Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલનાડુ સરકારે 38 હજાર હિંદુ મંદિરોનો વહીવટ પોતાના હાથમાં લઇ લીધો: સુપ્રીમ...

    તમિલનાડુ સરકારે 38 હજાર હિંદુ મંદિરોનો વહીવટ પોતાના હાથમાં લઇ લીધો: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

    અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે રાજ્ય સરકાર કોઈ પણ વ્યાજબી કારણ વગર અણઘડ વહીવટ કરી અનેક મંદિરો પર નિયંત્રણ જમાવી રહી છે. 

    - Advertisement -

    તમિલનાડુ રાજ્ય સરકાર પર 38 હજાર જેટલાં હિંદુ મંદિરોનું સંચાલન પોતાના હસ્તક કરવાનો આરોપ લાગ્યો છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં કોર્ટે એક નોટિસ પાઠવીને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે કાર્યકારી અધિકારીઓ નિયુક્ત કરીને લગભગ 38000 મંદિરોનો વહીવટ અપ્રત્યક્ષ રીતે પોતાના હાથમાં લઇ લીધો હતો. 

    મંદિરોનો વહીવટ તમિલનાડુ સરકારે પોતાના હાથમાં લેવાનો મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચતાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે 13 ડિસેમ્બરના રોજ મામલાની સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે આ મામલે તમિલનાડુ સરકાર પાસેથી જવાબ માંગીને સુનાવણીની આગલી તારીખ મુકરર કરી છે.  

    આ અરજી ‘ઈન્ડિક કલેક્ટિવ ટ્રસ્ટ’ દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં મદ્રાસ હાઇકોર્ટના એક નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કાર્યકારી અધિકારીઓની નિયુક્તિ માટેના નિયમો હેઠળ વધુમાં વધુ પાંચ વર્ષ સુધી અધિકારીને નીમી શકાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓને નિમણૂંક આદેશમાં કોઈ પણ શરત જણાવ્યા વગર અનિશ્ચિતકાળ માટે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    અરજીમાં કહેવામાં આવ્યું કે, ‘મંદિરોના સંચાલનને આ રીતે હડપી લેવું એ યોગ્ય નથી. અન્ય કેસોમાં કોર્ટ સ્પષ્ટ રીતે જણાવી ચૂકી છે કે મામલાનું સમાધાન થતાં જ મંદિરનું સંચાલન સબંધિત વ્યક્તિને સોંપી દેવામાં આવે અને આમ ન થાય તો એ બંધારણ દ્વારા અપાતા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહેવાશે.’ 

    અરજીમાં કાર્યકારી અધિકારીઓ દ્વારા મંદિરોનાં સંચાલનમાં ગેરવહીવટનાં ઉદાહરણો ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આવા અધિકારીઓને કરોડો રૂપિયાનો વહીવટ અને સબંધિત નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે જે મંદિરના દેવતા અને ભક્તોના હિતની વિરુદ્ધ છે. 

    અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે, એકદમ ઓછી આવકવાળા મંદિરોમાં પણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે, જ્યાં ગેરવહીવટ થવાની તકો સૌથી વધુ છે. જે દર્શાવે છે કે સરકાર કોઈ પણ વ્યાજબી કારણ વગર અણઘડ વહીવટ કરી અનેક મંદિરો પર નિયંત્રણ જમાવી રહી છે. 

    કોર્ટને જણાવવામાં આવ્યું કે, છેલ્લાં 70 વર્ષોમાં તમિલનાડુમાં હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ બંદોબસ્ત વિભાગે મંદિરનું સંચાલન હાથમાં લીધા બાદ ફરી તેને ટ્રસ્ટી કે સબંધિત સમુદાયને સોંપી દીધો હોય. આ ઉપરાંત, અરજદાર પક્ષેથી વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરીને જણાવ્યું હતું કે, સરકારના અધિકારીઓ ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનથી બનેલા ભંડોળને પણ ડાયવર્ટ કર્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં