દેશમાં વધતા હાર્ટ અટેકના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અગત્યની વાત કહી છે. ICMRના (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) એક અભ્યાસને ટાંકીને તેમણે જેઓ ભૂતકાળમાં ગંભીર રીતે કોરોનાથી ગ્રસિત રહી ચૂક્યા હોય તેવા લોકોને અમુક સલાહ આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રવિવારે (29 ઓક્ટોબર) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભાવનગરમાં યોજાયેલા સાંસદ ખેલમહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે તેમણે હાજરી આપી હતી, જેમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાતો કહી હતી.
#WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV
— ANI (@ANI) October 30, 2023
મનસુખ માંડવિયાએ કહ્યું, “ICMRએ હાલ એક વિગતવાર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ કહે છે કે, જે લોકોને સિવિયર કોવિડ થયો હોય અને સમય વધુ ન હોય તેવી સ્થિતિમાં તેમણે અધિક પરિશ્રમ ન કરવો જોઈએ. તેમણે સખત મહેનત, સખત દોડવું, સખત કસરત કરવી- આવાં કામોથી ચોક્કસ સમય માટે, એક-બે વર્ષ માટે દૂર રહેવું જોઈએ, જેથી હાર્ટ અટેકથી બચી શકાય.”
વધતા હાર્ટ અટેકના કિસ્સાઓ
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં પણ છેલ્લા થોડા સમયથી હાર્ટઅટેકની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને યુવાનો અને આધેડ ઉંમરના વ્યક્તિઓમાં પણ આવા કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા, જેમાં 20-30ની વયજૂથના લોકો હાર્ટઅટેકનો શિકાર થયા હોય. ઘણખરી ઘટનાઓમાં અટેક મૃત્યુ સુધી દોરી જવાના કિસ્સા પણ બન્યા છે.
તાજેતરમાં નવરાત્રિનો પણ તહેવાર ગયો, જેમાં પણ ગરબા રમતાં-રમતાં યુવાનોને હાર્ટઅટેક આવ્યા હોવાની ઘટનાઓ બની. જોકે, તે પહેલાં પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા હોવાના કારણે ગરબા સ્થળોએ મેડિકલ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તો અનેક ઠેકાણે મેડિકલ ટીમોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી હતી. જોકે, તેમ છતાં આવા કિસ્સાઓ નોંધાયા છે.
24 ઓક્ટોબરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 1 સપ્તાહમાં હાર્ટઅટેકથી 6 મૃત્યુ થયાં હતાં. જેમાં કપડવંજનો એક 17 વર્ષીય તરુણ પણ સામેલ હતો. તે ગરબા રમતી વખતે ઢળી પડ્યો હતો, ત્યારબાદ હાજર સ્વયંસેવકોએ CPR આપવાના પણ પ્રયાસ કર્યા પરંતુ કોઇ રિસ્પોન્સ મળ્યો ન હતો. પછીથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ બચી શક્યો ન હતો.
વધતા હાર્ટઅટેકના કિસ્સાઓને લઈને ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવદની યુએન મહેતા હોસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સાથે એક બેઠક પણ કરી હતી અને આ મૃત્યુ પાછળનું કારણ જાણવા માટે રિસર્ચ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.