Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવતાંની સાથે જ સુરત AAPમાં ગાબડું: વધુ 6...

    અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવતાંની સાથે જ સુરત AAPમાં ગાબડું: વધુ 6 કોર્પોરેટરો ગૃહ મંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા

    પોતાના નેતાઓને સાચવવામાં નિષ્ફળ નીવડેલી આમ આદમી પાર્ટીએ હવે ભાજપ પર કોર્પોરેટરોને મોટી રકમથી ખરીદવાના આરોપ લગાવ્યાં છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીની હાલત ‘બાર સાંધે, ત્યાં તેર તૂટે’ જેવી છે. એક તરફ પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કાંડ બાબતે CBIનું તેડું આવ્યું છે, તો બીજી તરફ ગઈ કાલે ગૃહમંત્રીની હાજરીમાં સુરત AAPના 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હોવાની ખબરે પાર્ટીની ઊંઘ હરામ કરી નાંખી છે. આ 6 કોર્પોરેટર સાથે તાજેતરમાં પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં સામેલ થવા વાળા આમ આદમી પાર્ટીના કાઉન્સીલરોનો આંકડો હવે 10ને આંબી ગયો છે.

    મળતા અહેવાલો અનુસાર ગઈકાલે રાત્રે (14 એપ્રિલ 2023) 11 વાગ્યે ઉધના પાર્ટી કાર્યાલય ખાતે ગૃહમંત્રીની હાજરીમાં સુરત AAPના 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. તમામ કોર્પોરેટરોએ ભાજપની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીને છેલ્લા રામ રામ કર્યા હતા. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા તથા ગુજરાત રાજ્યને બદનામ કરવાનો કોઈ મોકો આમ આદમી પાર્ટી ચૂકતી નથી. ત્યારે દેશના વિકાસમાં અને રાજ્યના વિકાસમાં આગળ વધવા અને સાથ આપવા આમ આદમી પાર્ટી છોડીને કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ભાજપ સતત આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત શહેરના ચૂંટાયેલા લોકોને AAPની નીતિ માફક ન આવતા તેઓ ભાજપમાં જોડાયા છે.

    કોણે કોણે છોડી પાર્ટી?

    AAPમાંથી રાજીનામું આપનારા કોર્પોરેટરમાં સ્વાતિબેન કયાડા (વોર્ડ નંબર 17), નિરાલીબેન પટેલ (વોર્ટ નંબર 05), ધર્મેન્દ્રભાઈ વાવલિયા (વોર્ડ નંબર 04), અશોકભાઈ ધામી (વોર્ડ નંબર 05), કિરણભાઈ ખોખાણી (વોર્ડ નંબર 05) તથા ઘનશ્યામભાઈ મકવાણા (વોર્ટ નંબર 04)નો સમાવેશ થાય છે.

    - Advertisement -

    આ પહેલા પાર્ટી છોડનાર કોર્પોરેટરમાં ઋતા કેયુર કકડીયા (વોર્ટ નંબર 3), ભાવના ચીમન સોલંકી(વોર્ડ નંબર 2), વિપુલ ધીરુભાઈ મોવલિયા (વોર્ડ નંબર 16) અને જ્યોતિકા લાઠીયા (વોર્ડ નંબર 8) નો સમાવેશ થાય છે, આમ કુલ 10 AAP કોર્પોરેટરોએ પાર્ટી સાથે છેડો ફાડયો છે.

    તો બીજી તરફ પોતાના નેતાઓને સાચવવામાં નિષ્ફળ નીવડેલી આમ આદમી પાર્ટીએ હવે ભાજપ પર કોર્પોરેટરોને મોટી રકમથી ખરીદવાના આરોપ લગાવ્યાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આક્ષેપ કર્યો કે, “અમારા કોર્પોરેટરોને 50 થી 75 લાખ રૂપિયા આપીને ખરીદી લીધા છે. શિક્ષણમંત્રીના બંગલામાં આ કોર્પોરેટરો ગયા હતા અને ત્યાં જ ષડયંત્ર રચાયું અને અમારા ઘણા કોર્પોરેટરોને ડરાવી ધમકાવીને લઈ ગયા છે.”

    જ્યારે તેમની વાતનું ખંડન કરતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, “ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર મિત્રોએ સુરતના વિકાસના હેતુસર આમ આદમી પાર્ટીમાં તેઓએ શાસન જોયુ, તેમના વિચારો જોયા અને ભાજપના વિકાસની યાત્રા જોઈ. આ બન્ને વચ્ચે સામ્યતા કરી ત્યારે તેઓએ ભાજપની વિકાસ યાત્રાને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છે. કોર્પોરેટર ખરીદાતા હોય તો ત્યારે જ ન ખરીદી શકાય જયારે ચૂંટણી હતી?. ભાજપની વિચારધારાને સમર્પિત આ સમાજસેવકો છે અને એટલે તેઓ ભાજપમાં જોડાયા છે.”

    અરવિંદ કેજરીવાલને CBIનું તેડું

    ઉલ્લેખનીય છે કે દિલ્હીની એક્સાઇઝ પોલિસી મામલેની તપાસ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. કેસની તપાસ કરતી એજન્સીઓ પૈકીની એક CBIએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, CBIએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવીને આગામી 16 એપ્રિલના રોજ હાજર રહેવા માટે જણાવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં