કેરળમાં યુવતીઓના ઇસ્લામી ધર્માંતરણની ઘટના પર પ્રકાશ પાડતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ હાલ ખૂબ ચર્ચામાં છે. વિપુલ શાહ નિર્મિત આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ તે વિવાદનું કેન્દ્ર બની હતી. એક વર્ગ એવો પણ હતો જેણે ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી. જોકે, ફિલ્મ 5 મેએ રિલીઝ થઈ અને બે દિવસમાં જ શાનદાર કમાણી કરી લીધી છે. ફિલ્મના વિષય અને ટ્રીટમેન્ટને પણ દર્શકો વખાણી રહ્યા છે.
‘ધ કેરાલા સ્ટોરી’એ બીજા દિવસે 11.22 કરોડનો બિઝનેસ કર્યો
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મની બોક્સ ઓફિસ સફળતા અંગે ટ્વીટ કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘ધ કેરાલા સ્ટોરી અદ્ભુત છે. બીજા દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે અને તમામ સર્કિટમાં મોટી કમાણી કરી છે. સ્ટાર કલાકારો ન હોય તેવી ફિલ્મ માટે ડબલ ડિજિટ વટાવવા એ નોંધપાત્ર સફળતા કહેવાય. આ ફિલ્મ લોકોની પ્રશંસાના બળે આગળ વધી રહી છે. શુક્રવારે 8.03 કરોડની કમાણી કર્યા બાદ શનિવારે (6 મે 2023) ફિલ્મનું કલેક્શન 11.22 કરોડ નોંધાયું છે. જે પ્રથમ દિવસની સરખામણીમાં 39.73% વધુ છે. બે દિવસમાં ફિલ્મની કમાણી કુલ 19.25 કરોડ રૂપિયા થઈ છે.”
#TheKeralaStory is SENSATIONAL, sets the #BO on 🔥🔥🔥 on Day 2… Shows BIGGG GAINS across all circuits… Hits double digits, a REMARKABLE ACHIEVEMENT for a film that’s *not* riding on stardom, but word of mouth… Fri 8.03 cr, Sat 11.22 cr. Total: ₹ 19.25 cr. #India biz.… pic.twitter.com/3FDHvSApjt
— taran adarsh (@taran_adarsh) May 7, 2023
‘ધ કેરાલા સ્ટોરી’ માટે વધુ એક સફળતા એ પણ છે કે તે 2023માં પાંચમી હાઈએસ્ટ ઓપનિંગ મેળવનારી હિંદી ફિલ્મ બની છે. આ અહેવાલ લખાઈ રહ્યો ત્યારે ફિલ્મનું કલેક્શન 20.53 કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું છે.
‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મની વાર્તા શું છે?
‘ધ કેરાલા સ્ટોરી’માં કેરળની ત્રણ યુવતીઓની વાર્તા છે, જેમનું બ્રેઈન વોશ કરીને પહેલાં તેમનું ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને ISIS પાસે મોકલી દેવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે તો તેના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે. અભિનેત્રી અદા શર્મા ફિલ્મમાં મુખ્ય રોલ ભજવી રહી છે.
દર્શકોએ કહ્યું- ‘ફિલ્મ આંખ ઉઘાડનારી’, મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી થઈ
‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ જોનારાએ વિષય અને તેની ટ્રીટમેન્ટની પ્રશંસા કરી છે. તો કેટલાક દર્શકોએ ફિલ્મને આંખ ઉઘાડનારી પણ જણાવી છે. ફિલ્મને કારણે સોશિયલ મીડિયા પર એવા ઉદાહરણો શેર કરવામાં આવી રહ્યા છે જેમાં યુવતી ઇસ્લામી કટ્ટરપંથીના એજન્ડાનો ભોગ બની હોય. બીજી તરફ મધ્ય પ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
વિરોધના વંટોળમાં આગળ વધી રહી છે ‘ધ કેરાલા સ્ટોરી’
‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ થઈ એ પહેલા ફિલ્મ પર ‘પ્રોપગેન્ડા’ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેટલાક નેતાઓએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ફિલ્મને પડકારવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો, તો મદ્રાસ અને કેરળ હાઈકોર્ટે પણ ફિલ્મની રિલીઝ રોકવાની અરજી ફગાવી દીધી હતી.