Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગીર-સોમનાથના ગામમાં હનુમાનજીની મૂર્તિ પર મૃત પશુના અંશ ફેંકાતાં તણાવ: માહોલ બગાડવા...

    ગીર-સોમનાથના ગામમાં હનુમાનજીની મૂર્તિ પર મૃત પશુના અંશ ફેંકાતાં તણાવ: માહોલ બગાડવા માટે કૃત્યને અંજામ અપાયો હોવાની હિંદુ સંગઠનોને આશંકા, તપાસ શરૂ

    ઘટનાને લઈને હિંદુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કરતાં SOG અને પોલીસ તંત્ર તપાસમાં લાગી ગયું છે. જોકે આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી.

    - Advertisement -

    ગીર સોમનાથ જિલ્લાના તલાલાના એક ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા હનુમાનજીની મૂર્તિ પર મૃત પશુના અંશ નાંખી મંદિર અપવિત્ર કરવામાં આવતાં સ્થાનિક હિંદુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઈને હિંદુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કરતાં SOG અને પોલીસ તંત્ર તપાસમાં લાગી ગયું છે. જોકે આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધવામાં નથી આવી.

    મળતી માહિતી મુજબ, આ ઘટના 2 દિવસ પહેલાં ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગામના સ્થાનિક યુવાન જેઓ આ મંદિરમાં રોજ પૂજાપાઠ કરવા આવે છે તેમણે મૂર્તિ પર મૃત પશુના અંશ જોતા તેમણે ગ્રામજનોને જાણ કરી હતી. જે બાદ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા.

    અશાંતિ પ્રસરાવવા કરવામાં આવ્યું કૃત્ય: હિંદુ સંગઠનો

    ઘટનાની જાણ થતાંની સાથે જ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતનાં હિંદુ સંગઠનો પણ સાંગોદ્રાના હનુમાન મંદિરે પહોંચ્યાં હતાં અને શાંતિપૂર્ણ રીતે ઘટના બાબતે ગ્રામજનો સાથે વાત કરી હતી. ઘટના અંગે વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાએ પણ તલાલાના વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી અલ્પેશ રામચંદ્રાણી સાથે ટેલિફોનિક વાત કરી હતી.

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, “દસેક દિવસ પહેલાં ગામના સ્થાનિક દેવીપૂજક સમાજના લોકોએ મૃત પશુને સાફ કર્યા બાદ વધેલો કચરો હનુમાન મંદિરથી 700 મીટર દૂર નિકાલ કર્યો હતો. પછીથી કોઈ ટીખળખોર અસામાજિક તત્વે શાંતિ ભંગ કરવાના આશયથી મૃત પશુના નિકાલ કરવામાં આવેલા અંશને હનુમાનજીની મૂર્તિ પર નાંખી દીધો હોય તેમ લાગી રહ્યું છે.”

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ઘટના ધ્યાન પર આવતાંની સાથે જ અમે જાતે જઈને તપાસ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે અન્ય લોકોનું આ ઘટના તરફ ધ્યાન દોર્યું અને પોલીસ સ્ટેશન જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. પછીથી બેથી અઢી કલાક સુધી સ્થાનિક પોલીસ સાથે બેઠક કર્યા બાદ જાણવાજોગ અરજી દાખલ કરવામાં આવી છે.”

    હિંદુ સંગઠનો અનુસાર, ઈદ નજીક હોવાના કારણે શાંતિ ભંગ ન થાય તે માટે તેમણે મુદ્દાના શાંતિપૂર્ણ નિકાલ માટે નિર્ણય કર્યો છે અને આગામી સમયમાં પોલીસ આ મામલે તપાસ કરીને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે.

    તલાલાના ગામમાં હનુમાનજીની મૂર્તિ પર મૃત પશુના અંશો ફેંકવાના મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી, પરંતુ પોલીસની ટીમો આ મામલે તપાસમાં લાગી ચૂકી છે. કાર્યવાહીને લઈને વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે આ રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં