Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાઆતંકના રાજમાં મહિલાઓના શણગાર સજવા પર પણ રોક: અફઘાનિસ્તાનમાં તાલિબાને બ્યુટી પાર્લરો...

    આતંકના રાજમાં મહિલાઓના શણગાર સજવા પર પણ રોક: અફઘાનિસ્તાનમાં તાલિબાને બ્યુટી પાર્લરો પર પ્રતિબંધ લગાવ્યો, આ પહેલાથી ભણવા-નોકરી કરવા પર છે પાબંધી

    નવા તાલીબાની ફરમાનની આલોચનાઓ થવાની પણ શરુ થઈ ગઈ છે. બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને આ આદેશથી ભારે અસંતોષ છે.

    - Advertisement -

    અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના કબ્જા બાદ મહિલાઓની સ્થિતિ કઈ હદે કથળી છે તે જગ જાહેર છે. શાળા કૉલેજોમાં અભ્યાસ અને સરકારી કચેરીઓમાં મહિલાઓ પર પ્રતિબંધ બાદ હવે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં બ્યુટી પાર્લરો પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપવામાં આવતા ફરી એક વાર તેમની મહિલા વિરોધી માનસિકતા ઉઘાડી પડી છે.

    મીડિયા અહેવાલો અનુસાર તાલિબાન સરકારના સદાચાર મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ આફિક મહાજર દ્વારા અફઘાનિસ્તાનમાં બ્યુટી પાર્લરો પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કાબુલ અને દેશના અન્ય ભાગોમાં ચાલતા મહિલાઓના બ્યુટી પાર્લર પર પ્રતિબંધ લાદવાનું મૌખિક ફરમાન આપ્યું હતું. આ સાથે જ મહિલાઓને આપવામાં આવેલા બ્યુટી સલુનના લાઇસન્સ પણ રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ફરમાન બાદ તમામ નગરપાલિકાઓને આ આદેશનું પાલન કરવાના સૂચનો આપવામાં આવ્યા છે.

    તો બીજી તરફ આ નવા તાલિબાની ફરમાનની આલોચનાઓ થવાની પણ શરુ થઈ ગઈ છે. બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને આ આદેશથી ભારે અસંતોષ છે. મીડિયા અહેવાલો મુજબ રેહાન મુબરીઝે આ મામલે કહ્યું હતું કે, “પુરુષો બેરોજગાર છે અને તેઓ પરિવારની સારસંભાળ રાખવા સક્ષમ નથી. જેના કારણે મહિલાઓને મજબુરીમાં બ્યુટી પાર્લરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. જો તેના પર પણ પ્રતિબંધ લાગી જશે તો અમે શું કરીશું?”

    - Advertisement -

    અન્ય એક બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાએ જણાવ્યું હતું કે, “જો પરિવારના પુરુષો પાસે નોકરી હશે તો અમારે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે, પણ તેઓ કમાવવા સક્ષમ નથી અને હવે અમારા બ્યુટી પાર્લરમાં કામ કરવા પર પ્રતિબંધ નાખીને તાલિબાન અમને ભૂખ્યા મારી નાખવા માંગે છે.

    ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2021માં અમેરિકન અને નાટો સૈન્ય જયારે અફઘાનિસ્તાન છોડીને ચાલ્યું ગયું ત્યાર બાદથી તાલિબાનીઓએ દેશ પર કબજો જમાવીને સત્તા સ્થાપી છે. ત્યાર બાદથી જ તેણે મહિલાઓ પર પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાં છોકરીઓ અને મહિલાઓના સ્કુલ-કોલેજ જવા પર અને ગેર-સરકારી સંગઠનોમાં કામ કરવા સાથે સાથે સિનેમા, મનોરંજન ક્ષેત્રો અને અન્ય સાર્વજનિક જગ્યાઓ પર કામ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં