Saturday, October 12, 2024
More
    હોમપેજદેશIAS શાહ ફૈસલે લઘુમતીઓ પર થતા અત્યાચાર મામલે પાકિસ્તાન પર નિશાન તાક્યું,...

    IAS શાહ ફૈસલે લઘુમતીઓ પર થતા અત્યાચાર મામલે પાકિસ્તાન પર નિશાન તાક્યું, કહ્યું- ભારતીય મુસ્લિમોને મળતી સ્વતંત્રતા ઇસ્લામિક દેશોમાં પણ અકલ્પનીય

    - Advertisement -

    દેશમાં ‘વધતી જતી અસહિષ્ણુતા’ને ટાંકીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં આવેલા અને પછી IAS બનેલા શાહ ફૈસલે બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકના બહાને ઈસ્લામિક દેશોને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભારતીય મુસ્લિમોને મળતી સ્વતંત્રતા ઇસ્લામિક દેશોમાં અકલ્પનીય છે. આ સાથે જ તેમણે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે થઈ રહેલા ભેદભાવ પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

    કાશ્મીરી IAS અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયમાં નાયબ સચિવ શાહ ફૈસલે મંગળવારે (25 ઓક્ટોબર, 2022) એક ટ્વીટર થ્રેડ દ્વારા જણાવ્યું હતું કે, “આ ભારતમાં જ શક્ય છે કે કાશ્મીરનો મુસ્લિમ યુવક ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કરી શકે અને સરકારના ઉચ્ચ વિભાગો સુધી પહોંચી શકે છે. સરકાર વિરુદ્ધ જઈ શકે છે, પછી એ જ સરકાર તેને બચાવે છે અને ફરી અપનાવે છે, ભારતીય મુસ્લિમોને મળતી સ્વતંત્રતા અન્ય દેશો કરતાં વિશેષ છે.”

    તેમના આગલા ટ્વીટમાં તેમણે ઋષિ સુનકના બ્રિટનના વડાપ્રધાન બનવા પર પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું, “ઋષિ સુનકની નિમણૂક આપણા પડોશીઓ માટે આશ્ચર્યજનક હોઈ શકે છે જ્યાંનુ બંધારણ બિન-મુસ્લિમોને સરકારના ટોચના હોદ્દા પર પહોંચવા માટે પ્રતિબંધિત કરે છે.” પરંતુ ભારતીય લોકશાહીએ ક્યારેય વંશીય અને ધાર્મિક લઘુમતીઓ સાથે ભેદભાવ કર્યો નથી. સમાન નાગરિક તરીકે ભારતીય મુસ્લિમો એવી સ્વતંત્રતાનો આનંદ માણે છે જે કહેવાતા ઇસ્લામિક દેશો માટે પણ અકલ્પનીય છે.

    - Advertisement -

    પોતાના જીવન અને કરિયરની સફરનું ઉદાહરણ આપતા શાહ ફૈસલે કહ્યું, “મારું પોતાનું જીવન પણ એક સફર જેવું છે. હું 130 કરોડ દેશવાસીઓ સાથે ખભેખભો મિલાવીને ચાલ્યો છું. અહીં હું જીવનના દરેક વળાંક પર સંબંધ, આદર અને ક્યારેક પ્રેમ અનુભવું છું. આ ભારત છે.”

    શાહ ફૈસલે તેના આગામી ટ્વીટમાં કહ્યું, ‘મૌલાના આઝાદથી લઈને ડૉ. મનમોહન સિંહ અને ડૉ. ઝાકિર હુસૈનથી લઈને મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સુધી, ભારત હંમેશા સમાન તકોની ભૂમિ રહી છે. અહીં ટોચ પર જવાનો રસ્તો બધા માટે ખુલ્લો છે. જો હું એમ કહું કે શિખર પર પહોંચીને મેં બધું જોયું તો તે ખોટું નહીં હોય.’

    નોકરી મૂકી રાજકારણી બન્યા હતા, પણ નોકરીમાં પરત ફરવું પડ્યું

    નોંધનીય છે કે વર્ષ 2009માં યુપીએસસીમાં ટોપ કરનાર શાહ ફૈસલે દેશમાં વધી રહેલી ‘અસહિષ્ણુતા’ના નામે જાન્યુઆરી 2019માં સરકારી નોકરી છોડીને રાજીનામું આપ્યું હતું. જોકે તેમનું રાજીનામું સરકારે સ્વીકાર્યું ન હતું. ત્યારબાદ તેમણે માર્ચ 2019માં જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ નામની રાજકીય પાર્ટી બનાવી હતી. તેમનો ઉદ્દેશ્ય વિધાનસભા ચૂંટણી લડવાનો હતો, પરંતુ રાજ્યમાં કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો અને ચૂંટણીઓ યોજાઈ ન હતી.

    ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ શાહ ફૈઝલની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિ બાદ તેમણે ઓગસ્ટ 2020માં રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી વખત સરકારી નોકરીમાં પરત જોડાવાના સંકેત આપ્યા હતા. આ દરમિયાન કેન્દ્ર અને બીજેપીની આકરી ટીકા કરનાર ફૈસલે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારની નીતિઓનું સમર્થન કરવાનું શરૂ કર્યું. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ઘણાં નિવેદનો અને ભાષણો પણ શેર કરી રહ્યા હતા.

    ત્યારબાદ તેમણે સરકારને પત્ર લખીને પોતાની નોકરી પરત કરવા માટે અરજી કરી હતી. જે પછી આ વર્ષે એપ્રિલમાં તેમની નોકરી બહાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઓગસ્ટમાં તેમને સંસ્કૃતિ મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉત્તર કાશ્મીરના કુપવાડાના લોલાબ વિસ્તારમાં જન્મેલા ફૈઝલે શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SKIMS)માં મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને ત્યાં ગોલ્ડ મેડલિસ્ટ થયા હતા. 2002 માં જ્યારે ફૈઝલ 19 વર્ષના હતા ત્યારે તેમના શિક્ષક પિતા ગુલામ રસૂલ શાહની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી નાંખવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં