Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરેશ રૈના હવે IPLમાં પણ નહીં રમે; મહેન્દ્ર સિંહ ધોની બાદ CSKના...

    સુરેશ રૈના હવે IPLમાં પણ નહીં રમે; મહેન્દ્ર સિંહ ધોની બાદ CSKના સહુથી સફળ ખેલાડીએ ભવિષ્યની યોજના જાહેર કરી

    ભારત અને CSKના પૂર્વ ખેલાડી સુરેશ રૈના હવે IPL પણ નહીં રમે. તેમણે એક અખબારને કહ્યું છે કે તેઓ હજી કેટલાક વર્ષ ક્રિકેટ રમવા માંગે છે.

    - Advertisement -

    ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના હવે IPLમાં પણ રમતા જોવા નહીં મળે. દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર સુરેશ રૈનાએ ફક્ત IPL જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સર્કીટને પણ અલવિદા કરી દીધી છે. જો કે સુરેશ રૈનાએ ક્રિકેટ રમવામાંથી સંપૂર્ણ નિવૃત્તિ નથી લીધી, તેમણે પોતાની ભવિષ્યની યોજના પણ જાહેર કરી છે.

    સુરેશ રૈનાના કહેવા અનુસાર તેઓ હવે ફક્ત વિદેશી T20 લિગ્સમાં રમતાં જોવા મળશે. સુરેશ રૈના આગામી દિવસોમાં સાઉથ આફ્રિકાની નવી T20 લીગ, શ્રીલંકન લીગ, યુએઈની નવી T20 લીગ જેવી અંતરરાષ્ટ્રીય લીગમાં રમતા જોવા મળી શકે છે.

    એક સમાચાર અનુસાર રૈનાએ ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોશિયેશન પાસેથી ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા માટે જરૂરી એવું NOC લઇ લીધું છે જેથી ઉપરોક્ત લિગ્સમાં રમવા આડે રહેલાં વિઘ્નો દૂર થાય. સુરેશ રૈનાના કહેવા અનુસાર તેણે પોતાના આ નિર્ણય અંગે BCCI સેક્રેટરી જય શાહ તેમજ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને જાણ કરી દીધી છે.

    - Advertisement -

    સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સ એટલેકે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બાદ ફ્રેન્ચાઇઝીના સહુથી સફળ ખેલાડી રહ્યા છે. તેમના દેખાવને ધ્યાનમાં લઈને જ સુરેશ રૈનાને IPLના ‘મિસ્ટર ક્રિકેટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક સમય એવો હતો જ્યારે સુરેશ રૈના CSK તરફથી તમામ મેચો રમી ચુક્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈનાએ ઘણી વખત CSKનું નેતૃત્વ પણ કર્યું હતું.

    15 ઓગસ્ટ 2020ના દિવસે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વિદાય આપી તેના એક જ કલાક બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.

    જો કે સુરેશ રૈના 10 સપ્ટેમ્બરથી ભારતમાં જ શરુ થતી રોડ સેફ્ટી સિરીઝમાં હિસ્સો લેશે. આ ટુર્નામેન્ટમાં સચિન તેંદુલકર અને કેવિન પીટરસન જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેતા હોય છે. સુરેશ રૈનાએ BCCIનો પણ આભાર માન્યો હતો. તેમણે એવી ઈચ્છા જાહેર કરી હતી કે તેઓ હજી બીજા બે થી ત્રણ વર્ષ ક્રિકેટ રમવા માંગે છે.

    સુરેશ રૈનાએ ભારત તરફથી રમતા 226 વનડે ઇન્ટરનેશનલમાં 5સેન્ચુરી, 36 હાફ સેન્ચુરી સાથે કુલ 5615 રન બનાવ્યા છે. રૈના 2011માં વર્લ્ડ કપ વિજેતા બનેલી ભારતીય ટીમનો પણ હિસ્સો હતા. આ ઉપરાંત તેમણે 18 ટેસ્ટમાં 768 રન અને T20Iમાં 78 મેચોમાં 1 સેન્ચુરી અને 5 અડધી સેન્ચુરી સાથે 1605 રન બનાવ્યા છે.

    જ્યારે IPLની 205 મેચો રમનાર સુરેશ રૈના ગત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રીટેઇન કરવામાં ન આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં રૈનાએ 5528 રન બનાવ્યા છે.

    થોડા સમય અગાઉ જ સુરેશ રૈનાએ ઉપરોક્ત ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં