Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગુજરાતનું ભારતની પ્રગતિમાં વિશેષ યોગદાન’: ગુજરાત દિને રાહુલ ગાંધીને લાધ્યું જ્ઞાન, સોશિયલ...

    ‘ગુજરાતનું ભારતની પ્રગતિમાં વિશેષ યોગદાન’: ગુજરાત દિને રાહુલ ગાંધીને લાધ્યું જ્ઞાન, સોશિયલ મીડિયા યુઝર્સે યાદ દેવડાવ્યું ગુજરાતીઓનું અપમાન

    રાહુલ ગાંધીએ લખ્યું- 'મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓની જન્મભૂમિ, ગુજરાતનું ભારતની પ્રગતિમાં વિશેષ યોગદાન છે. તમામ પ્રદેશવાસીઓને ગુજરાત દિવસની શુભકામનાઓ.'

    - Advertisement -

    ગુજરાતના સ્થાપના દિને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત દિવસની શુભેચ્છાઓ પાઠવવા એક પોસ્ટ કરી અને ગુજરાતીઓને ‘ગુજરાત દિન’ની શુભકામનાઓ આપી હતી. રાહુલ ગાંધીએ લખ્યું કે, ભારતની પ્રગતિમાં ગુજરાતનું વિશેષ યોગદાન છે. તેમના આ ટ્વિટ બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝરોએ રાહુલ ગાંધીને તેમણે ભૂતકાળમાં ગુજરાત અને ગુજરાતીઓના અપમાન યાદ અપાવ્યાં હતાં.

    રાહુલ ગાંધીએ ગુજરાત દિવસની શુભેચ્છાઓ પાઠવતા પોતાના આધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓની જન્મભૂમિ, ગુજરાતનું ભારતની પ્રગતિમાં વિશેષ યોગદાન છે. તમામ પ્રદેશવાસીઓને ગુજરાત દિવસની શુભકામનાઓ.’

    આ ટ્વિટને લઈને લોકોએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરીને કહ્યું કે, તેઓ આમ તો કાયમ ગુજરાતીઓનું અપમાન કરતા રહે છે પરંતુ આજે તેમને ગુજરાતીઓ યાદ આવ્યા છે. બીજી તરફ, ઘણાએ એમ પણ કહ્યું હતું કે આખરે રાહુલ ગાંધીએ સ્વીકારી જ લીધું કે ગુજરાતનું યોગદાન ભારતની પ્રગતિમાં વિશેષ રહ્યું છે અને જેથી આડકતરી રીતે તેમણે એ પણ સ્વીકાર્યું કે ભાજપની સરકારોએ કામ કર્યું છે, કારણ કે રાજ્યમાં છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસની તો સરકાર જ બની નથી.

    - Advertisement -

    @Aryavrat_73 નામના હેન્ડલ પરથી રાહુલ ગાંધીના આ ટ્વિટના જવાબમાં લખવામાં આવ્યું કે, ‘ચાલો સ્વીકાર તો કર્યો કે ભારતની પ્રગતીમાં ગુજરાતનું વિશેષ યોગદાન છે. જેનો અર્થ 30 વર્ષથી સત્તા ચલાવનાર સરકારે સર્વોત્તમ કામ કર્યું છે.’

    આ રીતે જ દિપક સૈનીએ પણ રાહુલ ગાંધીની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘ચાલો, કમસેકમ માની તો લીધું, કે ગુજરાતનું ભારતની પ્રગતિમાં વિશેષ યોગદાન છે.’

    તો એક યુઝરે ગુજરાતમાં કોંગ્રેસના સફાયા પર ટોણો મારતા લખ્યું કે, ‘ભારતની પ્રગતિમાં યોગદાન છે, એટલે તો ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કર્યો છે.’ ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ દાયકાઓથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની નથી.

    એક યુઝરે તેમની આ પોસ્ટ પર કહ્યું કે, ‘ગુજરાતમાં થયેલી પ્રગતિનો સ્વીકાર કરીને તમે અપ્રત્યક્ષ રૂપે મોદીજી અને ભાજપના વિકાસની પેટર્નને પ્રમોટ કરી છે, કારણકે કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાત અવિકસિત રાજ્ય હતું.”

    અન્ય એક નીલ મુખર્જી નામના યુઝરે પણ રાહુલ ગાંધીને તેમની રાજકીય કારકિર્દી ટકાવી રાખવાના કીમિયા યાદ અપાવતા લખ્યું, ‘આમ તો ગુજરાત અન્ય 2 નામાંકિત ગુજરાતીઓની પણ જન્મભૂમિ છે, જે લોકોને આજકાલ આપ સવાર-સાંજ અપશબ્દો ભાંડીને પોતાનું રાજનીતિક અસ્તિત્વ જેમતેમ ટકાવી રાખ્યું છે. મનમાં તો મનમાં એક શુભેચ્છા તે લોકોને પણ આપવી પડે.’

    અમુકે કર્ણાટકમાં ચાલતા અમુલના મુદ્દાને ટાંકીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. એક વ્યક્તિએ લખ્યું કે, ‘અમુલ બ્રાંડને ગાળો આપીને ગુજરાતને વધામણા અને શુભકામનાઓ, શું કહેવું છે.’

    અમુલ મુદ્દે અન્ય યુઝરોએ પણ ટિપ્પણી કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.

    એક વ્યક્તિએ લખ્યું કે, વર્ષ આખું અપમાન કરીને હવે રાહુલ ગાંધી ‘ગુજરાત દિવસ’ની શુભેચ્છાઓ આપી રહ્યા છે.

    રાહુલ ગાંધી અને તેમનાં ગુજરાતવિરોધી નિવેદનો

    ભૂતકાળમાં રાહુલ ગાંધી અનેક વખત ગુજરાત વિરુદ્ધ પોતાનો દ્વેષ છલકાવી ચૂક્યા છે. તેનું એક ઉદાહરણ લઈએ તો, વર્ષ 14 ફેબ્રુઆરી 2021ના રોજ આસામમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે રાહુલ ગાંધીએ ગુજરાત પ્રત્યેની પોતાની નફરત છલકાવી હતી અને કહ્યું હતું કે, તેઓ ગુજરાતના ચાના વેપારીઓ પાસેથી પૈસા લઈને આસામના શ્રમિકોને અપાવશે.

    રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આસામના ચાના બગીચાના શ્રમિકોને પ્રતિદિન 167 રૂપિયાનું વેતન મળે છે. જયારે ‘ગુજરાતના વ્યાપારીઓ’ને ચાના બગીચા મળે છે. આ વખતે પોતાનો દાવો સાબિત કરવા માટે કોઈ જ પ્રમાણો આપ્યાં ન હતાં. તેમણે તેઓ પણ દાવો કર્યો હતો કે, જો આસામમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રત્યેક શ્રમિકને 365 રૂપિયા મહેનતાણું આપવામાં આવશે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારપૂર્વક કહ્યું હતું કે, “તેના માટે પૈસા ક્યાંથી આવશે? પૈસા ગુજરાતના વેપારીઓ પાસેથી આવશે.”

    ઉપરાંત, ગયા વર્ષે તેમણે કરેલી ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે વૈમનસ્ય સર્જવાના પ્રયાસ કરતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાંથી તમામ મોટા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું હતું કે શું તેમની પાસે મોબાઈલ ફોન છે? ત્યારબાદ કહ્યું હતું કે આ મોબાઈલ ફોનમાં જે ચીપ આવે છે એ બનાવવાનો ઉદ્યોગ એટલે કે ફોક્સકોન પણ ગુજરાત ચાલ્યો ગયો છે. ઉપરાંત, એરબસ પ્રોજેક્ટને લઈને પણ કહ્યું હતું કે, આ પ્લેન મહારાષ્ટ્રમાં બનવાનું હતું પરંતુ પછી ઉડીને ગુજરાતમાં જતું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં