Monday, May 6, 2024
More
    હોમપેજદેશ'ફટાકડા ફોડવા હોય તો અન્ય રાજ્યમાં ચાલ્યા જાઓ': દિલ્હીની કેજરીવાલ સરકારે ફટાકડા...

    ‘ફટાકડા ફોડવા હોય તો અન્ય રાજ્યમાં ચાલ્યા જાઓ’: દિલ્હીની કેજરીવાલ સરકારે ફટાકડા પર લાદેલો પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, ભાજપ સાંસદે કરી હતી અરજી

    ખંડપીઠે કહ્યું હતું કે, "દિલ્હી સરકારના આ નિર્ણયમાં અમે હસ્તક્ષેપ નહીં કરીએ, સરકારે પ્રતિબંધ લાદ્યો છે તેનો અર્થ પૂર્ણ પ્રતિબંધ જ થાય. લોકોનું સ્વાસ્થ્ય વધુ મહત્વપૂર્ણ છે. જો તમારે ફટાકડા ફોડવા જ હોય તો તમે તેવા રાજ્યમાં ચાલ્યા જાઓ જ્યાં પ્રતિબંધ ના હોય."

    - Advertisement -

    દિલ્હીની કેજરીવાલ સરકારે ફટાકડા પર લાદેલો પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ફરી ઇનકાર કર્યો છે. ભાજપના લોકસભા સાંસદ મનોજ તિવારીએ કરેલી પ્રતિબંધ હટાવવાની માંગની અરજી પર જસ્ટિસ એએસ બોપન્ના અને સુંદરેશની પીઠે આ મામલે સુનાવણી કરી હતી. તિવારીના પક્ષેથી દલીલ કરવામાં આવી હતી કે ઓછું પ્રદુષણ ફેલાવે તેવા ‘ગ્રીન ફાયર ક્રેકર્સ’ ફોડવાની અનુમતી હોવા છતાં દિલ્હીમાં ફટાકડા પર પૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે હટાવવામાં આવે.

    અરજી પર ખંડપીઠે કહ્યું હતું કે, “દિલ્હી સરકારના આ નિર્ણયમાં અમે હસ્તક્ષેપ નહીં કરીએ, સરકારે પ્રતિબંધ લાદ્યો છે તેનો અર્થ પૂર્ણ પ્રતિબંધ જ થાય. લોકોનું સ્વાસ્થ્ય વધુ મહત્વપૂર્ણ છે. જો તમારે ફટાકડા ફોડવા જ હોય તો તમે તેવા રાજ્યમાં ચાલ્યા જાઓ જ્યાં પ્રતિબંધ ના હોય.” તો બીજી તરફ મનોજ તિવારીના પક્ષે કહેવામાં આવ્યું હતું કે તેઓની તેમના મતદાતા પ્રત્યે કેટલીક ફરજો છે અને ન્યાયાલયે પોતે જ ગ્રીન ક્રેકર્સ ફોડવાની પરવાનગી આપી છે.

    જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, “તમારે લોકોને પણ સમજાવવું જોઈએ કે ફટાકડા ન ફોડવા જોઈએ. ખાલી તહેવાર જ નહીં, ચૂંટણીના વિજય સરઘસ દરમિયાન પણ ફટાકડા ન ફોડવા જોઈએ. જીતની ઉજણવી કરવા માટે અન્ય પણ વિકલ્પો છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે સતત ત્રીજા વર્ષ માટે અરવિંદ કેજરીવાલ સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દીધો છે. કેજરીવાલ સરકારના મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં ખાસ કરીને દિવાળી પર ફટાકડા ફોડવાના કારણે જે પ્રદૂષણ થાય છે તેને રોકવા માટે તમામ પ્રકારના ફટાકડાના નિર્માણ, સંગ્રહ, વેચાણ, ઓનલાઈન વેચાણ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં કોઇ પણ પ્રકારનું લાયસન્સ ઇસ્યુ ન કરવામાં આવે તે માટે દિલ્હી પોપ્યુલેશન કન્ટ્રોલ બોર્ડ વતી નોટિસ જારી કરવા માટે પોલીસને સૂચના આપી દેવામાં આવી છે.

    આ પહેલાં સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવા મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવા દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે ભાજપ સાંસદ મનોજ તિવારીની અરજી પર તત્કાલ સુનાવણીનો ઇનકાર કરીને કહ્યું કે, લોકોને ખુલ્લી હવામાં શ્વાસ લેવા દો અને એટલા રૂપિયાથી મીઠાઈ ખરીદો. ભાજપ સાંસદે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના દિલ્હી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભાજપ સાંસદ મનોજ તિવારીએ ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે અરજી કરીને ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિલ્હી સરકારે હિંદુઓ, શીખો અને ખ્રિસ્તીઓના તહેવાર દરમિયાન ફટાકડાના ઉપયોગ, વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો છે. અનુમાન છે કે રાજ્યમાં આ વર્ષે પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણયના કારણે દિવાળીના દિવસે જ હિંદુઓને નિશાન બનાવવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોરોના પછી બેઠા થઇ રહેલા વેપારીઓને પણ તેનાથી મોટું નુકસાન જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રદુષણ વધવાનું કારણ પરાળી સળગાવવી છે.

    દિલ્હીમાં ફટાકડા નહીં ફોડવાનું કેજરીવાલ સરકારનું ફરમાન

    ઉલ્લેખનીય છે કે 19 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે એક ફરમાન જાહેર કર્યું હતું. જે મુજબ દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો હતો. સાથેજ ફટાકડા વેચનારને 3 વર્ષ માટે જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું ફરમાન પણ આપવામાં આવ્યું હતું. આ મામલે રાયે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર વિસ્ફોટક કાયદાની કલમ 9B હેઠળ 5000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજા થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં