ટેરર ફંડિંગ કેસમાં આતંકવાદી યાસિન મલિકને કોર્ટે આજીવન કેદ ફટકારી છે. સાથે કોર્ટે યાસિનને દસ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ગત 19 મેના રોજ ટેરર ફન્ડિંગ કેસમાં યાસિન મલિકને દોષી ઠેરવવામાં આવ્યા બાદ કોર્ટે સજા સંભળાવવા માટે 25 મેની તારીખ મુકરર કરી હતી. જે બાદ આજે કોર્ટે સજા સંભળાવી હતી. સજાની સુનાવણી દરમિયાન યાસિનને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ગત 19 મેના રોજ કાશ્મીરમાં હિંદુઓના નરસંહારના આરોપીઓમાંના એક યાસિન મલિકને ટેરર ફન્ડિંગ કેસમાં NIA કોર્ટે દોષી ઠેરવ્યો હતો. કોર્ટે સુનાવણી કરતા યાસિન મલિકને UAPA અને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ષડ્યંત્ર અને દેશદ્રોહના ગુનાનો દોષી ઠેરવ્યો હતો.
Terror funding case | NIA Court in Delhi awards life imprisonment to Yasin Malik. pic.twitter.com/mxwH3dhWLc
— ANI (@ANI) May 25, 2022
2017 માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અને અલગાવવાદી ગતિવિધિઓના કેસમાં કોર્ટે માર્ચ 2022 માં આરોપ નક્કી કર્યા હતા. યાસિન મલિક સહિત 15 લોકો વિરુદ્ધ UAPA હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી કરતા સ્પેશિયલ કોર્ટે ‘સુનિયોજિત ષડ્યંત્ર’ ગણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, આ ષડયંત્રના માસ્ટરમાઈન્ડ સરહદપાર પાકિસ્તાનમાં બેઠા હતા અને તમામ માસ્ટરમાઈન્ડના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા જેમનું અંતિમ લક્ષ્ય કાશ્મીરમાં રક્તપાત, હિંસા, તબાહી અને વિનાશ મચાવીને તેને ભારતથી અલગ કરવાનું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે, કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેના મૂળ લક્ષ્યને હાંસલ કરવા માટે હિંસાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. આ સાથે કોર્ટે એમ પણ નોંધ્યું કે તેનાથી ખીણમાં આતંકવાદને સમર્થન મળ્યું હતું. જે બાદ કોર્ટે યાસિન મલિક સહિત અન્ય લોકો વિરુદ્ધ આરોપ ઘડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ જ મહિનામાં યાસિન મલિકે કોર્ટમાં આતંકવાદના આરોપો કબૂલી લીધા હતા. તેણે પટિયાલા હાઉસ કોર્ટની એનઆઈએ અદાલતમાં ભૂલ સ્વીકારતા કોર્ટ સમક્ષ કાયદા હેઠળ સજા આપવાની માંગ કરી હતી. હવે કોર્ટે યાસિન મલિકને આજીવન કેદ ફટકારી છે.
કોણ છે યાસિન મલિક?
યાસીન મલિક એક આતંકવાદી છે, જે કાશ્મીર ખીણમાં હિંદુઓના નરસંહારમાં સામેલ હતો. તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો અધ્યક્ષ ઉપરાંત કટ્ટર પાકિસ્તાન સમર્થક છે. તેની ઉપર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી એ તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદના અપહરણનો પણ આરોપ છે. એટલું જ નહીં, યાસિન મલિક પર 1990 માં વાયુસેનાના ચાર અધિકારીઓની નિર્મમ હત્યાનો આરોપ પણ લાગ્યો છે.
યાસિન મલિકે JKLFના ચાર આતંકવાદીઓ સાથે મળીને ભારતીય વાયુસેનાના ચાર જવાનોમાંથી એક સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની હત્યા કરી નાંખી હતી. જોકે, કાશ્મીરી હિંદુઓના નરસંહારમાં યાસિન સીધો સામેલ હોવાનું અને આતંકીઓ સાથે સબંધ ધરાવતો હોવાનું જગજાહેર હોવા છતાં પાછલી સરકારો અને મીડિયાએ તેને હંમેશા કાશ્મીરીઓના તારણહાર તરીકે પ્રોજેક્ટ કર્યો હતો.