Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં ઘૂસી જઈને હોબાળો કર્યો, જાનથી મારી નાંખવાની ધમકી...

    સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં ઘૂસી જઈને હોબાળો કર્યો, જાનથી મારી નાંખવાની ધમકી આપી: સુરતના AAP નેતા સામે FIR, બેગમાંથી ચપ્પુ મળી આવ્યું 

    ઓફિસમાં જઈને પણ તેણે અધિકારી સાથે ગેરવર્તન કર્યું હોવાનું અને ઊંચા અવાજમાં વાત કરીને ટેબલ પર હાથ પછાડીને તકરાર કરવા પર ઉતરી આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના એક નેતા સામે સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં ઘૂસી જઈને ધમાલ કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. મેડિકલ અધિકારીએ ખટોદરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી, ત્યારબાદ પોલીસે AAP નેતા સામે ગુનો દાખલ કર્યો હતો. 

    આરોપીની ઓળખ જયેશ ગુર્જર તરીકે થઇ છે. તે સુરત શહેર આમ આદમી પાર્ટીનો (AAP) યુવા મોરચાનો ઉપપ્રમુખ છે તેમજ આરટીઆઈ ‘એક્ટિવિસ્ટ’ હોવાનું પણ કહેવાય છે. શુક્રવારે (19 મે, 2023) તેણે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં ઘૂસી જઈને વિડીયો ઉતારીને માથાકૂટ કરી હતી તેમજ હાજર સિક્યુરિટી ગાર્ડનો કોલર પકડી લઈને ધક્કા-મુક્કી કરી હતી. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. તે જે બેગ મૂકીને ગયો તેમાંથી એક ચપ્પુ પણ મળી આવ્યું હતું. હાલ તેની સામે FIR નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.

    FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે 12:20 વાગ્યાના અરસામાં જયેશ ગુર્જર RTI અપીલના કામે અન્ય ત્રણેક ઈસમોને લઈને તેમની ઓફિસે આવ્યો હતો અને RTIના નામે સિક્યુરિટી ગાર્ડની વ્યક્તિગત માહિતી માંગી હતી અને સાથે મોબાઈલમાં વિડીયો ઉતારવાનું પણ શરૂ કરી દીધું હતું. 

    - Advertisement -

    તે ચેમ્બરમાં પ્રવેશ કરવા જતાં સિક્યુરિટી ગાર્ડે એક જ વ્યક્તિને જવાનું કહીને વિડીયો રેકોર્ડિંગ બંધ કરવાનું કહેતાં જયેશ ગુર્જર ઉશ્કેરાઈ ગયો હતો અને ‘વિડીયો બંધ નહીં કરું અને બધા જ ઓફિસમાં આવીશું’ તેમ કહીને ગાર્ડનો કોલર પકડીને ધક્કો મારીને ઓફિસમાં ધસી આવ્યો હતો. 

    ઓફિસમાં જઈને પણ તેણે અધિકારી સાથે ગેરવર્તન કર્યું હોવાનું અને ઊંચા અવાજમાં વાત કરીને ટેબલ પર હાથ પછાડીને તકરાર કરવા પર ઉતરી આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ અધિકારી સિવિલની નિયમિત વિઝીટ માટે નીકળતાં જયેશ પાછળ-પાછળ આવ્યો હતો અને વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, જયેશે પાછળથી તેમને ગાળો આપીને ‘મારુ કામ સરખી રીતે નહીં કરો તો જીવવા નહીં દઉં’ તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. 

    અધિકારી વિઝીટ પરથી પરત ફરતાં તેમને ઓફિસની બહાર એક બેગ મળી આવ્યું હતું, જે જયેશ મૂકી ગયો હતો. તેમાં ચેક કરતાં તેમને એક ચપ્પુ અને કમર બેલ્ટ મળી આવ્યો હતો, જે પોલીસને સોંપવામાં આવ્યાં છે. 

    ફરિયાદના આધારે ખટોદરા પોલીસે જયેશ ગુર્જર સામે IPCની કલમ 323, 186, 504, 506(2) અને GPAની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં