મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. પહેલાં પાર્ટીનાં નામ-નિશાન હાથમાંથી જતાં રહ્યાં તો હવે વિધાનભવન સ્થિત પાર્ટીની ઓફિસ પણ શિંદે જૂથ એટલે કે શિવસેનાને સોંપી દેવામાં આવી છે. બીજી તરફ, એકનાથ શિંદે જૂથને શિવસેના નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ્ય-બાણ સોંપવાના ચૂંટણી પંચના નિર્ણયને ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે પણ ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળ્યો નથી.
તાજેતરમાં મહારાષ્ટ્રના શિવસેના ધારાસભ્યો વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરને મળ્યા હતા અને વિધાન ભવન ખાતેની શિવસેનાની ઓફિસ એકનાથ શિંદે જૂથને સોંપવા માટે અપીલ કરી હતી. તેમણે રજૂઆત કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પંચે પણ એકનાથ શિંદે જૂથને સાચી શિવસેના ઘોષિત કરીને ચૂંટણી ચિહ્ન પણ આપી દીધું છે જેને જોતાં આ ઓફિસ પણ તેમને જ સોંપવામાં આવે. ત્યારબાદ શિંદે જૂથે ઓફિસ પર કબજો મેળવી લીધો હતો.
બીજી તરફ, ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આ મામલે સુનાવણી કરવાની માંગ કરી હતી. મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સામે રજૂ કરવામાં આવ્યો હતો, જેમણે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ઉદ્ધવ જૂથ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને રજૂઆત કરી હતી કે આ મામલાને લિસ્ટ કરીને બંધારણીય ખંડપીઠ સમક્ષ આ મામલે ચાલતા અન્ય કેસ સાથે જ સાંભળવામાં આવે, પરંતુ આજના લિસ્ટમાં કેસ ન હોવાના કારણે કોર્ટે દલીલ ફગાવીને આવતીકાલે દાખલ કરવા માટે જણાવ્યું છે.
[Shiv Sena Rift]#SupremeCourt refuses to allow urgent #mentioning by Dr AM Singhvi concerning the Shiv Sena dispute.
— Live Law (@LiveLawIndia) February 20, 2023
CJI DY Chandrachud: It should have been in the list. Sorry. #SupremeCourtOfIndia #SupremeCourt #ShivSena pic.twitter.com/4cvsTlM8JG
ઉલ્લેખનીય છે કે છ મહિનાથી વધુ સમયથી ચાલતા આ વિવાદ વચ્ચે ગત 17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથના પક્ષમાં મોટો નિર્ણય આપ્યો હતો. જે અનુસાર વિધાનસભા અને લોકસભામાં સંખ્યાબળને જોતાં પંચે પાર્ટીનું નામ ‘શિવસેના’ અને ચૂંટણી ચિહ્ન ‘ધનુષ્ય-બાણ’ એકનાથ શિંદે જૂથને સોંપ્યું હતું.
અધિકારીક રીતે પાર્ટી હાથમાંથી જતી રહ્યા બાદ અંતિમ પ્રયાસ રૂપે ઉદ્ધવ ઠાકરે જૂથે કોર્ટના દરવાજા તો ખખડાવ્યા છે પણ બીજી બાજુ સોશિયલ મીડિયા પરથી નામો હટાવવા માંડ્યાં છે. પાર્ટીનું ટ્વિટર હેન્ડલ બદલીને @ShivsenaUBT_ કરી નાંખવામાં આવ્યું હતું, જેના કારણે વેરિફાઇડ બેજ ‘બ્લુ ટીક’ પણ હટાવી દેવાયું હતું. આ ઉપરાંત, પાર્ટીની વેબસાઈટ શિવસેના ડોટ ઈન પણ ડિલીટ કરી નાંખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બંને જૂથો વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે વચગાળાનો આદેશ પસાર કરીને ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને બાળાસાહેબાંચી શિવસેના નામ આપ્યું હતું અને ઉદ્ધવ જૂથની પાર્ટીને શિવસેના- ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે નામ આપવામાં આવ્યું હતું. શિંદે જૂથને ઢાલ-તલવાર અને ઉદ્ધવ જૂથને મશાલનું ચિહ્ન અપાયું હતું.