કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (15 માર્ચ) ઇન્ડિયા ટુડે કૉન્કલેવમાં ભાગ લીધો હતો. તેમાં તેમણે CAA અને ઇલેક્ટોરલ બૉન્ડ પર મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં પસાર કરવામાં આવેલો કાયદો એ પથ્થરની લકીર છે અને કાયદો પાંચ વર્ષ પહેલાં જ લાગુ થઈ ગયો હતો. આ દરમિયાન તેમણે ઇલેક્ટોરલ બૉન્ડ પર પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરીને કોંગ્રેસ અને વિપક્ષને અવળે હાથ લીધા. અમિત શાહે કહ્યું હતું કે, અમારી પાસે 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને સાથે NDA 400થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
એક તરફ લોકસભા ચૂંટણીઓ છે અને બીજી તરફ તમે CAA લઈને આવ્યા. આ સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “આ કાયદો વર્ષ 2019માં જ લાગુ કરી દેવામાં આવ્યો છે. તેને અને ચૂંટણીને કશું લેવાદેવા જ નથી. મેં વારંવાર કહ્યું છે કે આ સંસદમાં પસાર થયેલો કાયદો છે, પથ્થરની લકીર છે અને તે લાગુ થઈને જ રહેશે. હવે સસ્પેન્સ ક્યાં બચ્યું છે? હવે તો માત્ર નિયમો બનાવ્યા છે. અમે 2019માં જ અમારા ઘોષણાપત્રમાં કહી દીધું હતું કે અમે બહુમતીથી જીતીશું તો CAA લાવીશું. બહુમતી મળતાં જ સરકારે ઓગસ્ટ 2019માં રાજ્યસભા અને લોકસભામાં આ બિલ પસાર કર્યું. ક્યાં કોઈ કન્ફયુઝન છે? આમાં ટાઈમિંગનો પ્રશ્ન જ નથી, સવાલ માત્ર એટલો છે કે તેના પર કાદવ ઉછાળવા આમ કરવામાં આવી રહ્યું છે. બધાને ખબર છે કે કાયદો આવવાનો છે. મેં દર વખતે કહ્યું હતું કે CAA લાગુ થઈને જ રહેશે.”
પાડોશી દેશોમાં પીડિત લઘુમતીઓ માટે CAA
માત્ર મુસ્લિમોને જ શા માટે આ કાયદા અંતર્ગત નાગરિકતા નથી આપવામાં આવી રહી, તેવા સવાલ પર ગૃહમંત્રી એન્કરને પૂછે છે કે આ તેમનો પોતાનો સવાલ છે કે વિપક્ષના લોકોનો? દેશની જનતાને અવળા રસ્તે ચઢાવતા આ સવાલના જવાબ પર અમિત શાહે કહ્યું કે, “મુસ્લિમ પર્સનલ લૉ શું છે? તમે તેનું સમર્થન નથી કરતા? ધર્મના આધારે કાયદો ન હોવો જોઈએ તેમ કહેવાવાળા મુસ્લિમ પર્સનલ લૉનું સમર્થન કરે છે.” ત્યારબાદ તેમણે સમજાવ્યું હતું કે આખરે શા માટે પાંચ લઘુમતી સમુદાયોને જ કાયદામાં સમાવવામાં આવ્યા છે.
1950માં કોંગ્રેસે ન નિભાવેલો વાયદો અમે નિભાવ્યો – અમિત શાહ
તેમણે કહ્યું કે, “આ એક કટુ વાસ્તવિકતા છે, આ નહોતું થવું જોઈતું અને અમારી પાર્ટી ત્યારે અસ્તિત્વમાં નહોતી. આ દેશના ભાગલા નહોતા પડવા જોઈતા, પણ દુર્ભાગ્યવશ ધર્મના આધાર પર આ દેશના ભાગલા પડ્યા. જ્યારે ભાગલા પડ્યા ત્યારે બંને તરફે હજારો લોકોની હત્યા થઈ, ટ્રેનો ભરીને લોકો આ તરફ આવ્યા અને ત્યાં ગયા. મહિલાઓ બાળકો સાથે અત્યાચાર થયો. તે સમયના તમામ નેતાઓએ લોકોને કહ્યું હતું કે જે જ્યાં છે તે ત્યાં જ રહી જાય અમે તમને નાગરિકતા આપીશું. પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થયા. તેઓ ક્યાં જશે? તે ભારતની શરણમાં આવ્યા. બાંગ્લાદેશમાં પણ હિંદુઓ પીડાઈ રહ્યા છે, અફઘાનિસ્તાનમાં પણ અત્યાચાર થયા. જે લોકો ત્યાંથી પીડાઈને અહીં આવ્યા તે લોકોનો પણ ભારત પર એટલો જ અધિકાર છે જેટલો મારો અને તમારો છે.” દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમ પણ કહ્યું હતું કે 1950માં કોંગ્રેસ જે વાયદો ન નિભાવી શકી આજે ભારતીય જનતા પાર્ટી તેને નિભાવી રહી છે.
POK આપણું, ત્યાં વસતા હિંદુ પણ આપણા અને મુસ્લિમો પણ આપણા
આ દરમિયાન તેમણે POKનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, “પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ છે અને ત્યાં વસતા હિંદુ અને મુસ્લિમો બંને આપણા છે. હું સંસદમાં બોલ્યો છું અને અહીં ફરી કહી રહ્યો છું. આટલા મોટા નિર્ણય એકલ-દોકલને જોઇને નથી લેવામાં આવતા. બલોચ-રોહિંગ્યા કરીને જે આટલા બધા પીડિત શરણાર્થીઓ છે તેમના વિશે ક્યારે જોશો? આ નેતાઓના ઇન્ટરવ્યુ કરવાની જગ્યાએ અફઘાનિસ્તાનથી જે અમારા શિખ ભાઈ-બહેનો આવ્યાં છે અને અન્ય પણ શરણાર્થીઓને પૂછશો તો સમજાશે કે તેમની પીડા શું છે.”
અરવિંદ કેજરીવાલની ટિપ્પણીઓને લઈને તેમણે કહ્યું હતું કે, “કેજરીવાલજી જોયા-જાણ્યા વગર બોલવામાં માહેર છે, તેમણે કાયદો વાંચ્યો જ નથી. શરણાર્થીઓને ખિસ્સાકાતરુ કહેવા વ્યાજબી નથી. હું કેજરીવાલને એટલું જ કહું છું કે બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો ઉપર એક શબ્દ પણ કહ્યો હોત તો થોડું વ્યાજબી હતું.”
इंडिया टुडे कॉन्क्लेव में गृह मंत्री अमित शाह ने CAA पर अपनी बात रखी है, सुनिए
— AajTak (@aajtak) March 15, 2024
गृह मंत्री अमित शाह ने POK पर भी बड़ा बयान दिया है, "POK भारत का हिस्सा, वहां का हिंदू भी हमारा, मुसलमान भी हमारा है"#ShahAtIndiaToday #IndiaTodayConclave24 #AmitShah #PoK #CAA | @AmitShah pic.twitter.com/sB9zVIAjFU
ઇલેક્ટોરલ બૉન્ડ પર મહત્વપૂર્ણ વાત, ગણી બતાવ્યો સરળ હિસાબ
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઇલેક્ટોરલ બૉન્ડ પર પણ સવાલ કરવામાં આવ્યા. તેમને જયારે પૂછવામાં આવ્યું કે વિપક્ષ કહી રહ્યો છે કે આ ઉઘરાણી કરવાનું મિકેનિઝમ બની ગયું છે. તેના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, “ઇલેક્ટોરલ બૉન્ડ યોજના ભારતીય રાજકારણમાંથી કાળા નાણાનું વર્ચસ્વ સમાપ્ત કરવા માટે લાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપે છે, તે તમામને માનવો પડે છે. હજુ પણ તેના પર સુનાવણી ચાલી રહી છે, હું સુપ્રીમ કોર્ટ પર કોઈ જ ટિપ્પણી નથી કરવા માંગતો.”
આ દરમિયાન તેમણે પડકાર આપીને કહ્યું હતું કે, “હું કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સમયે કોઈ પણ મંચ પર ચર્ચા કરવા તૈયાર છું કે ઇલેક્ટોરલ બૉન્ડ યોજના એ ભારતીય રાજકારણમાંથી કાળા નાણાનું વર્ચસ્વ સમાપ્ત કરવા માટે લાવવામાં આવી હતી. કોઈ મને તે સમજાવી દે કે ઇલેક્ટોરલ બૉન્ડ આવ્યા પહેલાં ફાળો આવતો હતો, તો કેવી રીતે આવતો હતો. બૉન્ડમાં કઈ રીતે આવે છે? તો તેમાં પોતાની કંપનીનો ચેક RBIને આપીને એક બૉન્ડ ખરીદે છે અને મેળવે છે. તેમાં ગોપનીયતાને કોઈ સ્થાન નથી. જે સમયે રોકડ વ્યવહાર કરવામાં આવતો હતો ત્યારે કોઈનું નામ જાહેર થયું છે શું? કોઈનું નથી થયું.”
इंडिया टुडे कॉन्क्लेव में केंद्रीय गृहमंत्री अमित शाह(@AmitShah) ने इलेक्टोरल बॉन्ड पर खुलकर बात की और कांग्रेस पर जमकर हमला बोला, सुनिए #ShahAtIndiaToday #IndiaTodayConclave24 #ElectoralBonds | @rahulkanwal pic.twitter.com/KeY5oQgf8K
— AajTak (@aajtak) March 15, 2024
તેમણે ઉમેર્યું કે, “એવો નેરેટિવ ચલાવવામાં આવી રહ્યો છે કે ભાજપ સત્તામાં છે તો ઇલેક્ટોરલ બૉન્ડથી તેમને વધુ ફાયદો થયો છે વગેરે…વગેરે..હમણાં રાહુલ ગાંધીએ તો સ્ટેટમેન્ટ આપી દીધું કે ઇલેક્ટોરલ બૉન્ડ એ ઉઘરાણી કરવાનું સહુથી મોટું માધ્યમ છે. ખબર નહીં તેમને કોણ આ બધું લખીને આપે છે. હું દેશની જનતા સામે સ્પષ્ટ કરી દેવા માંગું છું કે ભાજપને અંદાજે 6000 કરોડના બોન્ડ મળ્યા છે. ટોટલ ઇલેક્ટોરલ બૉન્ડ 20 હજાર કરોડના છે, તો બાકીના 14 હજાર કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ ક્યાં ગયા? હું કહું, TMCને 1600 કરોડના મળ્યા, કોંગ્રેસને 1400 કરોડના મળ્યા, BRSને 1200 કરોડના મળ્યા, BJDને 775 કરોડ અને DMKને 639 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ મળ્યા. અમને 6000 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ મળ્યા છે અને જે પાર્ટીઓના 242 જ સાંસદો છે તેમને 14000 કરોડના ઇલેક્ટોરલ બૉન્ડ મળ્યા છે. આમાં વિવાદ શાનો છે? જ્યારે હિસાબ ખુલશે ત્યારે આ લોકો મોં નહીં બતાવી શકે.”
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમારી પાસે 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને NDA આ વખતે 400થી વધુ સીટો જીતશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપ અગામી લોકસભા ચૂંટણીમાં 300 પાર જશે. પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું હતું કે, “મારો જન્મ ભાજપમાં થયો છે અને મૃત્યુ પણ અહીં જ થશે.”