Saturday, November 2, 2024
More
    હોમપેજદેશન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ધરપકડ માટે લેખિત...

    ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ, ધરપકડ માટે લેખિત આધાર ન હોવાનું કારણ આપ્યું: ચીનના પૈસે ભારતમાં દુષ્પ્રચાર ફેલાવવાનો છે આરોપ

    સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે નોંધ્યું કે 4 ઓક્ટોબરના રોજ રિમાન્ડ આદેશ પસાર કરતાં પહેલાં પુરકાયસ્થ કે તેમના વકીલને રિમાન્ડ અરજીની નકલ આપવામાં આવી ન હતી. એટલે કે તેમને ધરપકડના આધાર વિશે લેખિતમાં જણાવવામાં આવ્યું ન હતું.

    - Advertisement -

    ચીન પાસેથી ભંડોળ લઈને ભારતમાં પ્રોપગેન્ડા ફેલાવવાના આરોપી અને મીડિયા પોર્ટલ ન્યૂઝક્લિકના સ્થાપક તંત્રી પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે તેમની ધરપકડ અને ત્યારબાદ મંજૂર કરવામાં આવેલા રિમાન્ડને ગેરકાયદેસર ગણાવ્યા. નોંધવું જોઈએ કે દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી હતી. 

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો. ગત 30 એપ્રિલના રોજ આ મામલે દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગત 3 ઓક્ટોબર, 2023ના રોજ પુરકાયસ્થ અને ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અન્યોની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલાં દિલ્હી પોલીસે પોર્ટલ સાથે જોડાયેલા અમુક ઠેકાણે દરોડા પણ પાડ્યા હતા. 

    સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે નોંધ્યું કે 4 ઓક્ટોબરના રોજ રિમાન્ડ આદેશ પસાર કરતાં પહેલાં પુરકાયસ્થ કે તેમના વકીલને રિમાન્ડ અરજીની નકલ આપવામાં આવી ન હતી. એટલે કે તેમને ધરપકડના આધાર વિશે લેખિતમાં જણાવવામાં આવ્યું ન હતું. કોર્ટે આ બાબતને ધ્યાનમાં રાખીને તેમને જામીન બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો. 

    - Advertisement -

    કોર્ટે કહ્યું કે, “અમે તેમને સ્યોરિટી વગર જ મુક્ત કરી દીધા હોત, પરંતુ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચૂકી હોવાના કારણે અમે તેમને સ્યોરિટી અને બેલ બોન્ડ પર મુક્ત કરી રહ્યા છીએ. આ ચુકાદો પ્રબીર પુરકાયસ્થે પોતાની ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ કરેલી અરજી પર આપવામાં આવ્યો. 

    ઉલ્લેખનીય છે કે પ્રબીર પુરકાયસ્થ તેમજ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અન્ય કેટલાક લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસે UAPA હેઠળ કેસ દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી. ન્યૂઝક્લિક પર ચીનની તરફેણમાં ભારતમાં પ્રોપગેન્ડા ફેલાવવા માટે કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ છે. FIRમાં જણાવવામાં આવ્યું હતું કે, ન્યૂઝપોર્ટલે ચીનથી મોટા પ્રમાણમાં ભંડોળ મેળવીને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને સુરક્ષાને અસર પહોંચે તે આશયથી તેનો ઉપયોગ કર્યો હતો. 

    ધરપકડ અને રિમાન્ડ બાદ પ્રબીર પુરકાયસ્થે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે ધરપકડને યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. આ કેસમાં ન્યૂઝક્લિકનો HR અમિત ચક્રવર્તી પણ આરોપી છે, પરંતુ તે સરકારી ગવાહ બની ગયો હોવાથી હાઈકોર્ટે તેને મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. પછીથી તેણે સુપ્રીમ કોર્ટમાં રાહત માટે કરેલી અરજી પરત ખેંચી લીધી હતી. 

    આ કેસમાં દિલ્હી પોલીસે તાજેતરમાં જ ન્યૂઝ ક્લિક અને પુરકાયસ્થ સામે ચાર્જશીટ રજૂ કરી છે. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઇને આરોપો ઘડવા માટે 31 મેની તારીખ નક્કી કરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં