Thursday, May 9, 2024
More
    હોમપેજદેશ'પોતાની કથળેલી આર્થિક સ્થિતિ માટે કેરળ પોતે જવાબદાર'- સુપ્રીમ કોર્ટ: રાહત આપવાના...

    ‘પોતાની કથળેલી આર્થિક સ્થિતિ માટે કેરળ પોતે જવાબદાર’- સુપ્રીમ કોર્ટ: રાહત આપવાના ઇનકાર સાથે કહ્યું- ગેરવહીવટના કારણે ઊભી થઈ આ પરિસ્થિતિ

    કોર્ટે કહ્યું કે, "કેરળની સરકારોના ગેરવહીવટને કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, અમે કેન્દ્ર સરકારને તમને વધુ પૈસા ઉધાર આપવા માટે કહી શકીએ નહીં. કેરળને વધુ ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે તો અન્ય રાજ્યો પણ તેમની આર્થિક સ્થિતિ ખરાબ કરશે અને બાદમાં વધુ લાભની માંગ કરશે."

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે કેરળની વામપંથી સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કેરળની નબળી આર્થિક સ્થિતિ માટે કેરળ સરકાર પોતે જ જવાબદાર છે. કોર્ટે કહ્યું કે, આ માટે તેમનો પોતાનો જ ગેરવહીવટ જવાબદાર છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વધુ લોન મેળવવા માટેની કેરળ સરકારની અરજીની ફગાવી દીધી છે અને કોઈ રાહત આપવાનો પણ ઇનકાર કર્યો છે.

    સુપ્રીમ કોર્ટે સોમવારે (1 એપ્રિલ, 2024) સુનાવણી દરમિયાન કેરળની સરકારને ફટકાર લગાવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કેરળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની અરજી પર તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. કેરળ સરકારે કેન્દ્ર સરકારને વધુ ઋણ લેવાની મંજૂરી આપવા અરજી કરી હતી. અત્યારે કેન્દ્ર સરકારે તેના પર રોક લગાવી દીધી છે. કોર્ટે એવું પણ કહ્યું છે કે, કેરળ સરકારે આ મામલે અરજી દાખલ કર્યા બાદ તેને ₹13,608 કરોડની સહાય મળી ચૂકી છે.

    ‘કેરળની સ્થિતિ તેના ગેરવહીવટને કારણે ખરાબ’

    સુનાવણી દરમિયાન કોર્ટે કેરળ સરકાર અને તેના વહીવટ પર પણ ટિપ્પણી કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, “કેરળની સરકારોના ગેરવહીવટને કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, અમે કેન્દ્ર સરકારને તમને વધુ પૈસા ઉધાર આપવા માટે કહી શકીએ નહીં.” કોર્ટે કહ્યું કે, જો કેરળને વધુ ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવશે તો અન્ય રાજ્યો પણ તેમની આર્થિક સ્થિતિ ખરાબ કરશે અને બાદમાં વધુ લાભની માંગ કરશે. આ નિર્ણય આપતી વખતે, કોર્ટે કેરળ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની રાહત માટેની અરજીને ફગાવી દીધી હતી. કેરળ સરકારે અરજીમાં એવી માંગણી કરી હતી કે, કેન્દ્ર સરકારે તેના પર ઉધાર લેવાની રોક લગાવી છે, તેનાથી રાહત આપવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે કોઈ રાહત આપી નથી.

    - Advertisement -

    આ જ સુનાવણીમાં કોર્ટે કેરળ સરકારની બીજી અરજી પણ બંધારણીય બેંચને સોંપી હતી. કેરળ સરકારે કેન્દ્ર સરકારની સત્તાઓને લઈને આ અરજી દાખલ કરી છે. કેરળ સરકારની આ અરજી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોના ઉધાર પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ પર દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાન્તની બેંચે આ મામલો બંધારણીય બેંચ સમક્ષ મૂક્યો અને તેના હેઠળ 6 પ્રશ્નોની તપાસ કરવા કહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, કેરળની વામપંથી સરકાર તેની નબળી આર્થિક સ્થિતિ માટે કેન્દ્ર સરકાર પર ઠીકરું ફોડતી રહી છે. કેરળ સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તેની લોન લેવાની મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે તે તેના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકારનું કહેવું છે કે, કેરળ સરકારે બજેટની બહાર જંગી ઉધારી લીધી, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

    કેરળ સરકારની નબળી આર્થિક સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો હતો કે, કેન્દ્ર સરકાર તેને એક જ વારમાં ₹5,000 કરોડનું પેકેજ આપે. જોકે, કેરળ સરકારે તેને અપૂરતું ગણાવીને પાછી અરજી કરી હતી અને કહ્યું હતું કે તેને ઓછામાં ઓછા ₹10,000 કરોડની જરૂર પડશે.

    સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય લોકસભા ચૂંટણી વચ્ચે કેરળની વામપંથી સરકાર માટે ઘણો મુશ્કેલ સાબિત થવાનો છે. ઘણા સરકારી વિભાગોના કર્મચારીઓના પેન્શન અને ફંડ સરકાર પાસે અટવાયેલા છે. સરકાર તેમાં નિષ્ફળ જઈ રહી છે. આ નિર્ણય બાદ કેરળને વધારાના પૈસા પણ નહીં મળે. જ્યારે કેરળને દેશનું શિક્ષિત રાજ્ય ગણવામાં આવી રહ્યું છે, પરંતુ વામપંથી સરકારના કારણે આજે સ્થિતિ એવી છે કે, પોતાના જ કર્મચારીઓના પાગર ચૂકવવા માટે પણ કેન્દ્ર પર નિર્ભર રહેવું પડે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં