Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણવડાપ્રધાન નક્કી થયા, હવે મંત્રીઓ નક્કી કરાશે: NDAની સહયોગી પાર્ટીઓને 15 મંત્રાલયો-વિભાગો...

    વડાપ્રધાન નક્કી થયા, હવે મંત્રીઓ નક્કી કરાશે: NDAની સહયોગી પાર્ટીઓને 15 મંત્રાલયો-વિભાગો મળી શકે તેવો રિપોર્ટમાં દાવો, મુખ્ય ચાર મંત્રાલયો ભાજપ પોતાની પાસે જ રાખશે

    મુખ્ય ચાર મંત્રાલયો ભાજપ પોતાની પાસે જ રાખવા માંગે છે. જેમાં ગૃહ, વિદેશ, રક્ષા અને નાણા મંત્રાલયનો સમાવેશ થાય છે. સાથે રેલ્વે, માર્ગ-પરિવહન, કાયદા મંત્રાલય, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને શિક્ષણ વગેરે જેવાં મહત્વનાં મંત્રાલયો પણ ભાજપ પાસે જ રહે તેવી શક્યતાઓ છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી બાદ હવે નવી સરકાર બનાવવા માટે તૈયારીઓ શરૂ થઈ છે. NDA સંસદીય દળના નેતા ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો. રાષ્ટ્રપતિએ તેમને આગામી 9 જૂનના રોજ શપથગ્રહણ માટે નિમંત્રણ પાઠવ્યું છે. હવે તૈયારીઓ શરૂ થઈ છે મંત્રાલયો નક્કી કરવા માટે. મોદી સરકાર 3.0 કેવી હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો NDA સરકારમાં 15 મંત્રાલયો ભાજપ સિવાયની પાર્ટીઓને મળી શકે છે. જેમાંથી અમુક કેબિનેટ મંત્રાલયો હશે અને બાકીના રાજ્ય કક્ષાના કારભાર. અમુક સ્વતંત્ર હવાલો ધરાવતા વિભાગો પણ આ NDA સાથીઓ પાસે જશે. જોકે, આ અટકળો અને ચર્ચાઓ છે. 

    ન્યૂઝ18ના એક રિપોર્ટ અનુસાર, મુખ્ય ચાર મંત્રાલયો ભાજપ પોતાની પાસે જ રાખવા માંગે છે. જેમાં ગૃહ, વિદેશ, રક્ષા અને નાણા મંત્રાલયનો સમાવેશ થાય છે. સાથે રેલ્વે, માર્ગ-પરિવહન, કાયદા મંત્રાલય, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને શિક્ષણ વગેરે જેવાં મહત્વનાં મંત્રાલયો પણ ભાજપ પાસે જ રહે તેવી શક્યતાઓ છે. અગાઉની બંને સરકારોમાં આ મંત્રાલયો ભાજપે જ રાખ્યાં હતાં અને ત્રીજી ટર્મમાં પણ એમ જ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 

    - Advertisement -

    જોકે, આ વખતે ફેર એ છે કે પાછલી બંને વખતની જેમ આ વખતે ભાજપ પાસે પૂર્ણ બહુમત નથી. જેથી સહયોગી પાર્ટીઓને પણ મંત્રાલયમાં મહત્વનાં સ્થાન મળશે. જોકે, ગત બંને ટર્મમાં પણ ભાજપ પાસે બહુમતી હોવા છતાં NDA પાર્ટીઓને સરકારમાં સ્થાન આપવામાં આવ્યું જ હતું. 

    મીડિયા રિપોર્ટ અનુસાર, 16 લોકસભા બેઠકો ધરાવતી NDAની બીજી સૌથી મોટી પાર્ટી TDPને મંત્રીમંડળમાં ત્રણ મંત્રાલય મળી શકે છે. જેમાંથી 1 કેબિનેટ મંત્રાલય હશે અને બાકીનાં 2 રાજ્ય કક્ષાનાં. નોંધવું જોઈએ કે 2018માં TDPએ જ્યારે NDA છોડ્યું હતું ત્યારે પણ તેની પાસે મોદી સરકારમાં 1 કેબિનેટ મંત્રી અને એક રાજ્ય કક્ષાના મંત્રી હતા. તે સમયે પણ TDPની 16 બેઠકો જ હતી. 

    NDAની બીજી મોટી પાર્ટી JDUને પણ મંત્રાલયમાં ત્રણ બર્થ મળી શકે, જેમાંથી એક કેબિનેટ કક્ષાનું હશે. જ્યારે અન્ય 2 રાજ્ય કક્ષાના મંત્રીઓ બનાવવામાં આવી શકે. JDUએ આ ચૂંટણીમાં 12 બેઠકો જીતી છે. પાર્ટી રેલવે, કૃષિ અને ગ્રામવિકાસ આ ત્રણ મંત્રાલયોમાંથી કોઇ એક માંગી શકે એવું અહેવાલો જણાવી રહ્યા છે. નોંધવું જોઈએ કે JDU પ્રમુખ અને હાલ બિહાર સીએમ નીતીશ કુમાર અગાઉ રેલવે મંત્રી રહી ચૂક્યા છે. 

    શિવસેના-LJPને પણ મળશે સ્થાન

    7 બેઠકો ધરાવતી શિવસેનાને પણ મોદી સરકાર 3.0માં એક કેબિનેટ પોસ્ટ મળી શકે અને રાજ્ય કક્ષાના મંત્રી પણ બનાવવામાં આવી શકે. આ જ રીતે ચિરાગ પાસવાનની LJPને પણ એક કેબિનેટ અને એક MoS પોસ્ટ આપવામાં આવી શકે. પવન કલ્યાણની જનસેના અને જયંત ચૌધરીની RLDને કેબિનેટ મંત્રાલય અથવા તો સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના મંત્રીની ઓફર થઈ શકે. અપના દલનાં અનુપ્રિયા પટેલ અને HAMના જીતનરામ માંઝી પણ એક-એક બેઠકો જીતીને આવ્યાં છે, તેમને પણ મંત્રાલયમાં સ્થાન આપવામાં આવશે તે નક્કી છે. આ સિવાય, અજીત પવારની NCPને પણ સરકારમાં એક પોસ્ટ આપવામાં આવશે. 

    સાથી પાર્ટીઓ માટે મંત્રાલયો બાબતે ચર્ચા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંઘ કરી રહ્યા છે. આ 2 દિવસમાં તમામ પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરીને નામો નક્કી કરવામાં આવશે. જેઓ 9 જૂનના રોજ મંત્રીપદના શપથ લેશે. 

    આમ તો જોકે નરેન્દ્ર મોદીએ જૂના સંસદ ભવનમાં NDA સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે તેઓ બ્રેકિંગ ન્યૂઝ પર આધારિત ન રહે અને કોઇ મંત્રાલય નક્કી કરવા માટે ફોન કરે તો પહેલાં ચકાસે. તેમનો સ્પષ્ટ સંકેત હતો કે પાર્ટીઓ યોગ્યતાના આધારે સાંસદોને મંત્રાલયમાં સ્થાન આપશે પરંતુ લોબિંગ ચલાવી લેવામાં નહીં આવે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં