માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર આમ તો ચર્ચા માટે બનાવવામાં આવી છે પરંતુ છેલ્લા થોડા સમયથી ટ્વિટર પોતે જ ચર્ચામાં રહે છે. ટ્વિટરે ભારતની જાણીતી ન્યૂઝ એજન્સી ANIનું ટ્વિટર હેન્ડલ લૉક કરી દીધું હતું તો તેની થોડી ક્ષણો પછી ન્યૂઝ ચેનલ NDTVનું હેન્ડલ પણ બ્લૉક કરી દેવામાં આવ્યું હતું. જોકે, થોડા કલાકો બાદ બંને અકાઉન્ટ બહાલ કરી દેવાયાં હતાં.
ટ્વિટરે ANIનું હેન્ડલ લૉક કરવા પાછળ કારણ એ આપ્યું છે કે અકાઉન્ટ હોલ્ડરની ઉંમર 13 વર્ષ કરતાં ઓછી છે અને 13 વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ ટ્વિટર પર અકાઉન્ટ બનાવી શકતો નથી. જ્યારે, NDTVનું અકાઉન્ટ કેમ લૉક કરવામાં આવ્યું હતું તે પાછળનું કારણ જાણી શકાયું નથી.
So those who follow @ANI bad news, @Twitter has locked out India’s largest news agency which has 7.6 million followers and sent this mail – under 13 years of age! Our gold tick was taken away, substituted with blue tick and now locked out. @elonmusk pic.twitter.com/sm8e765zr4
— Smita Prakash (@smitaprakash) April 29, 2023
ANIનાં એડિટર સ્મિતા પ્રકાશે આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘જેઓ ANIને ફૉલો કરે છે તેમના માટે માઠા સમાચાર છે. ટ્વિટરે 7.6 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ભારતની સૌથી મોટી ન્યૂઝ એજન્સીનું ટ્વિટર અકાઉન્ટ લૉક કરી દીધું છે અને આ મેઈલ મોકલ્યો છે. અમારું ગોલ્ડ ટીક લઇ લેવાયું, બ્લુ ટીક પરત અપાયું અને હવે અકાઉન્ટ લૉક થઇ ગયું.’ સાથે તેમણે ઈલોન મસ્કને પણ ટેગ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ANI- એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ એક મલ્ટમીડિયા ન્યૂઝ એજન્સી છે, જે ન્યૂઝ ચેનલો, છાપાં અને ડિજિટલ વેબસાઇટ્સને સમાચાર સામગ્રી પૂરી પાડે છે. આ ઉપરાંત, એજન્સીની પોતાની વેબસાઈટ પણ છે, જ્યાં નિયમિતપણે સમાચાર અપડેટ થતા રહે છે. ટ્વિટર પર ANI ખાસ્સી સક્રિય છે અને અનેક કિસ્સાઓમાં ન્યૂઝ બ્રેક ટ્વિટર પર જ થાય છે. આ એજન્સીના ટ્વિટર ઉપર કુલ 76 લાખ ફોલોઅર્સ છે.
રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ANIએ ટ્વિટ કરીને જણાવ્યું હતું એ તેમનું હેન્ડલ પરત આવી ગયું છે.
ANI’s Twitter account appears to be functioning now. Inconvenience regretted for the temporary outage. pic.twitter.com/iP6DV0dyGq
— ANI (@ANI) April 29, 2023
NDTVનું અકાઉન્ટ પણ બ્લોક કરાયું હતું
બીજી તરફ, NDTVના અન્ય એક અકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે તેમનું હેન્ડલ @ndtv બ્લૉક કરી દેવામાં આવ્યું છે. તેમણે પણ ઈલોન મસ્કને ટેગ કરીને કહ્યું કે, તેઓ તેને રિસ્ટોર કરવામાં મદદ કરે. NDTVનું આ ટ્વિટર અકાઉન્ટ વર્ષ 2009થી અસ્તિત્વમાં છે અને તેના 17.7 મિલિયન ફોલોઅર્સ છે. પછીથી આ અકાઉન્ટ પણ બહાલ કરી દેવાયું હતું.
Hi @elonmusk, Twitter has blocked @ndtv (India’s most-followed English news handle). The account has been run by journalists since 2009. Please help restore it. Many thanks, Team NDTV
— NDTV India (@ndtvindia) April 29, 2023
ટ્વિટરના નિયમો અનુસાર, યુઝર ઓછામાં ઓછાં 13 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. જો તેનાથી વિપરીત બાબત ધ્યાને આવે તો અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. બીજી તરફ, સંસ્થાઓ માટે ટ્વિટર પર કોઈ ખાસ નિયમો નથી પરંતુ ટ્વિટર આગ્રહ રાખે છે કે ઓર્ગેનાઈઝેશન્સ વેરિફાઇડ અકાઉન્ટ્સનો ઉપયોગ કરે, જેથી ફેક ન્યૂઝનું પ્રમાણ ઓછું થાય. અકાઉન્ટ વેરીફાય કરવા માટે ઇમેઇલ એડ્રેસ, મોબાઈલ નંબર, વેબસાઈટની URL અને ઓળખ વગેરે પૂરું પાડવું પડે છે.
અગાઉ ટ્વિટર પર વેરિફાય બેજ (જેને બ્લુ ટીક પણ કહેવાય છે) માટેના નિયમો અલગ હતા પરંતુ ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ હવે બધું બદલાઈ ગયું છે. હવે ટ્વિટર બ્લુનું સબ્સ્ક્રિપ્શન લેનારને જ બ્લુ ટીક મળે છે, જેમણે મહિનાની અમુક રકમ ચૂકવવી પડે છે. જ્યારે સંસ્થાઓ માટે ગોલ્ડન ટીક છે, જેની મહિનાની રકમ 82,000 જેટલી છે.