સુરત (Surat) શહેરમાં એક જર્જરિત મકાન (Building Collapsed) તૂટી પડવાની ઘટના બની છે, જેમાં અમુકને ઈજા પહોંચી છે. ઘટના બાદ ફાયર વિભાગ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનામાં અમુક લોકોને ઈજા પહોંચી હોવાનું કહેવાય છે, બીજી તરફ ત્રણથી ચાર લોકો હજુ દબાયા હોવાની આશંકા છે. ઘટના બની તે સમયે એક જ ફ્લેટમાં માણસો હતા, તેથી વધુ જાનહાનિ થઈ નથી.
ઘટના સુરતના પાલી ગામના સચિન વિસ્તારની છે. અહીં એક છ માળની ઈમારત તૂટી પડી હતી. બિલ્ડિંગમાં ચારથી પાંચ ફ્લેટ ખુલ્લા હતા, જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવાર રહેતા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ઇમારત ધસી પડી. તે સમયે નાઇટ શિફ્ટમાં કામ કરનારા અમુક પોતાના ફ્લેટમાં હાજર હતા, જેઓ દબાયા હોવાની આશંકા છે. હાલ રાહત-બચાવકાર્ય ચાલી રહ્યું છે.
જાણકારી મળતાં જ સુરત કલેક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોત, ચોર્યાસી ધારાસભ્ય સંદીપ પટેલ, મેયર દક્ષેશ માવાણીથી માંડીને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બીજી તરફ, ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતાં તેમણે આવીને રેસ્ક્યુ શરૂ કર્યું હતું. શરૂઆતના ઑપરેશનમાં એક મહિલાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેને હાલ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
#WATCH | Gujarat: A Four-floor building collapsed in Sachin area of Surat. Many people feared trapped. Police and fire department team at the spot. Rescue operations underway
— ANI (@ANI) July 6, 2024
Dr Sourabh Pardhi, Collector, Surat says, "A six-storey building collapsed and 4-5 people are feared… pic.twitter.com/ICaGrm00QV
સર્ચ ઑપરેશન દરમિયાન લાઇવ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે હજુ ત્રણથી ચાર લોકો ફસાયા હોવાની આશંકા છે, જેમના રેસ્ક્યુ માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, મદદ માટે NDRF અને SDRFની ટીમો પણ બોલાવવામાં આવી છે.
સુરત CP અનુપમ સિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, “પોલીસને જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી. એક મહિલાને સહીસલામત કાઢવામાં આવી છે. અહીંના ચોકીદાર તરફથી જાણવા મળ્યું છે કે અહીં ચાર-પાંચ જ ફ્લેટ ખુલ્લા હતા અને ઘટના બની ત્યારે બાકીના મજૂરી કામે બહાર ગયા હતા અને એક જ પરિવાર હાજર હતો. હજુ અમુક ફસાયા હોવાની આશંકા છે. હાલ અમે ઝડપથી રેસ્ક્યુ પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ.
વધુ જાણકારી અનુસાર, ઈમારતનું બાંધકામ 2017માં થયું હતું. જર્જરિત હોવાના કારણે તેના માલિકોને પાલિકા તરફથી નોટિસ પણ આપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. છતાં અહીં અમુક શ્રમિક પરિવારો ભાડેથી રહેતા હતા. વધુ વિગતો પોલીસની અને પાલિકાની તપાસ બાદ જ સામે આવી શકશે.