Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના કબજામાં હોત અને બલૂચિસ્તાન સ્વતંત્ર હોત તો…’ : અમેરિકી નેતાની...

    ‘ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના કબજામાં હોત અને બલૂચિસ્તાન સ્વતંત્ર હોત તો…’ : અમેરિકી નેતાની મહત્વપૂર્ણ ટિપ્પણી

    અમેરિકન નેતા બોબ લેન્સિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન કરતા ઈશારો કર્યો છે કે અમેરિકા માટે ભારત પાકિસ્તાન કરતા અનેકગણું મદદરૂપ સાબિત થયું છે અને જો બલુચિસ્તાન અને ગિલગીટ બાલ્ટીસ્તાનની પરિસ્થિતિ આજ કરતાં અલગ હોત તો ચિત્ર કૈક જુદું જ હોત.

    - Advertisement -

    અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના નેતા અને રોડ આઇલેન્ડ માટે અમેરિકી કોંગ્રેસના ઉમેદવાર બૉબ લેન્સિયાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પરત ખેંચવાના અમેરિકાના નિર્ણય મામલે ટિપ્પણી કરતા કહ્યું છે કે જો અમેરિકાએ ભારત સાથે ભાગીદારીમાં રહીને આ મામલે કામ કર્યું હોત તો કદાચ પરિસ્થિતિ વધુ સારી થઇ શકી હોત. તેમણે એમ પણ કહ્યું કે, જો બલૂચિસ્તાન સ્વતંત્ર હોત અને ગિલગિટ અને બાલ્ટિસ્તાન ભારત પાસે હોત તો અમેરિકાને ઘણો ફાયદો થયો હોત.

    બૉબ લેન્સિયા રિપબ્લિકન પાર્ટીના સભ્ય અને રોડ આઇલેન્ડ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવના પૂર્વ સભ્ય છે. તેમણે આ વર્ષે નવેમ્બરમાં થનાર યુએસ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવની ચૂંટણીમાં રોડ આઇલેન્ડથી ચૂંટણીમાં ઉમેદવારી કરી છે.

    વૈશ્વિક નકશા પર દક્ષિણ એશિયાના હિત સાધવા માટે એક અગત્યના દેશ તરીકે ભારતની રણનીતિક સ્થિતિ અને ભૂ-રાજકીય કૌશલ્ય પર ટિપ્પણી કરતા બૉબ લેન્સિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, જો બલૂચિસ્તાન એક સ્વતંત્ર દેશ હોત તો અમેરિકાએ પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડ્યું ન હોત અને તેનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના મોકલવા માટે કરી શકાયો હોત. તેમણે કર્નલ રાફ પીટર્સને ટાંકીને પાકિસ્તાનને બેવડા વલણ ધરાવનારું પણ કહ્યું હતું. જોકે, ભૂતકાળમાં એ સામે આવી ચૂક્યું છે કે અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન માટે પૂરા પાડવામાં આવતા હથિયારોનો ઉપયોગ પાકિસ્તાનીઓ કાશ્મીરમાં અસ્થિરતા પેદા કરવા માટે કરી શકે છે.

    - Advertisement -

    બૉબ લેન્સિયાએ કહ્યું કે, અમેરિકાએ સ્થિતિ સમજવા માટે ભારતની ખાસ મદદ લીધી ન હતી. તેમણે આગળ કહ્યું કે, જો ગિલગિટ અને બાલ્ટિસ્તાન ભારતનો હિસ્સો હોત તો ભારતમાંથી પણ અમેરિકી સેનાને મોકલવામાં સરળતા રહી હોત. તેમણે કહ્યું કે, “જો ગિલગિટ અને બાલ્ટિસ્તાન ભારતના નિયંત્રણ હેઠળ હોત તો અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોએ અવિશ્વસનીય અને બેવડાં ધોરણો ધરાવનારા પાકિસ્તાન પર નિંભર રહેવું પડ્યું ન હોત અને તેની જગ્યાએ ભારત જેવા એક મિત્ર દેશ પાસેથી મદદ મળી રહી હોત.”

    અમેરિકી નેતાએ એમ પણ કહ્યું હતું કે ગિલગિટ અને બાલ્ટિસ્તાન જો ભારતના કબજામાં હોત તો એ અમેરિકાના પ્રતિસ્પર્ધી ચીન માટે પણ મોટું નુકસાન હોત કારણ કે તો ચીન અરબ સાગરના બંદરો સુધી સીધી રીતે પહોંચી શક્યું ન હોત. હાલ ગિલગિટ અને બાલ્ટિસ્તાન ક્ષેત્ર પાકિસ્તાની સેના દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને જે વિસ્તારવાદી નીતિ ધરાવતા ચીનને ઘણી રીતે મદદરૂપ થાય છે. લેન્સિયા અનુસાર, જો આ ક્ષેત્ર ભારત પાસે હોત તો પાકિસ્તાનને જોડતા ચીનના બેલ્ટ એન્ડ રોડ્સ પ્રોજેક્ટને પણ રોકી શકાયો હોત અને આ ઉપરાંત તેનાથી અમેરિકા ભારતમાં સૈન્ય ખડકી શક્યું હોત જેનો ઉપયોગ અફઘાનિસ્તાન મિશન માટે થઇ શક્યો હોત.

    ઉલ્લેખનીય છે કે માર્ચ 2020 માં અમેરિકી પ્રશાસને અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત લેવાની શરૂઆત કર્યા બાદથી જ અફઘાનિસ્તાનમાં ફરી આતંકવાદી સંગઠન તાલિબાને એક પછી એક શહેરો પર કબજો મેળવવા મંડ્યો હતો. આખરે ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર પણ કબજો મેળવી લીધો હતો. તે પહેલાં તેમણે અફઘાનિસ્તાનના તમામ મોટાં શહેરો કબજે કરી લીધાં હતાં. હાલ ત્યાં તાલિબાનની સરકાર છે.

    અલ કાયદાએ 9/11 નો આતંકવાદી હુમલો કર્યા બાદ અમેરિકા અફઘાનિસ્તાનમાં ઘૂસ્યું હતું. વીસ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યા બાદ અમેરિકી સેનાએ તાલિબાન સામે શસ્ત્રો હેઠાં મૂકી પરત પ્રયાણ કર્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરતા અમેરિકી રાષ્ટ્રપતિ  જો બાયડને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન રાષ્ટ્રનિર્માણ કે લોકતંત્ર સ્થાપવાનો ન હતો પરંતુ તેઓ અમેરિકી ધરતી પર થતા આતંકવાદી હુમલાઓને રોકવા માટે અફઘાનિસ્તાન ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં