કર્ણાટકમાં હલાલ સર્ટિફિકેટ પર પ્રતિબંધની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS) એ ફરી એકવાર રાજ્યમાં વિવિધ ઉત્પાદનો પર હલાલ પ્રમાણિત કરવા પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશ શરૂ કરી છે. બેલગાવીમાં શિયાળુ સત્ર પહેલા હિન્દુ સંગઠનો ઘણા ધારાસભ્યોને મળ્યા અને એક મેમોરેન્ડમ આવેદન આપ્યું હતું. જેમાં હલાલ સર્ટિફિકેટ પર પ્રતિબંધ મુકતો કાયદો ઘડવાની માંગ કરવામાં આવી હતી.
લાઈવ હિન્દુસ્તાને આપેલા અહેવાલ મુજબ હિંદુ જનજાગૃતિ સમિતિના સભ્યોએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ, કર્ણાટકના આરોગ્ય મંત્રી ડૉ. કે. સુધાકર અને અન્યને કર્ણાટકમાં હલાલ સર્ટિફિકેટ પર પ્રતિબંધની માંગ સાથે એક આવેદન પત્ર સુપરત કર્યું હતું. હિન્દુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા મોહન ગૌડાએ આ બાબતે જણાવ્યું હતું કે, “હલાલ પ્રમાણપત્ર અને ધર્મના નામે સમગ્ર ભારતમાં હલાલ ઉત્પાદનો વેચવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને તેની પાછળ મોટા માફિયાઓ છે. મુસ્લિમ સંગઠનો હલાલ પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે. તે પૈસાનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. તેથી અમે હલાલ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા માટે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત તમામ ધારાસભ્યોને અમારું આવેદન આપી રહ્યા છીએ. આગામી શિયાળુ સત્રમાં હલાલ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને રાજ્ય સરકારે આ અંગે બિલ લાવવું જોઈએ.”
અહેવાલ મુજબ તેમણે આગળ જણાવ્યું હતું કે “હલાલ પ્રમાણપત્રો ગેરકાયદેસર રીતે જારી કરવામાં આવે છે. સરકારે એ પણ તપાસ કરવી જોઈએ કે હલાલ પ્રમાણપત્રોના નામે એકત્ર કરાયેલા કરોડો રૂપિયાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.” હિન્દુ સંગઠનો માર્ચમહિનાથી રાજ્યમાં માંસ સહિત તમામ હલાલ-પ્રમાણિત ઉત્પાદનો પર પ્રતિબંધ માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. માર્ચમાં ઉગાદી તહેવાર (ગુડી પડવા) પહેલા, સંગઠને હલાલ-પ્રમાણિત માંસ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ સિવાય સંગઠનોએ હિંદુઓને હલાલ સર્ટિફિકેશનવાળા ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પણ વિનંતી કરી હતી. સંગઠને આરોપ લગાવ્યો હતો કે સર્ટિફિકેટમાંથી મળેલી રકમનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.
હિન્દુ જનજાગૃતિ સમિતિએ કહ્યું છે કે FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા) અને બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ જેવી સરકારી એજન્સીઓ હોવા છતાં, દેશમાં વિવિધ ઉત્પાદનો પર હલાલ પ્રમાણપત્રો બળજબરીથી લાદવામાં આવી રહ્યાં છે. હિંદુ જનજાગૃતિ સમિતિ સહિત અન્ય હિંદુ સંગઠનોએ પણ હિંદુ સમુદાયને હલાલ માંસ પીરસતી હોટેલો અને ખાણીપીણીની દુકાનોમાં ન જવા કહ્યું છે.