Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા‘રશિયા સાથે શાંતિ સમજૂતી માટે યુક્રેનને ભારત પર આશા’: PM મોદી-ઝેલેન્સ્કીની મુલાકાત...

    ‘રશિયા સાથે શાંતિ સમજૂતી માટે યુક્રેનને ભારત પર આશા’: PM મોદી-ઝેલેન્સ્કીની મુલાકાત બાદ સામે આવ્યો રિપોર્ટ, વિદેશ મંત્રીએ પણ કહ્યું- બંને દેશો સાથે વાટાઘાટો ચાલુ

    પોલિટિકોએ રિપોર્ટમાં યુક્રેનના અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ બહુ ટૂંકા સમયગાળામાં આ વિષય પર બહુ ઝડપથી કામ થઈ રહ્યું છે. 

    - Advertisement -

    રશિયા (Russia) સાથે છેલ્લા 30 મહિનાથી વધુ સમયથી ચાલતા યુદ્ધ વચ્ચે હવે યુક્રેન (Ukraine) પૂર્ણવિરામ લગાવવા માટે વિચારણા કરી રહ્યું છે અને આ શાંતિ કરાર સફળ થાય તે માટે યુક્રેનને આશા છે ભારત પર. તાજેતરમાં જ પીએમ મોદી (PM Narendra Modi) અમેરિકાની યાત્રાએ હતા ત્યારે બંને દેશોના વડા વચ્ચે ટૂંકા સમયમાં બીજી વખત મુલાકાત થઈ હતી. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેન રશિયા સાથે યુદ્ધવિરામની વાતચીત માટે ભારતની મદદ મેળવવા માટે ઈચ્છુક છે.

    પોલિટિકોના એક રિપોર્ટમાં યુક્રેનના એક ઉચ્ચ સ્તરીય અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે, રશિયા સાથે શાંતિ સમજૂતી થાય તે માટે યુક્રેનને ભારત પાસે મોટી આશા છે. આ માટે ભારતે યુક્રેન સમક્ષ એક પ્રાથમિક પ્લાન પણ રજૂ કર્યો હોવાનું રિપોર્ટ જણાવે છે. 

    આ રિપોર્ટ અનુસાર, પીએમ મોદીએ યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમણે (યુક્રેન) રશિયા સાથેની સમજૂતી દરમિયાન અમુક મુદ્દાઓ સાથે સમાધાન કરવું પડશે. પરંતુ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે યુદ્ધ સમાપ્ત કરવાની શરતોમાં ક્યાંય પણ યુક્રેનની ભૂમિ રશિયાને સોંપવાની શરતો સામેલ હશે નહીં. એટલે કે યુક્રેન પોતાની એક ઇંચ જમીન રશિયાને સોંપ્યા વગર યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવા તરફ આગળ વધી શકે છે. 

    - Advertisement -

    પોલિટિકોએ રિપોર્ટમાં યુક્રેનના અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે, પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ બહુ ટૂંકા સમયગાળામાં આ વિષય પર બહુ ઝડપથી કામ થઈ રહ્યું છે. 

    રિપોર્ટમાં પીએમ મોદીની તાજેતરની રશિયા અને યુક્રેન યાત્રાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. નોંધનીય બાબત છે કે જૂન, 2024માં ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ જુલાઈમાં પીએમ મોદી રશિયાની યાત્રાએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ઑગસ્ટમાં તેઓ યુક્રેન-પોલેન્ડની યાત્રાએ ગયા, જ્યાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેમની મુલાકાત થઈ હતી. એક મહિનાના ટૂંકાગાળામાં પુતિન-ઝેલેન્સ્કી બંને સાથે મુલાકાત કરી હોય અને બંને દેશોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોય તેવા નરેન્દ્ર મોદી એક માત્ર વિશ્વનેતા છે. 

    પીએમ મોદીની આ યાત્રાઓએ આખા વિશ્વને અચંબિત કર્યું હતું તો બીજી તરફ શાંતિ સમજૂતીમાં ભારતની ભૂમિકાને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી. પોલિટિકોનો રિપોર્ટ જણાવે છે કે, પીએમ મોદીની આ યાત્રા બાદ યુક્રેનની આશા વધી ગઈ છે અને હવે તેઓ ભારતને રશિયા સાથે શાંતિ સમજૂતીમાં એક મધ્યસ્થી તરીકે જોવા માંડ્યા છે. 

    અહીં મહત્વની બાબત એ છે કે ભારત મધ્યસ્થતા કરે તેમાં રશિયાને પણ કોઈ વાંધો ન હોવાનું સ્વયં રાષ્ટ્રપતિ પુતિન જણાવી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, તેઓ યુક્રેન સાથે શાંતિવાર્તા માટે તૈયાર છે અને ભારત, બ્રાઝિલ કે ચીન જેવા દેશો મધ્યસ્થતા કરી શકે તેમ છે. 

    કિવને એકમાત્ર ભારત પર આશા: રિપોર્ટ 

    જોકે, યુક્રેનને બાકીના દેશો કરતાં આશા ભારત પાસે વધુ છે તેવું તાજેતરના અહેવાલો પરથી જણાય રહ્યું છે. કારણ કે કિવ (યુક્રેનની રાજધાની)નું માનવું છે કે આ વિષયમાં ભારત જ એક એવો દેશ છે, જે તટસ્થ રહીને બંને દેશો વચ્ચે સુલેહ કરાવી શકે. 

    રશિયા-યુક્રેન યુદ્ધના વિષયમાં ભારતનું સ્ટેન્ડ પહેલેથી સ્પષ્ટ રહ્યું છે. ભારતે એક તરફ ક્યાંય રશિયાના આક્રમણની ટીકા કરી નથી અને મતદાનમાં પણ ભાગ લીધો નથી, પણ બીજી તરફ યુક્રેનની સાર્વભૌમિકતા અને ક્ષેત્રીય અખંડિતતાની રક્ષાનું પણ પૂરેપૂરું સમર્થન કર્યું છે. 

    અમેરિકા અને રશિયાના સંબંધોમાં પહેલેથી જ ખટાશ રહી છે. સાઉદી અરબ જેવા દેશોના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. ચીન પર યુક્રેન પહેલેથી જ રશિયાને એકતરફી સમર્થન આપવાનો આરોપ લગાવતું રહ્યું છે, જેથી તેનું નામ પણ યાદીમાંથી આપોઆપ નીકળી જાય છે. તાજેતરમાં જ ઝેલેન્સ્કીએ જાહેરમાં બ્રાઝિલની પણ કડક શબ્દોમાં ટીકા કરી હતી અને તેની ઉપર રશિયાને સાથ આપવાનો આરોપ લગાવ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડ અને ઑસ્ટ્રિયા જેવા દેશો પણ યુરોપિયન યુનિયનના પક્ષે છે જેમણે રશિયા પર કડક નિયંત્રણો લાદ્યાં છે. આ પરિસ્થિતિમાં ભારત એકમાત્ર ગ્લોબલ પાવર છે, જે આ વિષયમાં કશુંક કરી શકે તેમ છે. 

    વિદેશ મંત્રીએ પણ કહ્યું- અમે યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશો સાથે વાતચીત કરી રહ્યા છીએ

    આ બધાની વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે એક નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, ભારત સરકાર આ યુદ્ધ સમાપ્ત થઈ શકે તે માટેના પ્રયાસોના ભાગરૂપે બંને દેશો સાથે સક્રિયપણે વાતચીત કરી રહી છે. તેમણે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વિચારશીલ વાટાઘાટો ચાલી રહી છે. 

    વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, “યુદ્ધના મેદાન પર ક્યારેય પણ સમાધાન થતું નથી. અમે માનીએ છીએ કે વિવાદોનો અંત લાવવાનો માર્ગ યુદ્ધ ક્યારેય હોતો નથી. ભારત વિચારે છે કે એક તબક્કે સમજૂતી કરી લેવી જોઈએ અને તે માટે સ્વાભાવિક રીતે બંને પક્ષોનું સામેલ થવું જરૂરી છે. સમાધાન એક પક્ષે ક્યારેય થઈ શકે નહીં. એટલે અમે બંને રશિયા સરકાર અને યુક્રેન સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ યુદ્ધ સમાપ્ત કરવાના વિકલ્પો શોધી રહ્યા છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં