Saturday, April 27, 2024
More
    હોમપેજદેશમુકેશ અંબાણીને ધમકી આપવા મામલે 2ની ધરપકડ, એક ગુજરાતનો: મજા લેવા માટે...

    મુકેશ અંબાણીને ધમકી આપવા મામલે 2ની ધરપકડ, એક ગુજરાતનો: મજા લેવા માટે કર્યું હતું કારસ્તાન, મુંબઈ પોલીસે દબોચ્યા

    મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ CIUએ (ક્રાઈમ ઇન્ટેલીજન્સ યુનિટ) ગુજરાતના ગાંધીનગરના કલોલ ખાતેથી 21 વર્ષીય આરોપી રાજવીર ખંતની ધરપકડ કરી છે. તેમ જ આ કેસમાં બીજા એક 19 વર્ષીય આરોપી ગણેશ રમેશ વાનપર્થીની પણ તેલંગાણાથી ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. આ ધમકીઓ ઇ-મેલ દ્વારા મોકલવામાં આવી રહી હતી. લગભગ 5 ઇ-મેલ મોકલીને અંબાણી પાસેથી ખંડણી માંગવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો ખંડણી ન મળી તો જાનથી મારી નાખવામાં આવશે. આરોપીએ પોલીસને પણ પડકાર ફેંક્યો હતો કે તેને તેઓ શોધી શકે તેમ નથી. પણ પોલીસે શોધી કાઢ્યા છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    બેમાંથી એક આરોપી ગુજરાતનો છે જેની ઓળખ રાજવીર ખંત (21 વર્ષ) તરીકે થઈ છે. જ્યારે બીજા આરોપીને તેલંગાણાથી પકડવામાં આવ્યો છે, તેની ઓળખ ગણેશ રમેશ વાનપર્થી (19) તરીકે થઈ છે. જે બાદ જાણવા મળ્યું છે કે આરોપી રાજવીર ખંત મુંબઈ પોલીસને પડકારવા માંગતો હતો અને માત્ર મોજ-મસ્તી માટે ધમકીભર્યા ઇ-મેલ કર્યા હતા.

    ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઇ-મેલ દ્વારા ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસે શનિવારે (4 નવેમ્બરે) તેલંગાણા અને ગુજરાતમાંથી 2 આરોપીઓને શોધી કાઢ્યા છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ CIUએ (ક્રાઈમ ઇન્ટેલીજન્સ યુનિટ) ગુજરાતના ગાંધીનગરના કલોલ ખાતેથી 21 વર્ષીય આરોપી રાજવીર ખંતની ધરપકડ કરી છે. તેમ જ આ કેસમાં બીજા એક 19 વર્ષીય આરોપી ગણેશ રમેશ વાનપર્થીની પણ તેલંગાણાથી ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    રાજવીર ખંત ડાર્ક વેબસાઇટમાં હતો માસ્ટર

    રાજવીર ખંતે પાંચ ઈમેલ મોકલીને મુકેશ અંબાણીને ધમકી આપી હતી. પહેલો ઇ-મેલ કરીને તેણે 20 કરોડની ખંડણી માંગી હતી. જે બાદ તેણે અન્ય ત્રણ ધમકીભર્યા ઇ-મેલ મોકલીને ખંડણી 400 કરોડ સુધીની વધારી દીધી હતી. સાથે એવું પણ કહ્યું હતું કે જો ખંડણી આપવામાં નહિ આવે તો મુકેશ અંબાણીને જાનથી મારી નાંખશે. તેણે ઇ-મેલ મોકલવા માટે વીપીએન માસ્કિંગનો ઉપયોગ કર્યો હતો અને તેના કારણે જ તેના VPN નેટવર્કનું શરૂઆતી લોકેશન બેલ્જિયમ ખાતે બતાવી રહ્યું હતું. આરોપી બેચલર ઓફ કોમર્સના ફાઈનલ યરનો વિદ્યાર્થી છે અને તેને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધુ રસ છે. તે ડાર્ક વેબ સુધી પહોંચવા માટે કલાકો સુધી કમ્પ્યુટર પર કામ કરતો હતો.

    પોલીસને ફેંક્યો હતો પડકાર

    મુકેશ અંબાણીને મોકલેલા ઇ-મેલમાં તેણે એવો દાવો કર્યો હતો કે, પોલીસ તેને ટ્રેક કરી શકશે નહિ અને તેથી તે ધરપકડ પણ કરી શકશે નહીં. સાથે જ તેણે એવું પણ લખ્યું હતું કે, “જો તમે મને પકડી શકતા હોવ, તો પકડી બતાવો.” આખરે પોલીસે તેને ગુજરાતના કલોલ ખાતેથી પકડી પાડ્યો છે.

    ક્રાઇમ બ્રાન્ચના DCP રાજ તિલક રોશને જણાવ્યું હતું કે, “આરોપી બીકોમના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે, પરંતુ તેને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઘણો રસ હતો. તેને ડાર્ક વેબની ખાસ્સી જાણકારી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આરોપીએ મોજમસ્તી માટે આ કૃત્ય કર્યું હતું અને તે મુંબઈ પોલીસને પડકારવા માંગતો હતો. તેને એવું હતું કે તેની પાસે પૂરતી જાણકારી છે અને તેથી તેણે ટ્રેસ ના થાય એવો મલ્ટીલેયર સિક્યુરિટી ઇ-મેલ મોકલ્યો હતો. તેથી તેણે એવું પણ કહ્યું હતું કે, ‘જો તમે મને પકડી શકો છો, તો પકડી બતાવો’ સાથે એવું પણ કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસ મને ટ્રેક કરી શકશે નહીં અને તેથી મારી ધરપકડ પણ કરી શકશે નહીં.’ પરંતુ અમે તેને પકડી લીધો છે.”

    તેલંગાણાથી ઝડપાયો અન્ય એક આરોપી

    આ દરમિયાન જ ગામદેવી પોલીસે વધુ એક એક આરોપીને તેલંગાણાથી ઝડપી પાડ્યો છે. પોલીસે વારંગલના રહેવાસી 19 વર્ષીય ગણેશ રમેશ વાનપર્થીની ઇ-મેલ આઈડી ટ્રેસ કરી હતી. જે બાદ તેની માહિતી કાઢી ધરપકડ કરવામાં આવી હતી. વાનપર્થીએ અંબાણીને ઇ-મેલ કરીને 500 કરોડની માંગણી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ આરોપીએ ગત અઠવાડિયે મુકેશ અંબાણીને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલ વિશેના સમાચાર જોયા હતા અને તે બાદ તેણે પણ જી-મેલ, ઇ-મેલ આઈડીનો ઉપયોગ કરીને મેલ કર્યો હતો. બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

    શું છે ડાર્ક વેબ?

    ડાર્ક વેબ એ ઈન્ટરનેટની દુનિયાનો તે ભાગ છે જ્યાં આપણું સર્ચ એન્જિન પહોંચતું નથી. તેને સ્પેશિયલ વેબ બ્રાઉઝર દ્વારા એક્સેસ કરી શકાય છે. તેનું પોર્શન ખૂબ નાનું હોય છે. Kaspersky અનુસાર તેને ડીપ વેબનો એક ભાગ માનવામાં આવે છે. જેવી રીતે સમુદ્રની સપાટી અને પાણીના નીચેના કેટલાક ભાગને આપણે જોઈ શકીએ છીએ અને ત્યાં સુધી પહોંચી શકીએ છીએ, પરંતુ તે સમુદ્રમાં એક મોટો ભાગ એવો હોય છે જ્યાં હજુ સુધી કોઈ નથી પહોંચ્યું. ડાર્કવેબ ઈન્ટરનેટની દુનિયાનો તે ભાગ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં