સુરતમાં અશાંતધારા માટે લડત ચલાવતા એક કાર્યકર્તા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ તેમને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી દીધા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતા બિપેશ શાહ વ્યવસાયે અનાજના વેપારી છે અને શહેરના રૂદરપુરા વિસ્તારમાં અનાજની દુકાન ચલાવે છે. આ ઉપરાંત, તેઓ ઘણા સમયથી અશાંતધારા મુદ્દે લઈને પણ લડત ચલાવી રહ્યા છે અને આ માટે બનાવવામાં આવેલી એક સમિતિના પ્રમુખ છે. ગુરૂવારે (27 જુલાઈ, 2023) સવારે તેઓ નિત્યક્રમ મુજબ દુકાન પર પહોંચ્યા અને વાહન બહાર પાર્ક કર્યું ત્યારે જ એક અજાણ્યા યુવકે આવીને ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને ઉપરાછાપરી ચાર-પાંચ ઘા મારી દીધા હતા. બિપેશ શાહે બચાવમાં ડાબો હાથ ઉપર કરી દેતાં હાથ પર બે ઘા વાગ્યા હતા, જ્યારે એક ઘા પેટની સાઈડમાં વાગી ગયો હતો. હુમલો થતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, હુમલાખોર ભાગી છૂટ્યો હતો.
બિપેશ શાહ પર હુમલો થયાની જાણકારી મળતાં જ સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ અને કેયુર ચપટવાળા નવી સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ બનાવની જાણ કરી હતી. જાણવા મળ્યા અનુસાર, ગૃહમંત્રીએ તાત્કાલિક આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને મહિધરપુરા પોલીસને કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. આદેશ બાદ પોલીસ પણ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.
દબાણ હટાવવા માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા
રિપોર્ટ અનુસાર, ઈજાગ્રસ્ત બિપેશ શાહે જણાવ્યું હતું કે, મહોલ્લામાં લગભગ 15થી 20 વર્ષ જૂનું એક મુસ્લિમ વ્યક્તિનું દબાણ હતું અને તેઓ ઘણા સમયથી તેની સામે લડત ચલાવી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં જ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની અદાવતમાં જ આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે.
હત્યાના ઈરાદાથી હુમલો કરાયો: વ્રજેશ ઉનડકટ
નવી સિવિલ હોસ્પિટલ પહોંચેલા કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે મીડિયાને જણાવ્યું કે, “બિપેશભાઈ શાહ ઉપર આજે એક વિધર્મી યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તેઓ એક સામાજિક કાર્યકર છે, અશાંતધારા માટે લડતા આવ્યા છે સાથે ગોપીપુરાના જૈન દેરાસરના ટ્રસ્ટી પણ છે. આજે સવારે તેઓ દુકાન પર જઈ રહ્યા હતા ત્યારે ગાડી પાર્ક કરીને જેવા ઉતર્યા કે તરત જ એક વિધર્મી દ્વારા ચપ્પુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમને જાણ થતાં જ અમે સૌ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. અત્યારે તેમના એક્સ રે અને MRI વગેરે કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.”
તેમણે ઉમેર્યું કે, અમે તરત જ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મહિધરપુરા પોલીસ મથકને જાણ કરી હતી અને પોલીસે પણ તાત્કાલિક એક્શનમાં આવીને યુવકને પકડવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે અને સાથે ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યા છે.
વ્રજેશ ઉનડકટના જણાવ્યા અનુસાર, તેમની દુકાનની આસપાસ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યું હતું. આ માટે મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરી શકાય છે. તેમણે કહ્યું, “કોઈ વ્યક્તિ દુકાન ચલાવતો હોય અને તેની આસપાસ અસહ્ય પ્રમાણમાં દબાણ થતું હોય તો તે ચલાવી ન લે. હત્યાના બદઈરાદાથી તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો. અમે ગૃહમંત્રીને રજૂઆત કરી છે અને તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. પોલીસ ગુનેગારને શોધવા નીકળી ગઈ છે અને ટૂંક સમયમાં તેને જેલના સળિયા ગણતો કરવામાં આવશે.”