Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુલવામાના 10 દિવસ બાદ વધુ એક હુમલો કરવાનું હતું ષડ્યંત્ર, સેનાની સતર્કતાના...

    પુલવામાના 10 દિવસ બાદ વધુ એક હુમલો કરવાનું હતું ષડ્યંત્ર, સેનાની સતર્કતાના કારણે મોટી ઘાત ટળી હતી: નિવૃત્ત સૈન્ય અધિકારીના પુસ્તકમાં રહસ્યસ્ફોટ

    આ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે કઈ રીતે પાકિસ્તાનના આતંકવાદીઓ પુલવામા હુમલા બાદ વધુ એક હુમલો કરવા જઈ રહ્યા હતા પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સેનાની સતર્કતાના કારણે આ કાવતરું નિષ્ફ્ળ ગયું હતું. 

    - Advertisement -

    ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદીઓના કેમ્પ તબાહ કરી નાંખ્યાને આજે ચાર વર્ષ પૂર્ણ થયાં છે. ફેબ્રુઆરી, 2019માં કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયાના માત્ર 12 જ દિવસમાં વાયુસેનાએ આ એરસ્ટ્રાઇક કરી હતી, જેને ‘બાલાકોટ એરસ્ટ્રાઇક’ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘટસ્ફોટ થયો છે કે પાકિસ્તાનીઓ પુલવામા હુમલા બાદ વધુ એક હુમલો કરવા જઈ રહ્યા હતા પરંતુ ભારતીય સેનાએ તવારિત અને સમયસરની કાર્યવાહી કરીને તેને નિષ્ફ્ળ બનાવ્યો હતો. આ રહસ્યસ્ફોટ પૂર્વ સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ જનરલ KGS ઢિલ્લોંના એક પુસ્તકમાં કરવામાં આવ્યો છે. 

    નિવૃત્ત થયા બાદ પોતાના જીવન અને સૈન્ય કારકિર્દી ઉપર લેફ્ટ. જનરલ ઢિલ્લોંએ એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે- કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે. આ પુસ્તક તાજેતરમાં જ વેચાણ માટે બજારમાં આવ્યું છે. 

    KGS ઢિલ્લોંના આ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે કઈ રીતે પાકિસ્તાનના આતંકવાદીઓ પુલવામા હુમલા બાદ વધુ એક હુમલો કરવા જઈ રહ્યા હતા પરંતુ ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સેનાની સતર્કતાના કારણે આ કાવતરું નિષ્ફ્ળ ગયું હતું. 

    - Advertisement -

    14 ફેબ્રુઆરી, 2019ના દિવસે કાશ્મીરના પુલવામામાંથી પસાર થતા CRPF જવાનોના એક કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા અને ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલા બાદ જૈશના આતંકવાદીઓ અન્ય એક હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. 

    પૂર્વ સેના અધિકારીએ લખ્યું છે કે, પુલવામાના આ હુમલા બાદ ઇન્ટેલિજન્સ એજન્સી, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ ઓપરેશનો વધારી દીધાં હતાં અને જેમાં દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં સક્રિય જૈશ જેવાં આતંકવાદી સંગઠનોના નેટવર્ક સુધી પહોંચવામાં સફળતા મળી હતી. 

    બે જવાનોએ અદભૂત વીરતા અને શૌર્ય દાખવ્યાં હતાં

    પુસ્તક અનુસાર, કુલગામના ડેપ્યુટી એસપી અમન કુમાર ઠાકુરે આતંકવાદીઓની આ ગતિવિધિ પકડી પાડી હતી અને તેમની સામેના ઓપરેશનમાં પણ આગેવાની લીધી હતી. આતંકીઓ વિશે જાણકારી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી હતી, જેથી સેનાએ 24 ફેબ્રુઆરી 2019ની રાત્રે આ ઓપરેશનને અંજામ આપવાનું નક્કી કર્યું હતું. 

    આતંકવાદીઓ જ્યાં સંતાયા હતા તે જગ્યાએ જઈને સેનાએ ઘેરાબંદી કરી લીધી અને ફસાઈ ગયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબાર દરમિયાન DSP ઠાકુરે જોયું કે તેમના એક સાથી ઘવાઈ ગયા છે. તેઓ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વગર તેમને સુરક્ષિત ખસેડવા માટે તેમની પાસે દોડી ગયા પરંતુ તેટલી વારમાં તેઓ આતંકવાદીની ફાયર રેન્જમાં આવી ગયા અને તેમને પણ એક ગોળી વાગી ગઈ હતી. 

    ગોળી વાગ્યા છતાં પણ ઠાકુર બહાદૂરીપૂર્વક લડ્યા અને આતંકવાદીને ઠાર કર્યો હતો. આ આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના રહેવાસી નોમાન તરીકે થઇ હતી અને તે જૈશ-એ-મોહમ્મદનો સભ્ય હતો. 

    આ ઉપરાંત, પુસ્તકમાં અન્ય એક જવાન નાયબ સૂબેદાર સોમબિરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે પાકિસ્તાની આતંવાદી ઓસામાને ઠાર કર્યો હતો. જોકે, પછીથી તેઓ વીરગતિને પ્રાપ્ત થયા હતા. આ ઓપરેશનમાં દાખવેલી વીરતા માટે આ બંને જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

    લેફ્ટ. જનરલ ઢિલ્લોં તેમના પુસ્તકમાં લખે છે કે, જો આ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા ન હોત તો પુલવામા હુમલાના 10 જ દિવસમાં તેનાથી મોટો હુમલો થયો હોત અને ખૂબ મોટાપાયે જાનહાનિ થઇ હોત. 

    લેફ્ટ. જનરલ કંવલજિત સિંઘ ઢિલ્લોં નિવૃત્ત સૈન્ય અધિકારી છે. તેઓ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર જનરલ રહી ચૂક્યા છે. તેમણે ચિનાર કોર્પ્સના 48મા કમાન્ડર તરીકે પણ ફરજ બજાવી હતી. 39 વર્ષની સૈન્ય કારકિર્દી બાદ જાન્યુઆરી 2022માં તેઓ સેવાનિવૃત્ત થયા હતા. સોશિયલ મીડિયા પર પણ તેઓ બહુ જાણીતું નામ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં