સ્વિટ્ઝર્લેન્ડની સરકાર હવે દેશભરમાં બુરખા પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. જે નિયમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં મૂકાશે. ત્યારબાદ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 2021માં એક જનમત બાદ નિયમને મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેના અમલીકરણની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. ઘણાં મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે.
ફેડરલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ નિયત તારીખથી (1 જાન્યુઆરી, 2025) અમલમાં આવશે અને તેનો ભંગ કરવા પર 1,000 સ્વિસ ફ્રેંક અથવા લગભગ $1,144 (₹96,525) સુધીનો દંડ થઈ શકે છે. 51.2% સ્વિસ મતદારોએ પ્રતિબંધની તરફેણમાં મતદાન કર્યું હતું. આ મતદાનની પ્રક્રિયા એ જ જૂથ દ્વારા હાથ ધરવામાં આવી આવી હતી જે જૂથે વર્ષ 2009માં સ્વિટ્ઝર્લેન્ડમાં નવા મિનારાઓનું નિર્માણ અટકાવ્યું હતું.
A new Swiss law banning face coverings in public, colloquially known as the Burqa Ban, will take effect from January 1, 2025. The law was passed in a referendum in 2021, and punishes wearing a face covering in public with an up to 1,000 franc ($1,141) fine. pic.twitter.com/Mts8MXlLfK
— RT (@RT_com) November 7, 2024
જોકે સ્વિસ સરકારે ચહેરો ઢાંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી અને અમુક ચોક્કસ સ્થાનો અને પરિસ્થિતિઓમાં ચહેરો ઢાંકવાની અનુમતિ પણ આપવામાં આવી છે. પરંતુ જાહેર સ્થળોએ પ્રતિબંધો લાગુ રહેશે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે એરક્રાફ્ટ અથવા રાજદ્વારી અને કોન્સ્યુલર બિલ્ડિંગમાં આ નિયમો લાગુ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, પ્રાર્થના કે મઝહબી સ્થળોએ પણ આ નિયમના અમલમાંથી છૂટ આપવામાં આવી છે.
આ સિવાય અન્ય અમુક ચોક્કસ કારણો, સ્વાસ્થ્ય અને સલામતી અથવા હવામાન સંબંધિત કારણોસર અને જાહેરાત, સર્જનાત્મક અથવા મનોરંજન હેતુઓ માટે પણ નિયમ છૂટછાટ આપવામાં આવશે. જો યોગ્ય સત્તાધિકારી પૂર્વમંજૂરી આપે અને જાહેર વ્યવસ્થા જાળવવામાં આવે તો વ્યક્તિગત સુરક્ષા માટે પણ ચહેરાને ઢાંકવાની પરવાનગી આપવામાં આવી શકે છે તેમ સરકારે જણાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો
ગત વર્ષે સપ્ટેમ્બરના સ્વિટ્ઝર્લેન્ડની સંસદના નીચલા ગૃહે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. નેશનલ કાઉન્સિલે આ ખરડાને 151-29 મતોથી મંજૂરી આપી હતી.
તે પહેલાં વર્ષ 2021માં દેશભરમાં જનમતસંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં સ્વિસ મતદારોએ પ્રતિબંધોની તરફેણમાં મતદાન કર્યું હતું અને નકાબ-બુરખા વગેરે પર પ્રતિબંધ ઉકવાની માંગ કરી હતી. પછીથી નીચલા ગૃહે કાયદો બનાવ્યો અને તેમાં નિયમ તોડવા પર 1100 ડોલરના દંડની જોગવાઈ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં બંધારણીય સુધારાના પ્રસ્તાવ માટે 1 લાખ સહીની જરૂર પડે છે, જ્યારે 50 હજાર હસ્તાક્ષર પર સંસદના કાયદા પર જનમત સંગ્રહ કરી શકાય છે. એક વખત જનમત શરૂ થયા બાદ આખા દેશનો મત લેવામાં આવે છે.