ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કમાં હુમલો થયા બાદ આ ઘટના અને બાંગ્લાદેશનાં લેખિકા તસ્લીમા નસરીનનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તેમની વિરુદ્ધ પણ અગાઉ ફતવા જારી કરવામાં આવી ચૂક્યા છે અને તક મળે તો તેઓ મને પણ મારી નાંખશે.
ઇન્ડિયા ટૂડે સાથે વાતચીત કરતાં તસ્લીમાએ કહ્યું કે, “એવું નથી કે મારી વિરુદ્ધ ઘણા સમય પહેલાં ફતવો જારી કરવામાં આવ્યો હોય અને હવે તેઓ ભૂલી ગયા હોય. તેઓ ક્યારેય ભૂલતા નથી. જો કોઈ તક મળે તો તેઓ મને પણ મારી નાંખશે.”
“It is not that Fatwa was issued against me long time ago and now they have forgotten it. They will never forget. They will kill me if they get any chance,” says author @taslimanasreen.#SalmanRushdie #NewYork @PoojaShali pic.twitter.com/uW4P81WLkd
— IndiaToday (@IndiaToday) August 12, 2022
આ ઉપરાંત, તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું. તસ્લીમા નસરીને કહ્યું કે, “સલમાન રશ્દી પર થયેલા હુમલાને આઘાતજનક ગણાવીને તેમણે કહ્યું હતું કે આવું થશે તેવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે કહ્યું કે, જો સલમાન રશ્દી પર હુમલો થઇ શકતો હોય તો ઇસ્લામની ટીકા કરનારા કોઈ પણ વ્યક્તિ પર હુમલો થઇ શકે છે. હું ચિંતિત છું.”
I just learned that Salman Rushdie was attacked in New York. I am really shocked. I never thought it would happen. He has been living in the West, and he has been protected since 1989. If he is attacked, anyone who is critical of Islam can be attacked. I am worried.
— taslima nasreen (@taslimanasreen) August 12, 2022
જોકે, તસ્લીમા નસરીનના આ નિવેદન બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી તેમને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી. કોઈએ નસરીનને કહ્યું હતું કે તેમની હાલત પણ એવી જ થશે તો કોઈએ સલમાન રશ્દી પર થયેલા હુમલાને યોગ્ય ગણાવ્યો હતો.
બીબીસી ન્યૂઝ હિન્દીના ફેસબુક પેજ પર તસ્લીમા નસરીનનું આ નિવેદન શૅર કરવામાં આવ્યું હતું. જેના કૉમેન્ટ સેક્શનમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તસ્લીમાને ધમકીઓ આપી હતી. વઝીર ખાન નામના એક યુઝરે લખ્યું કે, તેમની હાલત પણ એક દિવસે સલમાન રશ્દી જેવી જ થશે.
રોબિન ખાન નામના એક યુઝરે કહ્યું કે, તેઓ દુઆ કરશે કે તેમની સાથે (તસ્લીમા નસરીન) પણ આવી જ ઘટના બને.
સમીમ આલમ નામના એક યુઝરે કહ્યું કે, જે ઇસ્લામની ટીકા કરશે તેની સાથે આવું જ કરવામાં આવશે.
અલી ખાને લખ્યું હતું કે, તેમણે ઇસ્લામમાં દખલ કરવા પહેલાં વિચાર કરવો જોઈતો હતો. સાથે એમ પણ કહ્યું કે, તસ્લીમા ક્યાં સુધી બચીને રહેશે.
એક યુઝરે કહ્યું કે, તસ્લીમા બચીને રહે અને કોઈ સુરક્ષા પણ કામ નહીં આવે.
અશફાક અલી વારસી નામનો યુઝર લખે છે કે, 1988માં મોતનો ફતવો જારી થયા બાદ 2022માં હુમલો કરવામાં આવ્યો. જે પછી તસ્લીમા નસરીનને સંબોધીને કહ્યું કે, તેમણે યાદ રાખવું જોઈએ કે ‘પાપ’ની સજા જરૂર મળે છે.
એટલું જ નહીં, અમુક કટ્ટરપંથીઓએ સલમાન રશ્દી પર થયેલા હુમલાની પણ મજાક ઉડાવી હતી તો ખુશી વ્યક્ત કરી હતી. શેખ મોહમ્મદ નામના એક યુઝરે કટાક્ષ કરીને લખ્યું હતું કે, ગન કલ્ચરના માહોલમાં ચાકુનો ઉપયોગ કરવો નહતો જોઈતો.
એક યુઝરે કહ્યું કે, તેઓ સલમાન રશ્દી પર થયેલ હુમલાની નિંદા કરે છે પરંતુ સાથે આશા વ્યક્ત કરી હતી કે આવી ‘નિંદા’ કરવાના અવસર મળતા રહેશે. જેની ઉપર કેટલાકે ‘હાહા’ પણ રિએક્ટ કર્યું હતું.
મોહમ્મદ વસીમ શેખ નામના એક યુઝરે ‘ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા’નો નારો કૉમેન્ટ બોક્સમાં પોસ્ટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કના પશ્ચિમ ભાગમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. રશ્દી ભાષણ આપવા માટે જતા હતા ત્યારે હુમલાખોર કૂદીને સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી રશ્દી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. થોડી જ સેકન્ડોમાં તેણે અનેક વખત ચાકુના ઘા કર્યા હતા અને સલમાનને ગળાના ભાગે અને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેઓ ઢળી પડ્યા હતા.
સલમાન રશ્દીને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ વેન્ટીલેટર પર છે અને સર્જરી કરવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, જીવિત બચે તોપણ તેઓ એક આંખ ગુમાવી શકે છે.
સલમાન રશ્દી પર હુમલો કરનારની ઓળખ હાદી મતાર તરીકે થઇ છે. 24 વર્ષીય યુવક ન્યૂજર્સીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હુમલા બાદ સ્ટેજ પર જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસે તેને હિરાસતમાં લીધો છે અને એ જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે તેણે કયા ઉદ્દેશ્યથી આ હુમલો કર્યો હતો.
સલમાન રશ્દી વિરુદ્ધ વર્ષ 1988માં તેમના પુસ્તક ‘ધ સેટેનિક વર્સીઝ’ને લઈને ફતવો જારી કરવામાં આવ્યો હતો. જેના 30 વર્ષ બાદ તેમની ઉપર હુમલાની ઘટના બની છે.