Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેની હત્યાના આરોપમાં એક વિધવાનો દીકરો જેલમાં, તે યુવતી 7 વર્ષ બાદ...

    જેની હત્યાના આરોપમાં એક વિધવાનો દીકરો જેલમાં, તે યુવતી 7 વર્ષ બાદ આગ્રામાં જીવતી મળી; પતિ અને બાળકો સાથે સુખથી રહેતી હતી

    એસએચઓ ગૌંડાનું કહેવું છે કે યુવતીએ કોર્ટમાં આપેલા નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડીએસપી રાઘવેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર યુવતીનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.

    - Advertisement -

    વર્ષ 2015માં ઉત્તરપ્રદેશના અલીગઢ જીલ્લામાં એક સગીરા મંદિરે જળ ચઢાવવા ગઈ અને ગાયબ થઇ ગઈ. થોડા સમય બાદ મળેલી એક લાશને ગાયબ સગીરા હોવાનું માની લેવામાં આવ્યું, અને એક વિધવા માતાના દીકરા પર અપહરણ કરીને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પહેલી નજરમાં આ હત્યાનો એક સમાન્ય કેસ લાગે, પણ જેની હત્યાના આરોપમાં વિષ્ણુ જેલમાં હતો તે યુવતી 7 વર્ષે જીવતી મળી આવતા ખળભળાટ મચી ગયો, સગીરાના લગ્ન પણ થઇ ગયા છે અને તે પતિ અને બાળકો સાથે આગ્રામાં રહે છે.

    અહેવાલો અનુસાર જેની હત્યાના આરોપમાં વિષ્ણુ જેલમાં હતો તે યુવતી 7 વર્ષે જીવતી મળી આવતાની સાથે જ વિષ્ણુના પરિવારજનો દ્વારા તેની મુક્તિનો અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. યુવતીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. પોલીસે તપાસ બાદ જે તથ્યો બહાર લાવ્યા તેના આધારે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.

    આ કેસ 17 ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ થયો હતો. 17 વર્ષની સગીર બાળકીના પિતાએ ગોંડા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, મંદિરમાં જળ ચઢાવવા ગયેલી તેમની પુત્રી અચાનક ગુમ થઈ ગઈ હતી. 18 ફેબ્રુઆરીએ પોલીસે આ મામલે આઈપીસીની કલમ 363 અને 366 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી હતી.

    - Advertisement -

    6 એપ્રિલ 2015ના રોજ સગીરાના પરિવારજનોએ આ મામલામાં તેના જ ગામ ધતૌલીના વિષ્ણુ ગૌતમ પર આરોપ લગાવ્યો હતો. અને દાવો કર્યો હતો કે મેળામાં વિષ્ણુ યુવતીની સાથે જોવા મળ્યો હતો. 24 માર્ચ, 2015ના રોજ પોલીસને એક છોકરીની લાશ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી. સગીર યુવતીના પરિવારજનો તેને પોતાની પુત્રી જ હોવાનું કહ્યું હતું. આ પછી વિષ્ણુ પર હત્યાની કલમ 302 અને પુરાવાનો નાશ કરવાની કલમ 201 પણ લગાવવામાં આવી હતી.

    25 સપ્ટેમ્બર 2015ના રોજ પોલીસે આ કેસમાં વિષ્ણુ ગૌતમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એફઆઈઆર દરમિયાન આ કેસના તપાસકર્તા સબ ઈન્સ્પેક્ટર ખાલિદ ખાન હતા. લગભગ 2 વર્ષ જેલમાં રહ્યા બાદ 11 એપ્રિલ 2017ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ વિપિન સિંહાની કોર્ટે વિષ્ણુ ગૌતમના જામીન મંજૂર કર્યા હતા. આ દરમિયાન વિષ્ણુને પુરાવા સાથે ચેડા ન કરવા, નિયત તારીખે કોર્ટમાં હાજર રહેવા અને સાક્ષીઓને ન ધમકાવવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી સાથે કોર્ટની સુનાવણી સુધી વિષ્ણુ ગૌતમ પોતાને નિર્દોષ હોવાનું કરગરતો રહ્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર , જિલ્લા કોર્ટમાં વિષ્ણુના કેસની સુનાવણી શરૂ થઈ જતા યુવતીના પરિવારજનોએ તેને પરત જેલમાં મોકલવાની માંગ કરી હતી. અને વિષ્ણુને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો. આ દરમિયાન તેની માતા પોતાના સ્તરથી તેના પુત્રની નિર્દોષતાના પુરાવા શોધતી રહી હતી. આખરે તેને ખબર પડી કે જે છોકરી માટે તેનો પુત્ર અપહરણ અને હત્યાના આરોપમાં જેલની સજા ભોગવી રહ્યો છે, વાસ્તવમાં તે જીવિત છે અને આગ્રાના એતમદૌલા વિસ્તારમાં તેના પતિ અને 2 બાળકો સાથે રહે છે.

    માહિતીની ચકાસણી કર્યા બાદ વિષ્ણુની માતા વૃંદાવનના ભગવાચાર્ય સાથે અલીગઢના એસએસપી કલાનિધિ નૈથાનીને મળ્યા અને તેમણે પોતાના પુત્ર માટે ન્યાયની માંગ કરી હતી. એસએસપી અલીગઢ દ્વારા તરત જ આ મામલામાં કાર્યવાહી કરવાની સૂચના આપી અને યુવતીની હાથરસ ગેટથી ધરપકડ કરવામાં આવી. વિપીનની માતાએ હવે કોર્ટમાં પુત્રને છોડાવવા માટે અપીલ કરી છે. એસએચઓ ગૌંડાનું કહેવું છે કે યુવતીએ કોર્ટમાં આપેલા નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડીએસપી રાઘવેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર યુવતીનો ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં