Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ મેટ્રોમાં ગંદકી ફેલાવનારાઓ સામે તંત્રની લાલ આંખ, 5000ના દંડ સાથે 10...

  અમદાવાદ મેટ્રોમાં ગંદકી ફેલાવનારાઓ સામે તંત્રની લાલ આંખ, 5000ના દંડ સાથે 10 વર્ષની કેદની જોગવાઈ: વાંચો વિગતે માહિતી

  મેટ્રો વિભાગે સ્ટેશન પર ગંદકી ફેલાવવા તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ઘટનાઓને અંકુશમાં લેવા આકરી નીતિઓ અપનાવી છે.

  - Advertisement -

  અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થયાને 1 મહિનો થયો અને અમદાવાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં તેનો લાભ પણ લઈ રહ્યા છે. તેમાં પણ દિવાળી વેકેશનની રજાઓ દરમિયાન તો ઘણી મોટી ભીડ જોવા મળી હતી, પરંતુ કેટલાક અસામાજિક લોકો મેટ્રો જેવી સુવિધાને જાળવવાને બદલે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને પાન-મસાલા ખાનારાઓએ તો અનેક જગ્યાએ મેટ્રો સ્ટેશન અને આસપાસની જગ્યાઓના રંગ બદલી નાખ્યા છે. તેવામાં તંત્રએ હવે આવા તત્વો પર લાલ આંખ કરી છે અને અમદાવાદ મેટ્રોમાં ગંદકી ફેલાવનારને મોટો દંડ અને 10 વર્ષની જેલ કરવા સુધીની જોગવાઈઓ કરી છે.

  અહેવાલો અનુસાર મેટ્રો વિભાગે સ્ટેશન પર ગંદકી ફેલાવવા તેમજ સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી ઘટનાઓને અંકુશમાં લેવા આકરી નીતિઓ અપનાવી છે. મેટ્રો રેલવે એક્ટ 2002 મુજબ વિવિધ દંડની જોગવાઇ કરાઇ છે. તંત્ર દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ હવેથી અમદાવાદ મેટ્રોના કોચમાં પાન કે મસાલો ખાઈને થૂંકશે કે પાનની પિચકારી મારીને સરકારી પ્રોપર્ટીને ગંદી કરશે કે નુકસાન પહોંચાડશે તો તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા કરાયેલી જોગવાઈ મુજબ મેટ્રોમાં પાનની પિચકારી મારનાર સામે રૂપિયા 5 હજાર સુધીનો દંડ વસુલવામાં આવશે. એટલું જ નહીં અમદાવાદ મેટ્રોમાં ગંદકી ફેલાવનારને જેલભેગા થવાનો પણ વારો આવશે. મેટ્રો રેલના કોચને નુકસાન કરનારા સામે પણ કડક કાર્યવાહી થશે

  મેટ્રોની જાળવણી માટે ખાસ સ્કવોડની રચના

  - Advertisement -

  અહેવાલો અનુસાર જીએમઆરસીએ બંને કોરિડોર પર મેટ્રો કોચને નુકસાન, સેફટી બટન સાથે ચેડાં અને ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ આવા લોકોને પકડવા માટે એક સ્કવોડની પણ રચના કરવામાં આવી છે. જે મેટ્રોમાં ગંદકી તેમજ નુકસાન પહોંચાડતા તત્વો ઉપર ચાંપતી નજર રાખશે અને કાયદાના ભંગ બદલ વિવિધ ગુના હેઠળ સજાની જોગવાઇઓ મુજબ દંડ કરાવશે. જે અંતર્ગત કોઇ કારણ વગર બેલ અથવા એલાર્મનો ઉપયોગ કરે તો 1 વર્ષની જેલની સજા ઉપરાંત જો કોઇ વ્યક્તિ લોકોને નુકસાન પહોંચે તેવી વસ્તુ ટ્રેનમાં લઇ જશે તો તેને 4 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારાશે.

  મુસાફરો માટે મેડીકલ સર્વિસ માટે ખાસ આયોજન

  આ ઉપરાંત મેટ્રોમાં મુસાફરોની સારવાર મળી રહે તે માટે પ્રથમ તબક્કામાં જુદાજુદા વિસ્તારની 6 હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. હજુ આગામી સમયમાં નવી 10 અન્ય હોસ્પિટલો સાથે પણ એમઓયુ કરીને કરાર કરવામાં આવશે. મેડીકલ ઈમર્જન્સીમાં મેટ્રો સ્ટેશન પરથી કોઈ અધિકારી કે મુસાફરોનો 108 પર કોલ આવશે તો નજીકના લોકેશનમાં જે એમ્બ્યુલન્સ હશે તે મોકલવામાં આવશે. પરંતુ કોઈ મેટ્રો સ્ટેશન પર સ્ટેન્ડબાય રહેશે નહીં.

  મેટ્રો ટ્રેનમાં આચરવામાં આવતા ગુનાઓ પર સજાની જોગવાઈ

  અમદાવાદ મેટ્રોમાં લાગું કરવામાં આવેલા નવા નિયમો મુજબ જો કોઈ કાયદાનું ઉલંઘન કરશે તો તેના વિરુદ્ધ આચરેલા ગુના મુજબ આ પ્રકારે સજાની જોગવાઈઓ કરવામાં આવી છે.

  મેટ્રોમાં મુસાફરી કરતી વ્યક્તિઓને નુકસાન : દસ વર્ષ સુધીની સખત કેદ

  દુર્ભાવનાપૂર્ણ રીતે તોડફોડથી કોઇ વ્યક્તિનું મોત : મૃત્યુદંડ અથવા આજીવન કેદ

  કોચ-પરિસરમાં નુકસાન કરનાર : 6 માસની સજા

  કારણ વગર બેલ- એલાર્મ વગાડતા લોકોને : 1 વર્ષની જેલની સજા

  મેટ્રોની ટિકિટ ફોર્જ કરવા પર : 6 મહિનાની જેલ

  મૃત્યુ અથવા શારીરિક ઈજા પહોંચાડવાથી : કેદની સજા થઈ શકે છે

  દારૂના નશામાં અભદ્ર વર્તન : રૂ.200 દંડ, પાસ જપ્ત કરવામાં આવશે

  મુસાફરોના આરામમાં દખલ કરવા પર : ટ્રેનમાંથી હટાવવા સુધીની કાર્યવાહી

  પ્રતિબંધિત ચીજસ્તુઓ ટ્રેનમાં લાવવા પર : 4 વર્ષ સુધીની જેલ, 5 હજારનો દંડ

  કોચમાં અથવા પરિસરમાં પોસ્ટર ચોંટાડવા પર : છ મહિના સુધીની જેલ અને 500 રૂપિયાનો દંડ

  લખાણ લખવા અથવા કંઈપણ દોરવા પર : છ મહિના સુધીની જેલ અને 500 રૂપિયાનો દંડ

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં