Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટચૂંટણી પંચનો મોટો નિર્ણય: ત્રણ મોટી પાર્ટીઓને મળેલો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પરત લેવાયો,...

  ચૂંટણી પંચનો મોટો નિર્ણય: ત્રણ મોટી પાર્ટીઓને મળેલો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પરત લેવાયો, મમતા બેનર્જી-શરદ પવારની પાર્ટીઓનો સમાવેશ

  તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાને મળેલો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ચૂંટણી પંચે પરત લઇ લીધો છે.

  - Advertisement -

  કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ રાજકીય પાર્ટીઓને મળેલો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પરત ખેંચી લીધો છે. જેમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ(TMC), શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાનો (CPI) સમાવેશ થાય છે. 

  બીજી તરફ, ચૂંટણી પંચ દ્વારા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવેલી NCP અને TMCને અનુક્રમે નાગાલેન્ડ અને મેઘાલયમાં સ્ટેટ પાર્ટી તરીકે દરજ્જો આપવામાં આવશે. કમિશને પ્પોતાના આદેશમાં જણાવ્યું કે, યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવ્યા બાદ તેમજ બે સંસદીય ચૂંટણીઓ અને 21 રાજ્યની ચૂંટણીઓમાં તકો આપવામાં આવ્યા બાદ નેશનલ પાર્ટીનું સ્ટેટ્સ પરત લઇ લેવામાં આવ્યું છે.

  આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને નાગાલેન્ડમાં સ્ટેટ પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી છે. ટીપરા મોથા પાર્ટીને ત્રિપુરામાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મળ્યો છે. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિને આંધ્ર પ્રદેશમાં મળેલો સ્ટેટ પાર્ટીનો દરજ્જો પરત લઇ લેવામાં આવ્યો છે.

  - Advertisement -

  તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ કર્ણાટક હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને નેશનલ પાર્ટી સ્ટેટ્સ આપવામાં વિલંબ થતો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ મામલાની સુનાવણી કરતાં હાઇકોર્ટે ગત 7 એપ્રિલના રોજ ચૂંટણી પંચને આ મામલે નિર્ણય લેવા માટે નિર્દેશ કર્યા હતા. ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ 11 એપ્રિલ પહેલાં આ બાબતે નિર્ણય લઇ લેશે. 

  જુલાઈ 2019માં કેન્દ્રીય ચૂંટણી પંચે આ ત્રણ પાર્ટીઓને એક કારણદર્શક નોટિસ પાઠવી હતી અને પૂછ્યું હતું કે શા માટે તેમનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પરત ન લઇ લેવામાં આવે? લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ આ નોટિસ પાઠવવામાં આવી હતી. 

  ઉલ્લેખનીય છે કે ઈલેક્શન સિમ્બોલ્સ (રિઝર્વેશન એન્ડ એલોટમેન્ટ) ઓર્ડર, 1968 મુજબ જે પાર્ટી ચાર કે તેથી વધુ રાજ્યમાં ‘સ્ટેટ પાર્ટી’ તરીકે દરજ્જો પામી હોય; જે પાર્ટીને ચાર કે તેથી વધુ રાજ્યોની વિધાનસભા કે લોકસભા ચૂંટણીમાં 6 ટકાથી વધુ મતો મળ્યા હોય અને જે પાર્ટીના અંતિમ લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર સાંસદો ચૂંટાયા હોય અથવા તે ઓછામાં ઓછાં ત્રણ રાજ્યોમાં કુલ લોકસભા બેઠકોની ઓછામાં ઓછી 2 ટકા બેઠકો જીતી હોય તો તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં