CAA લાગુ થયા બાદ દેશમાં તો ઠીક પણ અમુક દેશો પણ મામલે વિરોધના સૂર રેલાવી રહ્યા છે. તેમાંનું એક અમેરિકા પણ છે. અમેરિકાએ તાજેતરમાં CAAને લઈને કહ્યું કે તેઓ આ નોટિફિકેશનને લઈને ચિંતિત છે અને નજર રાખી રહ્યા છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે, “અમે CAAને લઈને ચિંતિત છીએ, તેને કઈ રીતે લાગુ કરવામાં આવે છે તે બાબત પર અમે નજર રાખી રહ્યા છીએ.” અમેરિકાના આ ડહાપણનો ભારતે પોતાની ભાષામાં અને સુસ્પષ્ટ જવાબ આપ્યો છે.
અમેરિકન વિદેશ મંત્રાલયની ટિપ્પણી પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે અને જેમને ભારતના ઇતિહાસની અને પરિસ્થિતિઓની ખબર ન હોય તેમણે વધુ જ્ઞાન ન આપવું જોઈએ. મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કાયદો કોઈની નાગરિકતા પરત લેવા માટે નહીં પરંતુ ત્રણ ઇસ્લામિક પાડોશી દેશોમાંથી પ્રતાડના સહન કરીને શરણાર્થી બનીને ભારતમાં આવેલા લોકોને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે.
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “CAA ભારતનો આંતરિક વિષય છે. તે ભારતની સમાવેશી પરંપરા અને માનવાધિકારો પ્રત્યે દેશની દાયકાઓ જૂની પ્રતિબદ્ધતાને ધ્યાને રાખીને લાવવામાં આવ્યો છે. આ અધિનિયમ ત્રણ પાડોશી દેશોમાંથી 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારત આવેલા હિંદુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ જેવા લઘુમતી સમુદાયને મદદરૂપ થશે.”
#WATCH | On CAA, MEA Spokesperson Randhir Jaiswal says, "As you are well aware, the Citizenship Amendment Act 2019 is an internal matter of India and is in keeping with India's inclusive traditions and a long-standing commitment to human rights. The act grants a safe haven to… pic.twitter.com/cJBiDvI7JU
— ANI (@ANI) March 15, 2024
તેમણે કહ્યું કે, “CAA નાગરિકત્વ આપવા માટે છે, લેવા માટે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે નાગરિકત્વ વગરના લોકોને મદદરૂપ થશે અને માનવીય ગરિમાનું ધ્યાન રાખીને માનવાધિકારો પ્રદાન કરશે.”
USના વિદેશ મંત્રાલયે કરેલી ટિપ્પણી પર તેમણે કહ્યું કે, “અન્ય પણ ઘણાં ઠેકાણેથી આવી ટિપ્પણીઓ કરવામાં આવી છે, અમે માનીએ છીએ કે તે અનુચિત, ગેરમાર્ગે દોરનારી અને બિનજરૂરી છે. લઘુમતીઓ સાથે થતા વ્યવહાર અંગે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. જેઓ દુર્દશામાં હોય તેમને મદદ કરવા માટે કોઇ પગલાં લેવામાં આવે તો તેને વોટબેન્કના રાજકારણની દ્રષ્ટિએ જોવું ન જોઈએ.”
આગળ તેમણે ઉમેર્યું કે, “જેમને ભારતની બહુવિધ પરંપરાઓ અને વિભાજન બાદના ઈતિહાસની સીમિત સમજ છે તેમણે લેક્ચરો આપવાના પ્રયાસ ન કરવા જોઈએ. ભારતના જેઓ શુભચિંતકો છે તેઓ આ શુભ આશયથી લેવામાં આવેલાં પગલાંનું સ્વાગત કરે.”
શું છે CAA કાયદો?
નોંધનીય છે કે, સોમવારે (11 માર્ચ, 2024) કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં CAA કાયદો લાગુ કરી દેવામાં આવ્યો. CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો કોઇની નાગરિકતા છીનવી લેવા માટે નહીં પરંતુ આપવા માટે લાવવામાં આવ્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્રણેય મુસ્લિમ દેશો છે, જ્યાંથી મોટી સંખ્યામાં ત્યાંના લઘુમતીઓ (હિંદુ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી) શરણ લેવા માટે ભારતમાં આવ્યા હતા. આ ત્રણેય દેશોમાં લઘુમતીઓ સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને અહીં મુસ્લિમો બહુમતીમાં છે. આ શરણાર્થીઓને ભારતમાં નાગરિકતા આપવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એટલે કે એક રીતે કાયદો ભારતના વર્તમાન કોઇ નાગરિકને અસર કરતો નથી કે ન કોઇની નાગરિકતા લેવામાં આવી રહી છે. તેમજ જેઓ શરણાર્થી છે તેમના માટે પણ નિયમ એ છે કે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત આવેલા લોકો માટે જ તે લાગુ પડશે.
અહીં એ પણ નોંધવું જોઈએ કે, પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમ બહુમતી છે. તેને લઈને ત્યાં રહેતા લઘુમતી સમુદાયના લોકોને મઝહબી કટ્ટરતા અને અત્યાચારોનો સામનો કરવો પડી રહ્યો છે. તે લોકોને રક્ષણ આપવા માટે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.