ઉત્તરપ્રદેશના નોઈડામાં આવેલા ટ્વિન ટાવર ધ્વસ્ત કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ બંને ટાવરને રવિવારે (28 ઓગસ્ટ 2022) બપોર પછી તોડી પાડવામાં આવશે. આ માટે આસપાસના એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સવારે 7 વાગ્યે જ ઘર છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.
ટ્વિન ટાવરમાં વિસ્ફોટકો લગાવવાનું અને જોડવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ઇમારતો ધ્વસ્ત કરવા માટે 3700 કિલોગ્રામથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવશે. વિસ્ફોટથી 80 હજાર ટન કાટમાળ સર્જાશે તેવું અપમાન છે. જેમાંથી સ્થળ પર જ સ્ટીલ અને કોંક્રીટ અલગ કરવામાં આવશે.
ટ્વિન ટાવરની સૌથી નજીકની બે સોસાયટીઓના લગભગ 5000થી વધુ રહેવાસીઓ અને તેમના 150થી 200 પાલતૂ પશુઓને રવિવારે સવારે સાત વાગ્યા સુધીમાં ત્યાંથી રવાના કરી દેવામાં આવશે. ઉપરાંત, બંને પરિસરમાંનાં ત્રણ હજાર વાહનો પણ હટાવી દેવામાં આવશે.
ક્ષેત્ર સંપૂર્ણ રીતે ખાલી થયાની પોલીસ તરફથી પુષ્ટિ મળ્યા બાદ વિસ્ફોટકોને ડેટોનેટર સાથે જોડવામાં આવશે. આ માટે 100 મીટર લાંબો કેબલ જોડવામાં આવશે. જે બાદ બપોરે અઢી વાગ્યે બટન દબાવવામાં આવશે અને ગણતરીની સેકન્ડોમાં ટાવર જમીનદોસ્ત થઇ જશે.
ટાવર ધ્વસ્ત કરવા માટે ઈમ્પલોઝન તકનીકનો સહારો લેવામાં આવશે. આ બંને ટાવર ધ્વસ્ત કરવાની જવાબદારી એડફિસ એન્જીનિયરિંગને સોંપવામાં આવી છે. કંપનીએ આ માટે દક્ષિણ આફ્રિકાની જેટ ડિમોલિશન્સ સાથે હાથ મિલાવ્યા છે. બંને ટાવરને એવી રીતે ધ્વસ્ત કરવામાં આવશે કે જેથી માત્ર 9 મીટર દૂર આવેલ અન્ય ઇમારતોને પણ કોઈ નુકસાન ન પહોંચે.
આ પ્રક્રિયા માટે પોલીસતંત્ર અને આરોગ્ય ખાતાએ પણ પૂરતી તૈયારી કરી લીધી છે. ઉપરાંત, એ સમય દરમિયાન વિસ્તારનો ટ્રાફિક પણ રોકવામાં આવશે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 400 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે તેમજ એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે.
આ ઉપરાંત, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને દવાઓથી લેસ છ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તહેનાત રાખવામાં આવશે. ઉપરાંત, જિલ્લાની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે.
તમામ તૈયારીઓ કર્યા બાદ બપોરે અઢી વાગ્યે ડેટોનેટરનું બટન દબાવવામાં આવશે. આ બટન ચેતન દત્તા દબાવશે. ભારતીય કાયદા અનુસાર, બટન તેમના હાથમાં રહેશે કારણ કે ભારતમાં કોઈ પણ વિદેશી નાગરિકને વિસ્ફોટકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. ચેતન દત્તાએ જણાવ્યું હતું કે, આ સાવ સરળ પ્રક્રિયા છે. ડાયનેમોથી વિદ્યુત પ્રવાહ ઉત્પ્ન્ન કરવામાં આવશે અને જે બાદ બટન દબાવતાં જ 9 સેકન્ડની અંદર ઇમારત ધ્વસ્ત થઇ જશે.
આ ટ્વિન ટાવર નોઈડાના સેક્ટર 93માં આવેલા છે. જેમાંથી એક 32 માળનો અને બીજો 29 માલનો છે. બંને થઈને કુલ 900થી વધુ ફ્લેટ્સ છે. આ બંને ટાવરનું બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હોવાના કારણે સુપ્રીમ કોર્ટે તેને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. જે જગ્યાએ ટાવર બનાવવામાં આવ્યા છે તે જગ્યા પાર્ક માટે બની હતી.
બંને ટાવરના નિર્માણકાર્ય માટે 2005માં સુપરટેકને 14 ટાવર અને એક શોપિંગ કોમ્પ્લેક્સ બાંધવાની પરવાનગી આપવામાં આવી હતી. જે બાદ 2009માં બાંધકામ શરૂ કરવામાં આવું હતું. પરંતુ 2012માં બિલ્ડીંગના પ્લાનમાં ફેરફારને લઈને અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી થઇ હતી. હાઇકોર્ટે 2014માં આ ટાવર ગેરકાયદે ઘોષિત કર્યા હતા.આ જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં પણ કોર્ટે હાઇકોર્ટનો આદેશ બરકરાર રાખ્યો હતો અને 31 ઓગસ્ટ 2021ના રોજ આ ઇમારતો તોડવાનો આદેશ આપ્યો હતો.