Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘યુક્રેને રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો’: હુમલા માટે બે ડ્રોન મોકલાયાં હોવાનો...

    ‘યુક્રેને રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો’: હુમલા માટે બે ડ્રોન મોકલાયાં હોવાનો રશિયાનો દાવો, કહ્યું- યોગ્ય સમયે વળતો જવાબ આપીશું

    સેના અને સ્પેશિયલ સર્વિસે સતર્કતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરીને રડાર વૉરફેર સિસ્ટમની મદદથી બંને ડિવાઇસને નિષ્ક્રિય કરી નાખ્યાં હતાં. 

    - Advertisement -

    બંને દેશો વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયન પ્રશાસન અનુસાર, યુક્રેને હુમલો કરવા માટે બે ડ્રોન મોકલ્યાં હતાં, જેને તોડી પાડવામાં આવ્યાં હતાં. 

    ક્રેમલિન અનુસાર, ગત રાત્રિએ મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાનની ઉપર બે ડ્રોન જોવા મળ્યાં હતાં. પરંતુ ઇલેક્ટ્રોનિક ડિફેન્સ સિસ્ટમની મદદથી બંનેને તોડી પાડવામાં આવ્યાં હતાં. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “બે માનવરહિત હવાઈ વાહનો ક્રેમલિન તરફ મોકલવામાં આવ્યાં હતાં. સેના અને સ્પેશિયલ સર્વિસે સતર્કતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરીને રડાર વૉરફેર સિસ્ટમની મદદથી બંને ડિવાઇસને નિષ્ક્રિય કરી નાખ્યાં હતાં. 

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ ફરી રહ્યા છે, જેમાં ક્રેમલિન સેનેટ બિલ્ડીંગની ઉપરથી પસાર થતા એક ડ્રોનને ધ્વસ્ત થતું જોઈ શકાય છે. ડ્રોન ઇમારતની નજીક પહોંચવાનું હોય છે ત્યારે તેને તોડી પાડવામાં આવે છે. જોકે, આ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઇ શકી નથી. 

    - Advertisement -

    ક્રેમલિનના નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું કે, ‘અમે આ ઘટનાને રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવા માટેના પ્રયાસરૂપે અંજામ આપવામાં આવેલા આતંકવાદી કૃત્ય તરીકે જોઈ રહ્યા છીએ. રશિયાને જ્યારે પણ અને જ્યાં પણ યોગ્ય લાગે ત્યારે આ કૃત્યનો બદલો લેવા માટે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.’

    નિવાસસ્થાને હાજર ન હતા પુતિન 

    આ હુમલો થયો ત્યારે રાષ્ટ્રપતિ પુતિન ક્રેમલિન ખાતેના તેમના નિવાસસ્થાને હાજર ન હતા અને મૉસ્કોની બહાર હતા.  ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી કે કોઈને ઇજા પણ પહોંચી નથી. ઉપરાંત, કોઈ ઇમારને નુકસાન પહોંચ્યાના પણ સમાચાર મળ્યા નથી. ક્રેમલિન રશિયાની રાજધાની મૉસ્કોમાં આવેલો એક વિસ્તાર છે, જ્યાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાનથી માંડીને કાર્યાલય સહિતની ઇમારતો સ્થિત છે. સમગ્ર દેશનો વહીવટ ત્યાંથી થાય છે. 

    હુમલા બાદ મોસ્કોના મેયરે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શહેરમાં કોઈ પણ ડ્રોન ઉડાવવું હશે તો પહેલાં સ્થાનિક તંત્રની મંજૂરી લેવી પડશે. 9મેના રોજ યોજાનારી વિક્ટ્રી ડે પરેડને ધ્યાને લઈને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    યુક્રેને કહ્યું- અમારો કોઈ હાથ નથી 

    બીજી તરફ, યુક્રેને આ હુમલા પાછળ તેમનો કોઈ હાથ ન હોવાનું જણાવ્યું છે. રાષ્ટ્ર્રપતિ વોલિદિમિર ઝેલેન્સ્કીના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ ડ્રોન સ્ટ્રાઇક સાથે તેમને કંઈ લેવાદેવા નથી અને તેઓ રશિયાના આક્રમણ બાદ પોતાની જમીન પરત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 

    9મેએ યોજાશે વિક્ટ્રી ડે પરેડ 

    ઉલ્લેખનીય છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે રશિયા 9 મેની વિક્ટ્રી ડે પરેડની તૈયારી કરી રહ્યું છે, જે કાર્યક્રમમાં અનેક વિદેશી મહેમાનો પણ આવનાર છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની સામેના વિજયની ઉજવણી કરવા માટે રશિયા દર વર્ષે 9 મેના રોજ આ પરેડનું આયોજન કરે છે, જે ક્રેમલિન ખાતે યોજાય છે, જેમાં મુખ્ય મહેમાન રાષ્ટ્રપતિ હોય છે. આ વર્ષે પણ આ પરેડ આયોજન મુજબ જ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં