અભિનેત્રી તુનિષા શર્માએ કરેલી આત્મહત્યા મામલે પોલીસે તેના પૂર્વ પ્રેમી અને કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી હતી. ત્યારબાદ અનેક મોટા ખુલાસા થઇ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે શીઝાન સાથે મિત્રતા બાદ તુનિષાએ હિજાબ પહેરવાનો શરૂ કરી દીધો હતો તેમજ તે ઉર્દૂ પણ બોલવા માંડી હતી. આ આરોપો મૃતક અભિનેત્રીના પરિજનોએ લગાવ્યા છે.
તુનિષાની માતાએ પુત્રીની આત્મહત્યા પાછળ શીઝાનને જવાબદાર ગણાવ્યો છે અને ન્યાયની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “તુનિષા મારું એકમાત્ર સંતાન હતી અને મેં તેને પણ ખોઈ નાંખી. હું આ છોકરાને ક્યારેય માફ નહીં કરું. તેણે મહિનાઓ સુધી મારી પુત્રીનો ઉપયોગ કર્યો છે.”
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે તુનિષાની માતાને મળવા માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન અભિનેત્રીની માતાએ આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, શીઝાનનો પરિવાર પણ તુનિષાને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેને ઉર્દૂ પણ શીખવવામાં આવી રહી હતી અને તે ઉર્દૂ બોલવા પણ માંડી હતી.
TV actor Tunisha Sharma death case | Mumbai: Union minister Ramdas Athawale meets family members of deceased actor Tunisha Sharma. pic.twitter.com/4vKThmNSkK
— ANI (@ANI) December 29, 2022
તેમણે પીડા વ્યક્ત કરતાં કહ્યું કે, “તેણે (શીઝાને) તુનિષાને પોતાના જીવન અને પરિવારમાં એટલી ઇન્વોલ્વ કરી દીધી હતી કે મારી પુત્રી મારાથી જ દૂર થવા માંડી હતી. હું તેને શીઝાન અને તેના સબંધ વિશે પૂછતી, પણ તે ક્યારેય કંઈ જણાવતી ન હતી.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં તુનિષાના કાકા પણ આ કેસ મામલે લવજેહાદ એન્ગલની તપાસ કરવાની માંગ કરીને ખુલાસો કરી ચૂક્યા છે કે શીઝાનના સંપર્કમાં આવ્યા બાદ તે હિજાબ પહેરવા માંડી હતી.
તુનિષાના કાકા પવન શર્માએ કહ્યું હતું કે, પોલીસે તમામ એન્ગલથી આ કેસની તપાસ કરવી જોઈએ. શીઝાન સાથે મુલાકાત બાદ તુનિષા ઘણી બદલાઈ ગઈ હતી અને તેણે હિજાબ પહેરવાનો પણ શરૂ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગત 24 ડિસેમ્બર 2022 (શનિવાર)ના રોજ તુનિષાએ પોતાના શૉના સેટ ઉપર જ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ આગલા જ દિવસે તેના પૂર્વ પ્રેમી અને કો-સ્ટાર શીઝાન ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બંને 15 દિવસ પહેલાં જ છૂટાં પડ્યાં હતાં. હાલ શીઝાન પોલીસ રિમાન્ડ ઉપર છે અને પૂછપરછ ચાલી રહી છે.