ્સામાં જતો હતો. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે ઉત્તર પ્રદેશમાં 19 હજારથી વધુ મદ્રેસા હોવાની વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ હવે તેની સંખ્યા માત્ર 16,513 રહી ગઈ છે. એટલે કે અઢી હજાર મદ્રેસાઓ ગાયબ થઇ ગઈ છે. 

    તેમણે કહ્યું કે, આ સરવેનો એ ફાયદો થશે કે ખોટા હાથમાં જતા રૂપિયા બચશે અને તેનો ઉપયોગ ગરીબ મુસ્લિમ બાળકોના શિક્ષણ પાછળ કરવામાં આવશે. 

    - Advertisement -

    તેમણે સરવે અંગે જણાવ્યું હતું કે, આ કોઈ તપાસ નથી. 11-12 મુદ્દાઓની સૂચના છે, જે મદ્રેસાઓ સરકારને સ્વૈચ્છિક રીતે મોકલશે. તેમણે કહ્યું કે, અનેક મદ્રેસાઓ રજિસ્ટ્રેશન વગર જ ચાલી રહી છે. આપણને એ ખબર હોવી જ જોઈએ કે ક્યાં શું ચાલી રહ્યું છે અને બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી હવે મદ્રેસાઓનું પોર્ટલ પર રજિસ્ટ્રેશન દેખાશે તો તેમાં થતાં ખોટાં કામો અટકી જશે અને ગરીબ બાળકોને લાભ મળશે. 

    અસદુદ્દીન ઓવૈસી અને અન્ય નેતાઓ દ્વારા કરવામાં આવેલ વિરોધને લઈને મદ્રેસા બોર્ડના ચેરમેને કહ્યું હતું કે, જે વ્યક્તિ ગરીબ મુસ્લિમ બાળકોનું હિત ઇચ્છતા હોય તેઓ મદ્રેસાઓના સર્વેને ખોટો ઠેરવી શકે નહીં. આપણે સમજવું પડશે કે મદ્રેસાઓના સરવેનો વિરોધ કોણ કરી રહ્યું હતું.

    ઓવૈસી ભાઈઓને આડેહાથ લેતાં તેમણે કહ્યું કે, જે અસદુદ્દીન ઓવૈસી મદ્રેસાઓના સરવેને બીજી એનઆરસી ગણાવીને વિરોધ કરી રહ્યા હતા તેમના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસીનો પુત્ર અમેરિકામાં એમબીબીએસ કરી રહ્યો છે અને પુત્રી લંડનમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે તેઓ પોતાનાં બાળકોને મોટી અંગ્રેજી મિશનરી શાળાઓમાં ભણાવીને તેમના માટે પ્રગતિનો રસ્તો ખોલવા માંગે છે પરંતુ ગરીબ બાળકોને ધાર્મિક શિક્ષણ સુધી જ સીમિત રહે છે. આની પાછળ માત્ર રાજકારણ જ જવાબદાર છે. 

    તેમણે મદ્રેસાઓનો સરવે કરવાના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું હતું કે, એક તરફ સરકાર તરફથી હજારો કરોડની મદદ લેવામાં આવતી હોય, પચાસ હજારથી લાખ રૂપિયાનો પગાર લેવામાં આવતો હોય અને સરકાર તરફથી તમામ સુવિધાઓ મેળવવામાં આવતી હોય તો પછી આ મામલો વ્યક્તિગત ગણી શકાય નહીં. સરકારને આવાં સંસ્થાનો માટે નિયમ બનાવવા અને હિતધારકોની ચિંતા કરવાના અધિકાર છે. કોઈ તેમાંથી બાકાત રહી શકે નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં