Friday, November 22, 2024
More
    હોમપેજદેશસોમનાથમાં ડિમોલિશન ડ્રાઇવ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો પણ ઇનકાર, કન્ટેમ્પ્ટની દલીલો...

    સોમનાથમાં ડિમોલિશન ડ્રાઇવ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો પણ ઇનકાર, કન્ટેમ્પ્ટની દલીલો પર કહ્યું- અવમાનના થઈ હશે તો અધિકારીઓને જેલભેગા કરીશું

    28 સપ્ટેમ્બર, 2024ના રોજ વહીવટી તંત્રે ગુજરાતમાં સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર બાંધવામાં આવેલી 10 ગેરકાયદેસર મસ્જિદો, 5 દરગાહો, કેટલીક કબરો અને 45 મુસ્લિમોનાં ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું. તેને લઈને મુસ્લિમ પક્ષ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

    - Advertisement -

    વેરાવળના સોમનાથમાં સરકારી જમીન પર બનાવવામાં આવેલ ગેરકાયદેસર મસ્જિદ-દરગાહ વિરુદ્ધ કાર્યવાહી સામે સ્થાનિક મુસ્લિમ સમુદાય સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને અરજી કરીને ડિમોલિશન મામલે કોર્ટના આદેશની અવમાનના થઈ હોવાની રજૂઆત કરી છે. આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરતાં સરકાર પાસે જવાબ માંગ્યો અને કહ્યું કે, જો ખરેખર કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ હશે તો તેઓ અધિકારીઓને જેલભેગા પણ કરશે અને જે બાંધકામો તોડવામાં આવ્યાં છે તેને ફરી ઊભાં કરવાના આદેશ આપવામાં આવશે. જોકે, સાથે સુપ્રીમ કોર્ટે ડિમોલિશન કાર્યવાહી પર રોક લગાવવાની ના પાડી દીધી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુરુવારે (3 ઑક્ટોબર) ગુજરાત હાઈકોર્ટે પણ સ્ટેટસ ક્વો જાળવવાના આદેશ આપવાની મુસ્લિમ પક્ષની માંગ ફગાવી દીધી હતી.

    જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની સુપ્રીમ કોર્ટની બેન્ચે અવમાનનાની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. 28 સપ્ટેમ્બર, 2024ના રોજ વહીવટી તંત્રે ગુજરાતમાં સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર બાંધવામાં આવેલી 10 ગેરકાયદેસર મસ્જિદો, 5 દરગાહો, કેટલીક કબરો અને 45 મુસ્લિમોનાં ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું. તેને લઈને મુસ્લિમ પક્ષ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

    ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ

    આ મામલે પાટણી મુસ્લિમ જમાતે પ્રશાસનની કાર્યવાહી સામે અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા 17 સપ્ટેમ્બર, 2024ના આદેશનું ઉલ્લંઘન થયું હોવાની દલીલ કરીને પ્રશાસન સામે કાર્યવાહીની માંગ કરી હતી. અરજદાર મુસ્લિમોએ સરકારી જમીન પર બનાવવામાં આવેલા તેમનાં મકાનો અને મઝહબી ઢાંચાઓને યથાવત રહેવા દેવાની માંગ કરી હતી. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે.

    - Advertisement -

    કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી હાજર વકીલે દલીલ કરતાં કહ્યું કે, 1903માં બનેલી દરગાહો, કબરો અને મકાનો વિશે આપવામાં આવેલી નોટિસમાં પણ બુલડોઝર કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાથે કહ્યું કે, આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. કોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ.

    કાર્યવાહી 2023થી ચાલુ જ છે: ગુજરાત સરકાર

    ગુજરાત સરકાર તરફે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે સરકારનો પક્ષ મૂકી દલીલો આપી હતી. મહેતાએ જણાવ્યું હતું કે, આ બાંધકામો સમુદ્રને અડીને આવેલાં છે અને સોમનાથ મંદિરથી લગભગ 340 મીટરના અંતરે છે. તેમણે કહ્યું કે બુલડોઝરની કાર્યવાહી 17 સપ્ટેમ્બરના આદેશ હેઠળ અપવાદ હતી. સરકારી જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે, જે 2003થી જ ચાલતું આવે અને કાર્યવાહી વર્ષ 2023થી ચાલી રહી છે.

    આ પહેલાં ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં ગેરકાયદેસર બાંધકામો પર ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે 1 ઑક્ટોબર, 2024ના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈ અને વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જ્યાં સુધી ચુકાદો સંભળાવવામાં નહીં આવે ત્યાં સુધી દેશભરમાં બુલડોઝર એક્શન ન કરવામાં આવે.

    જો કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે ગેરકાયદે અતિક્રમણ હટાવવા પર કોઇ પ્રતિબંધ નહીં લાગે. રસ્તા હોય, રેલવે લાઈન હોય, મંદિર હોય કે દરગાહ હોય, ગેરકાયદે અતિક્રમણ દૂર કરવામાં આવશે. ખંડપીઠે કહ્યું હતું કે લોકોની સલામતી એ કોર્ટ માટે પહેલી પ્રાથમિકતા છે. હાલ આ મામલો પણ સુનાવણી હેઠળ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં